તા.16થી 20 ઑક્ટોબર (બુધવારથી રવિવાર) સળંગ પાંચ દિવસ,સાંજે 05-30 કલાકે, રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સુકુમાર પરીખની પ્રેરણાથી સાતત્યપૂર્ણ સતત છઠ્ઠા વર્ષે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.
રંજના પેંઢારકરના સહયોગથી સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ના પ્રથમ દિવસે,તા.16 ઑક્ટોબર, બુધવારે સંસ્કૃતસર્જક ‘ચાણક્ય’ વિશે શુચિતા મહેતાએ અને સંસ્કૃતગ્રંથ ચાણક્યના ‘અર્થશાસ્ત્ર’ વિશે ગૌતમ પટેલે વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સંસ્કૃતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
—
શુચિતા મહેતા :
—
ચાણક્યનું નામ ભારતના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે કોતરાયું છે. અખંડ ભારતની રચના માટે ગુપ્તવંશની સ્થાપના કરાવનાર ચાણક્ય અપ્રિતમ દેશભક્તિ, પ્રખર બુદ્ધિપ્રતિભા અને લોકહિતની ભાવના ધરાવતા હતાં. રાજનીતિના કુટિલ દાવપેચોમાં પાવરધા હોઈ તેઓ કૌટિલ્ય તરીકે પણ પ્રસિધ્ધ છે. ચાણક્યનીતિ અને અર્થશાસ્ત્ર તેમની અમૂલ્ય રચનાઓ છે. ચાણક્યનીતિ માનવમાત્રને જીવન સાફલ્યની ગુરુચાવી આપે છે. ‘ચાણક્ય’ એ વ્યક્તિવાચક નામ ના રહેતા વિશેષણ બનવા પામ્યું છે, જે તેમના અજોડ વ્યક્તિત્વને સૂચવે છે.
—
ગૌતમ પટેલ :
—
પ્રાચીન વારસાને આધુનિક સાથે જોડવું એટલે શાશ્વતીનો અનુભવ કરવો જે આ કાર્યક્રમ દ્વારા અનુભવાય છે. રાષ્ટ્રનું નિર્માણ, સંવર્ધન, વિકાસ એવા દરેક પાસાઓને સમજાવવાનું કે સૈદ્ધાંતિક રીતે જણાવવાનું એ વૈદિક કાળથી આપણા ગ્રંથોએ દર્શાવ્યું છે. વૈદિક શાસ્ત્રોમાં રાજ્યના પણ અમુક પ્રકારો જણાવ્યા છે જેમાં વૈરાજ્ય, સામ્રાજ્ય કે ભોજ્યનો સમાવેશ થાય છે. એટલે કે પાશ્ચાત્ય ફિલસૂફીમાં કહેવાયું છે કે આપણી પાસે રાજકીય શાસ્ત્રનો વારસો નથી સાવ જૂઠાણું કહી શકાય.