*કૃષ્ણ – Krishna*

ચોરી કરવી એ ગુનો છે-પણ એમણે માખણ ચોર્યું. એ માખણ ચોર કહેવાયા. રણ છોડીને ભાગી જવું એ યોઘ્ધાઓ માટે મોટું કલંક છે-પણ એમણે રણ છોડી દીધું. એ રણછોડ કહેવાયા. કૃષ્ણ સાહજિક છે અને એટલે એ સમજાતા નથી. એ આપણાં પરસેપ્શનને જીતી લે છે. એ એક અનુભવ છે અને એટલે એમનું વર્ણન શક્ય નથી. બીજાની અપૂર્ણતાને એ પૂર્ણ કરતા રહ્યા અને એટલે પૂર્ણ પુરૂષ કહેવાયા. કૃષ્ણ એક થ્રીલ છે. એક ડિઝાયર છે.

કૃષ્ણ મેનેજમેન્ટનાં માણસ છે. એ નિયમો બનાવે છે અને એ જ નિયમોને તોડતાં પણ શીખવે છે. એ સહનશીલતા પણ કેળવી આપે છે અને એક જ ઘાએ એ જ સહનશીલતાનાં કટકા પણ કરી આપે છે. એવું કહેવાય છે કે ગાંધીજી અહિંસાનાં પૂજારી હતા પણ કૃષ્ણ આ વાતમાં ગાંધીજી કરતાં આગળ હતા. ગાંધીજીએ કહ્યું કે કોઇ એક ગાલ મારે તો બીજો ગાલ આગળ ધરવો. કૃષ્ણએ કહ્યું કે કોઇ એક નહીં-સો ગાળ આપે તો સાંભળી લો, પણ એકસો-એકમી ગાળ તો નહીં જ સાંભળો ! સોઇની અણી પણ આપવાની ના પાડવામાં નથી આવતી ત્યાં સુધી એ યુધ્ધનાં માર્ગે આગળ નથી જ વધતા. *એ અહિંસાનાં શ્રેષ્ઠત્તમ પૂજારી છે-પણ અહિંસાનાં ગુલામ નથી. એમને ખબર છે કે અહિંસા ક્યારે પૂરી કરવી અને હિંસા ક્યારે શરૂ કરવી. જો ગાંધીજીને આ વાતની ખબર પડી ગઇ હોત તો ભારતનાં ભાગલા ન થયા હોત.*

કૃષ્ણનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે-સ્વીકાર. એમણે સૌને એવા જ સ્વીકારી લીધા, જેવા સૌ હતા ! એ દ્રૌપદીની ધારને બુઠ્ઠી કરવાનો પ્રયત્ન નથી કરતા. આંધળાનાં પુત્ર તો આંધળા જ હોય-એવું કહેતી દ્રૌપદીને એ રોકતા નથી. દ્રૌપદીનું ચીરહરણ થાય છે ત્યારે જીભ કાબૂમાં રાખવી જોઇતી હતી-એવું લેક્ચર પણ નથી આપતા. રાધાને ગણતરીબાજ બનાવવાની કોશિશ નથી કરતાં. કુંતીને દ્વિધા છે કે-હું કર્ણ પાસે કેવી રીતે જાઉં ત્યારે કૃષ્ણ એની સાથે જાય છે. એ કુંતીનાં પુત્રપ્રેમને વધારે વિશાળ બનાવી આપે છે. કર્ણનાં માતા તરીકેનો સ્વીકાર પણ કરાવે છે. એ કુંતીને સ્વાર્થી બનાવતા નથી.

આમ જોવા જાવ તો દરેકે જે માંગ્યું-એ બધું જ કૃષ્ણએ એમને આપ્યું. ભીષ્મ ઇચ્છતા હતા કે આખી જીંદગી એમની ભીષ્મ-પ્રતીજ્ઞા ટકી રહે. કૃષ્ણએ એમને ભીષ્મપણું આપ્યું. આખા મહાભારતમાં ભીષ્મની પ્રતીજ્ઞાને ઉની આંચ પણ નથી આવી. કર્ણને દુનિયાભરમાં શ્રેષ્ઠ દાનવીર તરીકે ઓળખાવું હતું. એમણે એની પાસે કવચ અને કુંડળ લઇને એને શ્રેષ્ઠ દાનવીર બનાવી દીધો. ધોઝ હુ વોન્ટ ટુ ડાઇ ઇન ગ્લોરી, લેટ ધેમ ડાઇ ઇન ટુ ગ્લોરી એન્ડ વિક્ટરી વીલ બી યોર્સ…કર્ણને જીત કરતા કીર્તિ વધારે વહાલી હતી એટલે એમણે એને કીર્તિ આપી. દ્રૌણ માટે પુત્રપ્રેમ સર્વોચ્ચ હતો. કૃષ્ણએ એમને પુત્રપ્રેમમાં જ મોત આપ્યું. દ્રૌણને હરાવવા મુશ્કેલ હતા. એવું કહેવાતું કે એમને હરાવવા હોય તો એમની પાસે હથિયાર હેઠા મૂકાવવા પડે. અશ્વત્થામા પાસે અમરત્વનું વરદાન હતું. પણ-દ્રૌણનો પુત્રપ્રેમ આંધળો હતો. એ નરો વા કુંજરો વા સાંભળીને એવું માની બેઠા કે અશ્વત્થામા હણાયો. દ્રૌણનું મૃત્યુ શિખંડીનાં હાથે નહીં પણ પોતાનાં પુત્રપ્રેમને કારણે થયું. કૃષ્ણએ એમને એક મહાન પિતાનું મોત આપ્યું. દુર્યોધન શ્રેષ્ઠ ગદાધારી હતો. અજેય હતો. એ કહેતો હતો કે-જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ…જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. એટલે કે હું ધર્મને જાણું છું પણ પાલન કરી શકતો નથી અને હું અધર્મને સમજું છું પણ એનાથી દૂર થઇ શકતો નથી. આવા દુર્યોધનને હણતી વખતે કૃષ્ણ ખુદ ભીમ પાસે અધર્મ કરાવી જાંઘ પર ગદા મરાવડાવી. કૃષ્ણ સૌની ઇચ્છા પ્રમાણે જ સૌની સાથે વર્ત્યા.

કૃષ્ણ આખી જીંદગી એ સાહજિક રહ્યા.

કૃષ્ણ સહજ રહેવાની સાથે-સાથે કમિટેડ પણ રહ્યા. આખી જીંદગી એ કમિટમેન્ટ માટે જીવી ગયા. એમણે રાધાને પ્રેમ કર્યો-એને મૂકીને આગળ નીકળી ગયા પણ પ્રેમનું કમિટમેન્ટ પાળ્યું. આજે એમનાં નામની આગળ પત્ની રૂકમણિનું નહીં પણ રાધાનું નામ લેવાય છે. આજે જ્યારે સંબંધોમાંથી કમિટમેન્ટ ઓછું થઇ રહ્યું છે ત્યારે કૃષ્ણ પાસેથી કમિટમેન્ટ શીખવા જેવું છે. એમણે કાચા તાંદૂલ ખાઇને દોસ્તીને કમિટમેન્ટ પાળ્યું. કમિટમેન્ટ માટે કૃષ્ણ પૂર્ણ પુરૂષોત્તમ હોવાનો પોતાનો અહમ પણ બાજુએ મૂકી દે છે. આખા મહાભારતમાં જેટલી સાહજિકતાથી કૃષ્ણએ અહમને બાજુ પર મૂક્યો છે એટલી સાહજિકતાથી કોઇએ અહમ છોડ્યો નથી. પ્રતીજ્ઞા પાલક હોવાનો અહમ ભીષ્મ બાજુ પર ન મૂકી શક્યા, એમણે આ અહમ બાજુ પર મૂક્યો હોત તો કુરુવંશનું નિકંદન ન નીકળ્યું હોત. કર્ણનું કમિટમેન્ટ કૌરવો માટે ન્હોતું-દાનવીર હોવાનાં પોતાનાં અહમ માટે હતું. દાનવીર તરીકેની છાપ સાચવી રાખવા એણે કવચ અને કુંડળ દાનમાં ન આપ્યા હોત તો કૌરવો જીતી ગયા હોત. – પણ કૃષ્ણ પાંડવો માટે કમિટેડ રહ્યા-શસ્ત્ર હાથમાં નહીં પકડવાની પોતાની પ્રતિજ્ઞા એમણે તોડી અને ચક્ર હાથમાં ઉંચકી મારવા દોડી ગયા.

કૃષ્ણએ દ્રૌપદી સાથેનો પોતાનો સંબંધ પણ એટલા જ કમિટમેન્ટ સાથે નિભાવ્યો. યુધ્ધ દ્વારા કૌરવો સાથે વેર લેવાનું વચન એમણે પાળ્યું. કર્ણને અપાયેલી દ્રૌપદીની લાલચ એ દ્રૌપદી પ્રત્યેનું કમિટેમેન્ટ-બ્રેક ન્હોતું-પણ યુધ્ધ પહેલાં કર્ણને ઇમોશનલી ડાઉન કરવાનો પેંતરો હતો. યુધ્ધમાં પોતાની સેના મોકલીને એમણે દુર્યોધનને આપેલું કમિટમેન્ટ પણ પાળ્યું. કૃષ્ણ ધર્મ માટે પણ કમિટેડ રહ્યા. રામે ક્યારેય ન કહ્યું પણ કૃષ્ણએ કહ્યું, કે “જ્યારે જ્યારે ભારતવર્ષમાં અધર્મ વધી જશે ત્યારે ત્યારે હું અવતાર લઇશ!”

*આ જન્માષ્ટમી પર તમે પારણું ન ઝૂલાવો તો ચાલશે-પણ સંબંધોમાં કૃષ્ણનું કમિટમેન્ટ ઉતારજો. કૃષ્ણની જેમ સંબંધોમાં ભરોસો જાળવવા આખેઆખો ગોવર્ધન ઉંચકી લેવો પડે તો ઉંચકી લેજો. સંબંધોનાં ટકી જવા અને એનાં જીવી જવા પાછળ સૌથી અગત્યની ચીજ છે કમિટમેન્ટ. જેને પ્રેમ કરો એને કમિટેડ રહો. કૃષ્ણ સંબંધોમાં કમિટમેન્ટ શીખવે છે. સંબંધોમાં કમિટમેન્ટનું નામ જ કૃષ્ણ છે*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *