ઉત્તર ગુજરાતના વિજાપુરમાંથી 3849 કિલો ભેળસેળયુક્ત મરચા મળવાના કેસ મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. મરચાને કલર કરવા માટે સિંદુરનો ઉપયોગ થયો હતો. લેબના રીપોર્ટ બાદ વિજાપુરમાં મુકેશ પૂનમચંદ મહેશ્વરીએ આ મામલે કબૂલાત કરી હોવાનું સામે આવ્યું હતું. ફૂડ વિભાગ ફૂડ સેફ્ટી એક્ટની કલમ 63 હેઠળ કાર્યવાહી કરશે.
ફૂડ વિભાગે રવિવારે રાત્રે હિંમતનગર હાઇવે પર મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાંથી રૂ.10.45 લાખની કિંમતના 3849 કિલો ભેળસેળયુક્ત મરચાં જપ્ત કર્યા હતા. ફેક્ટરીમાં મુકેશ મહેશ્વરી મરચામાં કલર દેખાડવા માટે સિંદુરનો ઉપયોગ કરતો હતો. મરચાં ભેળસેળ કર્યા બાદ ઉંચા ભાવે વેચવામાં આવી રહ્યા હતા ત્યારે તગડી કમાણી થતી હતી. જેથી આ મામલે ભેળસેળ કરીને લોકોને ગુમરાહ કરવાનું કામ કરતો હતો.
આરોગ્ય વિભાગના લાયસન્સ વિના જ મરચાની ફેક્ટરી ચલાવતો હોવાથી આ મામલે કાર્યવાહી કરાતા વડોદરાની લેબમાં અગાઉ વિજાપુરમાં થયેલી મરચાની તપાસ માટેના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે આ નમૂનાનો રીપોર્ટ 14 દિવસે આવ્યો હતો આ મરચું અસુરક્ષિત છે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમ રીપોર્ટમાં સામે આવ્યું છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા થઈ રહ્યા છે. મુકેશ મહેશ્વરી દ્વારા મરચાના મામલે ભેળસેળનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે.
સતત આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે. ફૂડમાં આ પ્રકારની ભેળસેળના કારણે લોકોનું જીવન જોખમાઈ રહ્યું છે. જેના કારણે અનેક રોગોનો શિકાર લોકો બની રહ્યા છે. ફૂડ વિભાગ દ્વારા દરેજ જિલ્લા અને શહેરમાં આ મામલે મોટાપાયે ઝૂંબેશ ચલાવવી જોઈએ જેથી કરીને આ પ્રકારના ભેળસેળીયા વેપારીઓને પકડીને કાર્યવાહી કરી શકાય તેમજ અન્ય લોકો પણ આ પ્રકારે ભેળસેળ કરતા અટકે. પ્રાથમિક તપાસમાં વેપારી એકમમાં બીજી વખત ભેળસેળ મળી આવતા ફૂડ વિભાગે આગળ શું કાર્યવાહી કરી શકાય તે અભ્યાસ કર્યો. જેથી આ પ્રકારના મામલા પણ પ્રકાશમાં આવી રહ્યા છે.