માસૂમ પુત્ર હાથ-પગ જોડીને આજીજી કરતો રહ્યો, અને પોલીસ પિતાને જમીન પર પછાડી નિર્દયતાથી મારતી રહી
જયપુર, 17 એપ્રિલ : રાજસ્થાનમાં ફરી એકવાર ખાખીનો અમાનવીય ચહેરો જોવા મળ્યો છે. માત્ર એક સવાલ પૂછવા પર પોલીસકર્મીઓ એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ એક વ્યક્તિને જમીન પર પછાડી ઢોર માર માર્યો. એટલું જ નહીં, પિતાને મારતા જોઈને માસૂમ બાળકે પોલીસ સામે હાથ જોડીને આજીજી કરવાનું શરૂ કર્યું. તેમ છતાં પોલીસકર્મીઓ ન અટક્યા. હવે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટના જયપુરના ભાંકરોટા પોલીસ સ્ટેશન વિસ્તારના જયસિંહપુરની જણાવવામાં આવી રહી છે. પતિ ચિરંજીલાલ અને પત્ની ડિમ્પલ વચ્ચે ઘણા સમયથી ઘરમાં ઝઘડો ચાલતો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનથી પોલીસ સાથે પત્ની પતિના ઘરે પહોંચી. પોલીસ ડિમ્પલને લઈને તેના પતિ ચિરંજીલાલના ઘરે પહોંચી ત્યારે ઘરમાં કોઈ હાજર નહોતું અને ઘરને તાળું હતું.

આવી સ્થિતિમાં પોલીસની હાજરીમાં ડિમ્પલે ઘરનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો અને પડોશમાં રહેતા લોકોએ ચિરંજીલાલને તેની જાણ કરી હતી. પરિવાર સાથે ઘટનાસ્થળે પહોંચેલા ચિરંજીલાલે પણ ઘરના તાળા તૂટવા અંગે પોલીસકર્મીઓની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછથી ગુસ્સે ભરાયેલા પોલીસકર્મીઓએ ચિરંજીલાલને માર મારવાનું શરૂ કર્યું અને દરમિયાનગીરી કરવા આવેલા પરિવારના અન્ય સભ્યો સાથે પણ ગેરવર્તન કર્યું.
માસૂમ પુત્ર પણ પોલીસકર્મીના પગે પડ્યો અને તેને તેના પિતાને છોડી દેવાની વિનંતી કરી, પરંતુ તેમ છતાં પોલીસકર્મીઓએ તેને મારવાનું ચાલુ રાખ્યું. આ પછી જ્યારે ચિરંજીલાલને કારમાં લઈ જવામાં આવ્યા ત્યારે નજીકમાં હાજર મહિલાઓએ પણ પોલીસકર્મીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન પોલીસકર્મીઓની મહિલાઓ સાથે ઘર્ષણ પણ થયું હતું. આ પછી પોલીસે શાંતિ ભંગ કરવા બદલ ચિરંજીલાલ સાથે તેના પિતા શંકરલાલ, કાકા રમેશ અને ભાઈ બાબુલાલની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ.
ઘટના અંગે DCP પશ્ચિમ અમિત કુમારે આજતકને જણાવ્યું કે, 15 એપ્રિલના રોજ ડિમ્પલ નામની મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને તેણે ફરિયાદ કરી કે તેને તેના સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મુકી છે, ત્યાર બાદ તે દિવસે પોલીસ આવી હતી. અને મામલોં શાંત કરાવ્યો હતો.
પરંતુ ત્યારપછી બીજા દિવસે 16 એપ્રિલના રોજ મહિલા પોલીસ સ્ટેશન પરત આવી અને ફરિયાદ કરી કે તેના સાસરિયાઓ તેને મારતા હતા, ત્યારબાદ પોલીસ તેની સાથે વાત કરવા મહિલાના ઘરે પહોંચી, પરંતુ પછી મામલો વણસી ગયો. જો કે અમાનવીય વર્તન કરનાર પોલીસકર્મીઓની ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.