મારાં જેવા ઘણા બધા માટે વર્ષોથી ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે મૈત્રી દિવસ જોકે આ વર્ષે યુએન દ્વારા જુલાઈ મહિનાનો છેલ્લો રવિવાર મૈત્રી દિવસ તરીકે જાહેર કરાયેલો પણ કદાચ એ ચર્ચા અસ્થાને છે કેમકે મારાં મતે તો મૈત્રીનો કોઈ એક દિવસ તે હોતો હશે વળી ? એના તો સૈકાઓ હોય જમાના હોય. આજે તો હું ફક્ત દુનિયાને એ જણાવું છું કે મારાં મિત્રોનું મારાં જીવનમાં મહત્ત્વ શું છે.
આજે મૈત્રી દિવસ પર ઘણા બધાએ પોતપોતાના મિત્રો સાથે ભેગા થઇ અને સરસ રીતે મૈત્રી દિવસ ઉજવ્યો હશે કે ઉજવવાનાં હશે, ઉજાણી કરી હશે, બધાએ એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી હશે. મેં પણ મારાં મિત્રોને શુભેચ્છા સંદેશ મોકલાવ્યાં પણ જેમની મૈત્રીની હું આજીવન ઋણી છું એમને હું કેમ ભૂલી શકું.
મારાં માટે સહુથી પહેલાં અને આજીવન કહી શકાય એવા અંગત મિત્ર, મારાં સખા એટલે કૃષ્ણ. મારે મન કૃષ્ણ એટલે જેને પ્રેમ કરી શકાય, એનો મોહ હોય, એનું આકર્ષણ હોય, એની તરફ વગર કોઈ કારણે તમે ખેંચાઈ જાઓ એવું વશીકરણ હોય, એના પર આંધળો વિશ્વાસ નહિ પણ સંપૂર્ણ શ્રદ્ધા મૂકી શકાય, એની સામે રડી શકાય, એની સાથે ઝગડી શકાય, એના પર હક કરી શકાય, એના જેટલું અંગત કોઈ જ નહિ, એની સામે હળવા થઈ શકાય, એની આગળ સંપૂર્ણ સમપર્ણ કરી શકાય, એની સામે શરણાગતિ સ્વીકારી શકાય કે પછી કૃષ્ણ એટલે જેમાં એકાકાર થઈ શકાય.
મારાં બીજા આજીવન મિત્ર એટલે રશ્મિબહેન મારાં મમ્મી. અથવા એમ કહું કે પળેપળ મારી આસપાસ ફરતુ એક રક્ષાકવચ. એમની સામે જેવી છું એવી વ્યક્ત થઇ શકું. મને મારાંથી પણ પહેલાં અને નખશિખ ઓળખનાર એ સહુથી પહેલાં વ્યક્તિ. કોલેજનાં દિવસોમાં પણ કોઈ મિત્ર ને કહી શકું કે ના કહી શકું પણ રશ્મિબહેનને તો બધું જ કહેવાય એવી નિખાલસ મૈત્રી.
એમનામાં સંપૂર્ણ શ્રદ્ધા કેમકે આખરે તો મા જેના માટે એની દીકરીથી વિશેષ કાંઈ જ મહત્વનું નથી. મા માટે તો એના બધા સંતાન સરખા તોય હકથી અને વટથી કહું કે હા ! રશ્મિબહેનને મારાં પ્રત્યે પક્ષપાત ખરો જ. ઊંડે-ઊંડે એક આશા પણ ખરી કે એક દિવસ મારી દીકરી પણ મને એની આજીવન મિત્ર સમજે.
આ બંન્નેની સાથે એક વિશેષ આજીવન મિત્ર તો ખરો જ અને એને હું છોકરો કે છોકરીથી ઉપર ફક્ત અને ફક્ત અંગત મિત્ર ગણી શકું એવો મારો નાનો ભાઈ Rushi અને એની ભાષામાં કહું તો ક્રાઇમ પાર્ટનર. એ મને બરાબર ઓળખે. મને શું ગમે ના ગમે કે શું ભાવે ના ભાવે હું ક્યારે શું વિચારીશ કે શું કહીશ એની એને બરાબર જાણ. એની સામે કોઈ જ આવરણ નહિ. એની સામે ખુલ્લાં દિલે વ્યક્ત થઈ શકાય, રડી શકાય, હસી શકાય અને હળવા થઈ શકાય.
આ બંને આજીવન મિત્રો આપવા બદલ મારાં કાનુડાનો આભાર માનું એટલો ઓછો કેમકે આ સંબંધો એણે મને આપ્યાં. આ બધામાં એક સંબંધ એવો પણ કે જે મેં જાતે નક્કી કર્યો અને એ મારાં જીવનસાથી Phani Kumar નો પણ ત્યારે નહોતી ખબર કે જીવનસાથીનાં રૂપમાં એક આજીવન અંગતથીય અંગત એક મિત્ર મળી જશે. નક્કી ભલે અમે કર્યું હશે પણ મારાં કાનુડાની મરજી વગર તો પાંદડુંય ક્યાં હાલે એટલે નક્કી એણે જ અમારી પાસે આ આજીવન મૈત્રી કરાર કરાવ્યાં હશે.
દોઢેક દાયકાથી પણ વધારે અમારો સંબંધ અને મને નખશિખ ઓળખનાર મારાં માતાપિતા પછી એ માત્ર એક. પાછાં બધાથી અલગ એમને કોઈ દેખાડો, કોઈ ખોટો દંભ કે કોઈ આડંબર ફાવે નહિ. સાવ સીધું સાદું એમના જીવનનું ગણિત અને ૧+૧ = ૨ થાય એટલું સરળ એમનું વ્યક્તિત્વ. કેટલીય ચડતીપડતી જોઈ પણ બધામાં ખભેખભો મિલાવી મારી પડખે જ હોય.
મારી જરૂરિયાત હોય કે આદત, ભલે ને ગમે એવી હોય કે ન હોય પણ તોય મારાં માટે તો એટલું જ પૂરતું કે એ હંમેશા મારી સાથે જ છે. ક્યારેક નવાઈ લાગે કે મારી પાછળ મારાં સામાજિક કાર્યોને લઈ એમને ઘણું ખરું કામ પહોંચે તોય આખો દિવસ એ સ્મિત કેવી રીતે કરી શકે ? એવું તે કયું ચાલક બળ છે એમની પાસે ?
પછી યાદ આવે કે આજથી દોઢેક દાયકા પહેલાં મારો હાથ જયારે એમના હાથમાં સોંપાયો હતો ત્યારે ખબર નહોતી પડી કે ક્યારે એમણે મારો હાથ એમના હાથમાં લઈ લીધો અને મને સંભાળી લીધી. એમણે તો મને એમની વિશેષ કાળજી, એમનો પ્રેમ, નિરંતર સાથ અને અવિરત સહકાર સાથેની આજીવન મૈત્રી આપી જ દીધી છે.
હા ! આ બધામાં Bharat ભાઈ એટલે કે મારાં પપ્પા ક્યાંય નથી આવતાં કેમ કે પિતા એ એક એવું વિરાટ વ્યક્તિત્વ છે જેને તમે કોઈ જ શ્રેણીમાં બાંધી ન શકો. બસ તમારાં માથે એમનો હાથ હોય તો જાણે તમારે માથે આખુંય આભ અને કુબેરભંડાર જેટલાં તમે ધની. એથી વિશેષ શું કહી શકાય કે આ એક જ વ્યક્તિત્વ એવું છે જે દીકરીને હથેળીમાં ઉછેરે છે અને એની છબીને આજીવન હૃદયમાં કોતરે છે. દીકરી માટે પિતા એ માત્ર મિત્ર ન હોઈ શકે પિતા તો બસ દીકરીનું સર્વસ્વ હોય.
આ બધા મારાં આજીવન મિત્રો સિવાય ઈશ્વરનો આજે વિશેષ આભાર માનું છું કે મને પણ કોઈના આજીવન મિત્ર બનવાનું સૌભાગ્ય મળ્યું અને આ સૌભાગ્ય આપ્યું મારી દીકરી શાન્વીએ. જેમ રશ્મિબહેન મારાં આજીવન મિત્ર એમ મને એ વાતનો સાચે જ રાજીપો છે કે મારી દીકરી પણ મને એની આજીવન મિત્ર માને છે. મને એના મનની વાત કહ્યા વગર એને આજેય ચેન ન પડે કે ઊંઘ ન આવે. હા ! એવું બને કે સાચી મૈત્રી સમજવા માટે એ ઘણી નાની પડે પણ આશા છે કે એનું મારી સાથેનું ખેંચાણ પણ મારાં અને રશ્મિબહેન જેવું અકબંધ રહે.
આજે મૈત્રી દિવસ પર આપ સહુએ આપના મિત્રોને શુભેચ્છાઓ પાઠવી જ હશે અને શું કામ નહિ ? મિત્રોને યાદ કરવા જ જોઈએ અને એક દિવસ નહિ આજીવન પણ એટલું ચોક્કસ કહીશ કે આપણા મિત્રોની શ્રેણીમાં ઘણીવાર અવરજવર થતી રહેતી હોય છે પણ મારી જેમ આપ સહુ પણ આપના આજીવન મિત્રોનું ઋણ માથે ચઢાવવાનું ચૂકશો નહિ.
@followers: આખરે તો છેલ્લાં શ્વાસ સુધી બીજું કોઈ હશે કે નહિ હોય પણ કાનુડો તો હશે જ હશે. તો પછી એનાથી ઉત્તમ દોસ્ત, મિત્ર કે સખાનું ઋણ તો માથે ચઢાવવું જ રહ્યું ને !
– વૈભવી જોશી