મનિકા એક સદા હસતી બોલતી સ્ત્રી. અમારી મુલાકાત દરરોજ થતી. હું જ્યાં જોબ કરતી ત્યાં એ સફાઈકર્મચારી નું કામ કરતી હતી. દરરોજ એ મને જુએ કે તરત જ “કેસે હો મેડમજી”એમ બોલે. રોજ અમારી ખુબ વાતો થાય. મને એમ થાય કે આને કેટલી શાંતિ છે?કેટલી બિન્દાસ છે આ?કોઈ આટલું બિન્દાસ કઇરીતે રહી શકે? ખૂબજ નિખાલસ એનો સ્વભાવ.
એક વખત અમે વાત કરતા હતા ને અચાનક એના દીકરા નો ફોન આવ્યો. એણે વાતચીત કરી ને છેલ્લે કહ્યું હું પૈસા મોકલાવીશ. ફોન પુરો થતા એણે એની હૈયા વરાળ કાઢી. એનું રૂપ જાણે સાવ બદલાઈ ગયું. એક અલ્હડ સ્ત્રી અચાનક જ એક માં બની ગઈ. એની વાત સાંભળી હું મૌન થઇ ગઈ. શબ્દો જાણે થીજી ગયા.
મનિકાનું વતન નેપાળનું એક ગામ. માં બાપ,ત્રણ બહેનો ને એક ભાઈ નું એનું કુટુંબ. આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી અભ્યાસ અધૂરો મૂકીને કામની પસંદગી કર્યા વિના છૂટકો નતો. એ એમાં પણ ખુશ હતી. સમય જતા એના લગ્ન એના લગ્ન થયા. શરૂઆત નો સમય ખુબ સારી રીતે પસાર થયો. એનો પતિ એને ખૂબ સારું રાખતો. એ ખૂબ ખુશ હતી એના સાસરે. એનો પતિ કામ કરતો ને એ ઘર સાચવતી. થોડા સમયમાં એણે એક દીકરા ને જન્મ આપ્યો. ઘરમાં આનંદનું મોજું ફરી વળ્યું. પણ સમય ક્યારેય એક સરખો રહેતો નથી. રેહાન બે વર્ષનો થયો ને એના પતિએ એને કાઢી મુકી, એટલું જ નહિ તેના પતિએ તેને છૂટાછેડા આપી બીજા લગ્ન પણ કરી લીધા.સ્વાભિમાની મનિકા બે મહિના પોતાના પિતાના ઘરે રહી ને પછી એણે એક ઘર ભાડે લીધું. રાતદિવસ મજૂરી કરવા ઉપરાંત તે પોતાના દીકરાને પણ સાચવતી. એની બધી જ જવાબદારી ઉપાડતી રેહાન અગિયાર વર્ષનો થયો ત્યારે એણે એના માતાના ઘરથી થોડે દૂર પોતાનું નાનું ઘર લીધું.તેની એક મિત્ર વિદેશમાં નોકરી કરી સારું કમાતી હતી.તેણે મનિકાને પણ આ કામ વિષે વાત કરી.મનિકાને તેની વાત યોગ્ય લાગી. હવે તે રેહાનને ઘરના કામ, રસોઈ બધું શીખવાડવા લાગી. રેહાનને સમજાવા લાગી કે એણે ઘરમાં એકલા રહેવાનું છે. જાતે રસોઈ બનાવવાની છે. ઘરનું કામ જાતે કરવાનું છે અને સાથે ભણવાનું પણ છે. એની મમ્મીએ એને કહ્યું કે રેહાન અમારી સાથે રહેશે પણ મનિકા ને એ મંજુર ન હતું. એક વર્ષમાં રેહાનને જવાબદાર બનાવી તે વિદેશ જવા નીકળી.ચૌદ વર્ષનો રેહાન એક જવાબદાર છોકરાની જેમ સવારે વહેલો ઉઠીને રસોઈ બનાવીને સ્કૂલ જાય છે. આવીને જમીને કપડાં તેમજ ઘરનું અન્ય કામ કરે છે. ત્યારબાદ ટ્યૂશન જાય છે. ત્યાંથી આવીને હોમવર્ક તેમજ અભ્યાસ કરે છે. રાતે ફરી જમવાનું બનાવીને વાસણ ઘસીને સુઈ જાય છે. મહિનામાં એક વાર તેના મામા તેને ઘરવપરાશ ની ચીજવસ્તુઓ લઇ આપે છે. જેના પૈસા મનિકા મોકલે છે. દર મહિને અમુક રકમ મનિકા રેહાન માટે મોકલે છે.જેમાંથી રેહાનની સ્કૂલ ફી તેમજ અન્ય ખર્ચ નીકળે છે. નાની અને મામી ક્યારેક ઘરમાં કઈ સારું બન્યું હોય તો રેહાનને આપી આવે છે.રેહાન જયારે બીમાર પડે ત્યારે તેની નાની રેહાન પાસે આવીને બે ત્રણ દિવસ રહે છે.રોજ રાતે થોડી વાર માં દીકરો વાત કરે છે.રેહાન એની મમ્મીને ક્યારેય કોઈ ફરિયાદ નથી કરતો કે ના તો કોઈ વસ્તુની માંગણી.બસ એની માં ની રાહ જુએ છે એ પણ એને કહ્યા વગર. એક બાળકને એનું બાળપણ છીનવી તેને જવાબદાર બનાવી દે એનું નામ મજબૂરી એ આજે સમજાય છે. આખી વાત સાંભળી બંને ની આંખો ભીંજાય છે.અને વાતાવરણ શાંત બની જાય છે.