કવિ નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યનાં પાયાનાં રચનાકાર ગણી શકાય. – વૈભવી જોષી.

(વિશેષ નોંધ : કવિ નર્મદ વિશે કંઈ પણ લખવું એ અમારી શિખાઉ પેઢી માટે સાહિત્યની ભાષામાં અવિવેક જ ગણાય. મારે તો આજે એમની પુણ્યતિથિ પર ફક્ત એમને સાદર વંદન જ કરવા છે. કવિ નર્મદ વિશેની લેખમાળાનો આ ભાગ – ૧ છે અને ભાગ – ૨ માં એમના વિશાળ સર્જન વિશે વાત કરીશું.)

કવિ નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યનાં પાયાનાં રચનાકાર ગણી શકાય. આજે એમની પુણ્યતિથિ પર એમનું અજરામર વાક્ય યાદ કર્યા વગર ન જ રહી શકાય. “મને ફાકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી..પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.” આમ તો ગુજરાતી સાહિત્ય કે ભાષાનાં સર્જકો વિશે વપરાતાં તમામ વિશેષણો ખૂટી પડે અને તોય તમે કવિ નર્મદને તમારાં શબ્દોમાં બાંધી તો ન જ શકો.

પૂર્વમાં પ્રભાત ઉગે અને તેનો ઉજાસ ચારેય દિશામાં પ્રસરી જાય, તેમ નર્મદ નામનો સૂર્ય સાહિત્ય ક્ષેત્રમાં ઉગ્યો અને તેનો ઉજાસ આજદિન સુધી પાથરી રહ્યો છે. સાહિત્ય સર્જનની મૂલવણી કરવાની હોય તો જે તે સર્જકનાં સમય અને સંદર્ભને ધ્યાનમાં લેવો પડે પરંતુ કવિ નર્મદ એવા સર્જક હતાં જે પોતાના સમય અને તેના સંદર્ભને ઘણે અંશે અતિક્રમી જઈ શક્યા હતાં. આવા અતિક્રમી જનાર સર્જકો વિરલ હોય છે.

વીર કવિ નર્મદનું પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે. કદાચ જગતની કોઈ પણ ભાષામાં કોઇ કવિના નામની આગળ “વીર” વિશેષણ નહિ હોય ! એમના નામ આગળ આવતું આ વિશેષણ સકારણ જ છે. એમનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩માં સુરતમાં થયો હતો. એમના માતાનું નામ નવદુર્ગા અને પિતાનું નામ લાલશંકર. એમના પ્રથમ પત્ની ગૌરી જે ૧૧ વર્ષની વયે, ૧૮૫૩માં અવસાન પામ્યા. એ પછી બીજા લગ્ન ડાહીગૌરી સાથે થયા ૧૮૫૬માં અને ત્રીજા લગ્ન વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે ૧૮૬૯માં કર્યા.

કવિ નર્મદ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ, ગદ્યકાર, નાટ્યકાર, નિબંધકાર, કોશકાર, વ્યાકરણવિદ, વિવેચક, ઈતિહાસવિદ, ધર્મચિંતક, પત્રકાર, પિંગળકાર, આત્મકથાકાર, મહાકાવ્યનો પ્રયોગ કરનારા તથા એને અનુરૂપ છંદની શોધ કરનારા પણ પ્રથમ નર્મદ જ હતાં.

પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ, ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરાતી નિશાળમાં અને પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ, ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ અને કૉલેજનો અભ્યાસ પણ અધૂરો મૂક્યો.

૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક અને ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરનાં સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ થયું. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો એમના પર. ૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ થયો. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી કરી અને સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે પણ કાર્ય કર્યું.

૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ અને ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ પણ થયો. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન થતાં આર્યધર્મ અને સંસ્કૃતિનાં પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળનાં ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો.

અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે. એમણે એમના જીવનનાં પડકારભર્યા સમયે અનેક નવપ્રસ્થાનો આદર્યા હતા. ગુજરાતી ભાષાને પહેલી આત્મકથા (મારી હકીકત) અને પહેલો શબ્દકોશ (નર્મકોશ) આપનારા આ કવિએ ગુજરાતી ભાષાને ધન્ય કરી છે.

કવિ એટલે તો ઋજુતા, લાગણી, પ્રેમ, ઊર્મિ, સંવેદના. કોઈ કવિને વીરનું વિશેષણ મળે એ વાત નવી લાગે, પણ યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે… કહેનારા આ કવિને વીરનું વિશેષણ મળેલું તેનું કારણ એમનો જુસ્સો, એમની બહાદુરી અને એમનું પરાક્રમી માનસ હતું. નર્મદ જેમ મોટાં ગજાનાં કવિ હતાં તેમ અસાધારણ નીડરતા ધરાવતા પત્રકાર અને તંત્રી પણ હતાં.

એમણે યુદ્ધમાં વીરતા બતાવી એ હતું સમાજસુધારણાનું ક્ષેત્ર અને અહીં એનાં હથિયાર હતાં એમની કલમ, એમની નિર્ભયતા અને એમની સર્જકતા. ને આ સમાજસુધારણા માટે કવિએ પોતાની નોકરીય છોડી અને તા. ૨૩ નવેમ્બર ૧૮૮૫નાં રોજ મા સરસ્વતીનાં આ સાધકે કલમને જ આરાધ્ય બનાવી સંકલ્પ કર્યો કે ”હવે તારે ખોળે છ‍ઉં.”

કવિનો આ સંકલ્પ સરળ નહોતો. તે સમયે સમાજમાં જે કુરિવાજો હતાં, તે તરફ કવિ દલપતરામે સરળ ભાષામાં કટાક્ષ કર્યા હતાં, પણ એને સુધારવા પ્રતિબદ્ધતાથી ક્ષત્રિય થવું સહેલું નહોતું. એમણે આ પડકાર ઝીલી લ‍ઇ યોદ્ધાની અદાથી ગર્જના કરી. “યા હોમ કરીને પડો, ફતેહ છે આગે”. એમણે જ ગાયું છે “ડગલું ભર્યું કે ના હઠવું ન હઠવું”. આ સંકલ્પે કવિની આકરી કસોટીય કરી. પોતે જે માનતા એને આચારમાં મૂકવાની હિંમત રાખતાં આ કવિએ વિધવા વિવાહ પણ કર્યો.

કવિ નર્મદે આપણને અનેકવિધ સાહિત્ય સ્વરૂપોનો શુભારંભ કરી આપતાં કલમ ચલાવી છે. “ડાંડિયો” નામના સામાયિક દ્વારા પત્રકારત્વનીય દિશા ખોલી છે. એમની અમર રચના “જય જય ગરવી ગુજરાત” એ ગુજરાતની ગઇકાલ અને આજનાં આધારે આવનારી સંભવિત ઉજળી આવતીકાલનું ભવિષ્યકથન છે. લાગવું ક્રિયાપદ પરથી ‘લાગણી’ જેવો શબ્દ આપનારા નર્મદ ગુજરાતી ભાષાનાં સાધક હતા. ગુર્જર પ્રદેશનું સ્તુતિગાન કરતી અનેક કવિતાઓ લખાઈ છે, પણ ‘જય જય ગરવી ગુજરાત…’ ની તોલે કોઈ આવતી નથી. આ માત્ર કવિતા નથી, એ તો છે નર્મદનો હૃદયભાવ. તેનાથી ગુજરાતી ભાષાને એક સુંદર વળાંક મળ્યો છે.

ગુજરાતી ભાષાને નવા મૂકામે લઈ જનારા, ભાષાનાં જોરે અનેક પરાક્રમો કરીને થંભેલાં જળને ડહોળી નાખનારા, નોકરી છોડીને કલમનાં ખોળે જાતને સમર્પિત કરનારા આ મહાન કવિ અને ગદ્યસ્વામી, નીડર અને બહાદુર પત્રકાર અને તંત્રીને દરેક ગુજરાતી આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સાદર વંદન કરે છે.

ગુજરાતી ભાષાને આગવી દૃષ્ટિથી ખેડનાર અને નવા સ્વરૂપોનું રોપણ કરવાનું જશ કવિ નર્મદને જાય છે. ગુજરાતી ભાષામાં હરિયાળી ક્રાંતિ લાવી તેને અને તેનાં સ્વરૂપોને કાયમ માટે લીલાછમ બનાવ્યાં છે. જેના માટે દેશવિદેશમાં વસતો દરેક ગુજરાતી તેમનો આજીવન ઋણી રહેશે.

(આ લેખમાળાનાં ભાગ – ૧ હતો અને હવે પછીનાં ભાગ – ૨માં એમનાં વિશાળ સર્જન વિશે વાત કરીશું.

– વૈભવી જોશી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *