ભરત ભાઈના ઘરની સવાર રાવી નામની બૂમથી પડતી.રાવી એક સમજુ,ડાહી અને કહ્યાગરી દીકરી.અન્ય દીકરીઓ જયારે ઘરઘટ્ટા રમતી ત્યારે રાવી ઘરના કામમાં પોતાની માતા ને મદદ કરીને જ આનંદ મેળવી લેતી. ઘરની જવાબદારીઓએ તેનું બાળપણ તેનાથી છીનવી લીધું હતુ. ભરતભાઇના ત્રણ સંતાનોમાં રાવી સૌથી મોટી અને એના બે ભાઈ સુનિલ અને સુમિત. સવારે ઉઠીને ઘરકામમાં મમ્મીને મદદ કરવાની ભાઈઓને તૈયાર કરવાના અને શાળાએ જવાનું. આવીને નાસ્તો કરીને બન્ને ભાઈ સાથે લેશન કરવા બેસી જવાનું.મમ્મીને રસોઈમાં અને વાસણ ઘસવામાં મદદ કરવાની અને રાત્રે પ્રાર્થના કરીને સુઈ જવાનું એ રાવીનો નિત્યક્રમ.રાવી ભણવામાં બહુ હોશિયાર, પણ ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે પિતાએ બારમાં ધોરણની પરીક્ષા પછી ભણવાની ના પાડી દીધી. રાવી એમ કઈ માને એમ નતી. એણે કહ્યું હું તો ભણીશ. પિતાએ કહ્યું ફી પેટે હું એક રૂપિયો નહીં આપું. રાવી આગળ ભણવા માટે ટ્યૂશન કરવા લાગી. આખરે બારમાં ધોરણનું રિઝલ્ટ આવ્યું. રાવી 80 % સાથે પાસ થઇ ગઇ. રાવીએ કોલેજમાં એડમિશન લીધું ને એની મમ્મી ભગવાનના ઘરે ચાલી ગઇ. હવે રાવી પર ઘરની અને બે ભાઈઓની સંપૂર્ણ જવાબદારી આવી ગઇ. સવારે પાંચ વાગે ઉઠીને ઘરનું કામ કરીને એ કોલેજ જાય. આવીને જમીને એ ટ્યૂશન કરાવવા જાય સાંજે એક ક્લાસીસમાં લેક્ચર લેવા જાય. ઘરે આવીને જમવાનું બનાવે. ઘરના કામમાં ભાઈઓ એને મદદ કરે. રાત્રે ત્રણેય ભાઈ બહેન ભણવા બેસે. આમ સુનિલ અને સુમિત માટે રાવી તેમની મા બની ગઇ હતી.ભરતભાઈ જયારે ભાઈઓની ફી ભરવાની ના પાડતા ત્યારે રાવી એમની ફીના રૂપિયા આપતી. કોલેજમાં પણ રાવીની કોઈ ખાસ મિત્ર નહીં.અન્ય છોકરીઓ જેવી કોઈ આછકલાઈ નહીં.આમ કરતા કરતા રાવી એ ઇકોનોમિક્સમાં એમ.એ બી.એડ કર્યું.તેના સારા પરિણામને લીધે તેને તેનીજ કોલેજમાં પ્રોફેસરની નોકરી મળી ગઇ. રાવીએ પોતાના ભાઈઓને પણ ભણાવ્યા. તેના બંને ભાઈઓ માંથી એક એન્જીનીયર બન્યો જયારે બીજો સીએ બન્યો. કમનસીબે આ બધું જોવા ભરતભાઈ હયાત નતા. હવે રાવીના સગાવ્હાલા એના લગ્નની વાત કરવા લાગ્યા. એના માસીએ તો બે ત્રણ સારા સારા ઘરના છોકરા પણ બતાવ્યા પણ પોતે જતી રહેશે તો એના ભાઈઓનું કોણ કરશે?એ વિચારી રાવીએ પોતાના ભાઈઓ માટે છોકરી શોધવાની શરૂઆત કરી. એની જ કોલેજમા નોકરી કરતી મમતા ena ઘરે આવતી ત્યારે સુનીલને મળતી. સુનીલને મમતા ગમતી હતી.રાવીએ એના પર સંમતિની મહોર મારી.બન્નેના લગ્ન ખૂબ ધામધૂમથી થયા.લગ્નમાં રાવીએ કોઈ કસર ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખ્યું હતુ. જયારે સુમિતે પહેલી વાર બંસરીને ઘરે બોલાવી ત્યારે જ રાવી તેના ઈરાદા સમજી ગઇ હતી. ઘરમાં બધાને બંસરી ગમી હતી. બંસરીએ જયારે એના ઘરે કથાનું આમંત્રણ આપ્યું ત્યારે તેના ઘરે કથાની સાથે સાથે તે બંનેના ગોળધાણા પણ થઇ ગયા.સુમિતના લગ્નની તૈયારી મમતા અને રાવીએ મળીને કરી. ઘરમાં બધા સુખેથી રહેવા લાગ્યા. બંને ભાઈ કરતા ભાભીઓ રાવીને વધારે સાચવતી હતી એ વાતનો બંને ભાઈને ગર્વ હતો.રાવી પણ દરેક વખતે ભાભીઓનો જ પક્ષ રાખતી ને એમને કોઈ વાતનું ઓછું ન આવે તેનું ખાસ ધ્યાન આપતી.એક રવિવારે ઘરનો દરવાજે કોઈ આવી ચઢ્યું .સુમિતે ખોલ્યું તો કોઈ રાવીને મળવા આવ્યુ હતુ. સુમિતે એમને બેસવા કહ્યું. બંસરી એમના માટે પાણી લાવી. સુમિતે રાવીને બહાર આવવા કહ્યું. રવિએ આવીને જોયું તો અભિનીત તેના પિતા સાથે આવ્યો હતો. અભીનીતને જોઈને રાવીને કોલેજની લાયબ્રેરી યાદ આવી ગઇ. જ્યાં રાવીએ પહેલી વાર અભીનીતને જોયો હતો.મરૂન શર્ટ અને બ્લૂ જીન્સમાં અભિનીત કોઈ હીરોથી કેમ લાગતો નતો.કોલેજની ઘણી છોકરીઓ અભિનીત પર ફિદા હતી પણ તેને રાવી ખૂબ ગમતી હતી.કોલેજના એન્યુઅલ ફંક્શન બાદ અભિનિતે રાવી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. પણ રાવીએ પોતાના ભાઈઓ વિષે વાત કરી પ્રસ્તાવને નકાર્યો હતો.ત્યારબાદ યુથ ફેસ્ટિવલમાં એકાદ વાર બન્ને સામસામે આવ્યા હતા પણ રાવીએ તેને અવગણ્યો હતો. રાવીએ અભિનીતની ઓળખાણ તેના ભાઈભાભી ને કરાવી.અભિનિતે રાવીના ભાઈઓ ને કહ્યું કે હું તમારી બેનનો હાથ માંગવા આવ્યો છું. તમને કોઈ વાંધો ન હોય તો હું તમારી બેન સાથે લગ્ન કરવા માંગુ છું.બન્ને ભાઈઓ માટે તો લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી.રાવી ના ભાઈઓ એમની બેન માટે છોકરો શોધી જ રહ્યા હતા.પણ એને અનુરૂપ કોઈ મળતું નતું.એવામાં અભિનીત એક દેવદૂત બનીને આવ્યો હતો.તે પણ એક કોલેજમાં પ્રોફેસર હતો.દેખાવે રાવીને અનુરૂપ હતો ને ઉંમરમાં પણ રાવી સાથે મેચ થાય એમ હતો.પણ બન્ને ભાઈઓએ રાવીને પૂછ્યું.રાવી એ પણ અભીનીતના નિર્ણય પર પોતાનો કળશ ઢોળ્યો.મમતાએ બધાને મીઠું મોઢું કરાવ્યું.બન્ને ભાઈઓએ ખૂબ જાકમજોળ સાથે રાવીના લગ્ન અભિનીત સાથે કર્યા.કરિયાવરમાં પણ કોઈ કમી આવવા દીધી નહીં.બંને ભાઈ રાવીને ઉંચકીને માયરામાં લાવ્યા.બન્ને ભાઈ ભાભીએ મળીને રાવીનું કન્યાદાન કર્યું ત્યારે રાવીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.લગ્નની વિદાયમાં ભાઈ બહેન એકબીજાને ભેટીને ખૂબ રડ્યાં.આજે રાવી પોતાના ભાઈ ભાભીમાં તેના માતાપિતા જોઈ રહી હતી.એના ભાઈઓએ જાણે આટલા વર્ષ નો બદલો એકીસાથે વાળી દીધો હોય એમ એક રાજકુમારીની જેમ પોતાની બેનને વળાવી.