DDનો લોગો ભગવો થતાં વિપક્ષો થયા ભારે નારાજ, સરકાર પર કર્યા પ્રહાર.
પબ્લિક બ્રોડકાસ્ટર એવા દૂરદર્શને તેના ઐતિહાસિક લોગોનો લાલ રંગથી બદલીને કેસરી કરી નાખ્યો
નવી દિલ્હી, 20 એપ્રિલ: પબ્લિક બ્રોડકાસ્ટર એવા દૂરદર્શને તેના ઐતિહાસિક લોગોનો રંગ લાલથી બદલીને કેસરી કરી દીધો છે. ડીડી ન્યૂઝના ઓફિશિયલ X(ટ્વિટર) હેન્ડલ પરથી આ સંબંધમાં એક જાહેરાત કરવામાં આવી હતી, જેમાં એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ‘જો કે અમારા મૂલ્યો તો એ જ છે, પરંતુ અમે હવે નવા અવતારમાં આવ્યા છીએ. એક એવી સમાચાર યાત્રા માટે તૈયાર થઈ જાઓ જે પહેલા ક્યારેય જોઈ નહીં હોય…બધા નવા DD ન્યૂઝનો અનુભવ કરો.” જો કે દૂરદર્શનના આ ક્રાંતિકારી પગલાં સામે વિપક્ષ નારાજ જોવા મળી રહ્યો છે અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આંધ્ર પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષે કહ્યું કે, 1959માં જ્યારે દૂરદર્શન શરૂ થયું ત્યારે તેનો લોગો ભગવો હતો. સરકારે મૂળ લોગો અપનાવ્યો છે, પરંતુ લિબરલ્સ અને કોંગ્રેસ તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, તેઓને ભગવા અને હિન્દુઓ પ્રત્યે નફરત છે.” તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પ્રસાર ભારતી (DD, AIR) ના ભૂતપૂર્વ CEO જવાહર સરકારે લોગોના ફેરફારની ટીકા કરી, તેને ‘દૂરદર્શનનું ભગવાકરણ’ ગણાવ્યું. તેમણે X પર લખ્યું કે, ‘રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શને તેનો ઐતિહાસિક ફ્લેગશિપ લોગોને ભગવા રંગમાં રંગી દીધો! તેના ભૂતપૂર્વ CEO તરીકે, હું તેના ભગવાકરણને ચિંતા અને લાગણી સાથે જોઈ રહ્યો છું, તે હવે પ્રસાર ભારતી નથી રહ્યું, પરંતુ પ્રચાર ભારતી થઈ ગયું છે.”
આ સરકાર સંસ્થાઓને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે: કોંગ્રેસ
કોંગ્રેસના મનીષ તિવારીએ આક્ષેપ કર્યો હતો કે, દૂરદર્શનના લોગોનો રંગ બદલવો એ સરકાર દ્વારા સરકારી સંસ્થાઓને કબજે કરવાનો પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે, તેઓ UPA સરકાર દરમિયાન 2012થી 2014 સુધી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી હતા. અહેવાલમાં જણાવ્યા મુજબ, મનીષ તિવારીએ કહ્યું હતું કે, ‘સરકાર દ્વારા ભગવાવાદ અને સરકારી સંસ્થાઓને કબજે કરવાનો આ પ્રયાસ છે. આ પગલું સ્પષ્ટપણે ભારતના જાહેર પ્રસારણકર્તાની તટસ્થતા અને વિશ્વસનીયતાને નબળી પાડે છે.
BJPના આંધ્ર પ્રદેશના રાજ્ય ઉપાધ્યક્ષે કહ્યું કે, ‘જ્યારે 1959માં દૂરદર્શન શરૂ થયું ત્યારે તેનો લોગો ભગવો જ હતો. સરકારે મૂળ લોગો અપનાવ્યો છે, પરંતુ લિબરલ્સ અને કોંગ્રેસ તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે, તેઓને ભગવા અને હિન્દુઓ પ્રત્યે નફરત છે.’ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ વિપક્ષી નેતાઓ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘આ લોકો ભગવાને ખૂબ નફરત કરે છે… આ લોકો ભગવા રંગનો આનંદ માણી શકતા નથી… આ લોકો માત્ર તુષ્ટિકરણ કરનારા છે.’
આ ફેરફાર વિઝ્યુલ એસ્થેટિકને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો: પ્રસાર ભારતી CEO
દૂરદર્શનના પગલાનો બચાવ કરતા પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ કહ્યું કે, ‘નવો નારંગી રંગનો લોગો જોવામાં આકર્ષક છે અને આ ફેરફાર વિઝ્યુલ એસ્થેટિક(Visual Aesthetic)ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. લોગોનો રંગ કેસરી નહીં પણ નારંગી છે. માત્ર લોગો જ બદલાયો નથી, પરંતુ અમે DDના સમગ્ર દેખાવને અપગ્રેડ કર્યો છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, લોકો આ વિશે કઠોર ટિપ્પણીઓ કરી રહ્યા છે. અમે છેલ્લા છ-આઠ મહિનાથી ડીડીનો દેખાવ બદલવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન, અહેવાલોમાં પ્રસાર ભારતીના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે, ‘નવા લોગોને બીજેપી સાથે સંકળાયેલો હોવાનું જોવું એ ‘ખોટું’ છે.’ તેમણે કહ્યું, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં, દૂરદર્શને તેના લોગોના રંગો બદલીને વાદળી, પીળો અને લાલ કરી દીધા છે. જોકે, લોગોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બે પાંખડીઓ અને વચ્ચેનો ગ્લોબ પહેલા જેવો જ રહે છે.
દૂરદર્શનનો શું છે ઇતિહાસ?
15 સપ્ટેમ્બર, 1959ના રોજ જાહેર પ્રસારણ સેવા તરીકે દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ કરવામાં આવ્યું હતું. તે 1965માં દિલ્હીથી પ્રસારિત થતા દરરોજ સવાર અને સાંજના શો સાથે પ્રસારણકર્તા બન્યું. ડીડીની સેવા 1975 સુધીમાં મુંબઈ, અમૃતસર અને અન્ય શહેરોમાં વિસ્તારવામાં આવી હતી. 1 એપ્રિલ 1976ના રોજ, તે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવ્યું અને 1982માં રાષ્ટ્રીય પ્રસારણકર્તા બન્યું. બાદમાં, 1984માં, ડીડીએ તેના નેટવર્ક હેઠળ વધુ ચેનલો ઉમેરી. હાલમાં, દૂરદર્શન છ રાષ્ટ્રીય અને 17 પ્રાદેશિક ચેનલોનું સંચાલન કરે છે.