*કુમકુમ મંદિર ખાતે ચાતુર્માસનો પ્રારંભ કરવામાં આવશે.*

*કુમકુમ મંદિર ખાતે ચાતુર્માસનો પ્રારંભ કરવામાં આવશે.*
(*કુમકુમ મંદિરના સંતો ચાતુર્માસમાં રપ નકોરડા ઉપવાસ કરશે – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*)
(*ચાતુર્માસ પ્રારંભ – તા. ૧૭ જૂન – પૂર્ણાહુતિ તા. ૧૩ નવેમ્બર*)

તા. ૧૭ જુલાઈને બુધવારના રોજ અષાઢ સુદ એકાદશીએ ચાતુર્માસનો પ્રારંભ થતાં સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે તેની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી
સ્વામિનારાયણ ભગવાનની વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે, શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપા, સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રસન્નતાર્થે તેમના સાનિધ્યમાં સવારે ૮ – ૦૦ વાગે સૌ સંતો અને હરિભક્તોએ ચાતુર્માસ અંગેના નિયમો ધારણ કરશે. સંતો દ્વારા ચાતુર્માસનું મહત્વનું વર્ણન કરવામાં આવશે.

*કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે*, દેવશયની (અષાઢ સુદ) એકાદશીથી દેવઊઠી (કારતક સુદ) એકાદશી સુધી સતત ચાર મહિનાને ચાતુર્માસ કહેવાય છે. અષાઢ સુદ એકાદશીએ વિષ્ણુ ભગવાન પોઢે છે. તેથી આ એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે. ભાદરવા સુદ એકાદશીએ પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્ચવર્તીની એકાદશી કહેવાય છે અને કારતક સુદ એકાદશી એ જાગે છે. તેથી તે એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે. આ ચાર માસ દરમ્યાન ભક્તો નકોરડા ઉપવાસ, ધારણાં – પારણાં, એકટાંણા આદિ વ્રતો કરવા જોઈએ.

ચાતુર્માસના મહાત્મ્યનું પ્રતિપાદન કરતાં શ્રી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં શ્લોક ૭૬ થી ૭૮ માં શ્લોકમાં વિશેષ નિયમો લેવાની આજ્ઞા કરેલી છે. તે પ્રમાણે આપણે નિયમ લઈને ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ.

“ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ
નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે, “ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમો કોઈ એક નિયમ ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવો. તેથી સહુ સંતો – ભક્તો આ નિયમો ચાતુર્માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાર્થે અંગીકાર અવશ્ય કરવા જોઈએ.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *