*પાલનપુરમાં વિશ્વઉમિયાધામનું મહાસંમેલન, 10,000થી વધુનું માનવ મહેરામણ ઉમટ્યું*

*જે રાજકીય પાર્ટી સનાતન ધર્મ સાથે છે પાટીદારો તેની સાથે રહેશેઃ શ્રી આર.પી.પટેલ*

*પાટીદારોના મહાસંમેલનમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને પ્રમુખશ્રી આર.પી.પટેલ ઉપસ્થિત રહ્યા*

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ મુકામે ૧૦૦ વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહેલ છે. મંદિર આસ્યાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ & કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આસ્થા – એકતા અને ઊર્જાના ધામ તરીકે કાર્યરત છે, ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાનમાં સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવામાં સર્વ સમાજના દરેક પરિવારો સહભાગી બની શકે તે અંતર્ગત જગતજનની મા ઉમિયાના દિવ્યરથનું પરિભ્રમણ એપ્રિલ – મે માસમાં બનાસકાંઠા જીલ્લાના દરેક ગામ – તાલુકા સ્તરે થવા જઈ રહેલ છે. ત્યારે તેના જાગૃતિ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જીલ્લાની વિવિધ સંસ્થાઓ અને સમાજના સહયોગથી બનાસકાંઠા જીલ્લામાં VUF – બનાસકાંઠા જીલ્લા સંગઠન દ્વારા ભવ્ય “મહાસંમેલન” નું રવિવારના દિવસે આયોજન કરવામાં આવેલ હતું. પાલનપુરના 31 ગામ કડવા પાટીદાર સમાજની વાડીમાં પાલનપુર જિલ્લામાંથી 10 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા. ખાસ કરી પાલનપુર જિલ્લાના વિવિધ ગામોથી મહિલાઓ ઉમટી હતી. વિશ્વઉમિયાધામના મહાસંમેલનમાં રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ એવમ્ વિશ્વઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખશ્રી આર.પી.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

*મંદિરો ભજન-કીર્તનની સાથે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાના કેન્દ્રો બનેઃ શ્રી આર.પી.પટેલ*

આ કાર્યક્રમમાં પત્રકારો દ્વારા લોકસભા ચૂંટણીને લઈ પુછવામાં આવેલા પ્રશ્નમાં સંસ્થા પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં જે રાજકીય પાર્ટી સનાતન ધર્મની સાથે છે વિશ્વઉમિયાધામ અને પાટીદારો તેની સાથે છે. ન માત્ર પાટીદારો પરંતુ સમસ્ત સમાજ એ રાજકીય પાર્ટી સાથે હશે. હિન્દુ વિરોધી માનસિકતા વાળા લોકોની સામે સનાતન સાથે જોડાયેલી પાર્ટી સાથે પાટીદારો જોડાયેલા રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મંદિરો ભજન-કીર્તનની સાથે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાના કેન્દ્રો બને તેવો પ્રયત્ન કરી રહ્યા છીએ.

*મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચુ મંદિરએ આપણા સૌ માટે ગૌરવની વાતઃ શ્રી ઋષિકેશ પટેલ*

પત્રકારો સાથે વાતચીત કરતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વઉમિયાધામએ ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા છે. અહીં એક હજાર કરોડના ખર્ચે મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊચું મંદિર બની રહ્યું છે તે આપણા ગૌરવની વાત છે. સાથે જ અનેક સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે તે પણ મહત્વ પૂર્ણ છે.

Posted in All

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *