ગુજરાતની જાણીતી શૈક્ષણિક સંસ્થા સી. એન. વિધ્યાલયમાં કવિ શ્રી સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિરમાં “ માતૃભાષા મોરી મોરી રે ….. “ પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમ સાથે વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી … વિવિધ ક્ષેત્રની ૫૬ વ્યક્તિઓએ માતૃભાષા ગુજરાતીનો તેમના જીવન ઘડતરમાં ફાળો વિષય પર પોતાની લાગણીઓને લેખિત સ્વરૂપ આપ્યું અને આ પુસ્તક તૈયાર થયું . પુસ્તકના ૫૬ લેખકો, સંપાદકો, આયોજકો, યજમાનો, મહેમાનોએ સાથે મળીને કાર્યક્રમને ૫૬ ની છાતીનો બનાવી દીધો … આ પુસ્તકની ખાસ વિશેષતા એ છે કે એમાં લેખકની હાલની અને બાળપણની તસવીર ઉપરાંત લેખકની માતાની તસવીરને સ્થાન આપવામાં આવ્યું … જે લેખકની માતા હયાત હશે અને એ લેખક આ પુસ્તકમાં તેમની તસવીર બતાવશે ત્યારે કેવું લાગણીસભર દ્શ્ય રચાશે !! … બીજી મહત્વની વાત એ પણ છે કે નવોદિત લેખકો પોતાનું નામ નામાંકિત લેખકોની સાથે જોશે તો એમને કેટલો આનંદ થશે !! … આ પુસ્તકના સંપાદકશ્રીઓ અનિતા તન્ના – રમેશ તન્નાએ માતૃભાષા ગુજરાતીના વાચકો-ચાહકો સમક્ષ જાણે કે ૫૬ ભોગનો થાળ પીરસી દીધો હોય એવું લાગે છે , કે જેને આરોગવાથી મન સંતૃપ્ત થઈ જાય. કાર્યક્રમની શરૂઆત પણ કવિ શ્રી ઉમાશંકર જોશીની કવિતાના નૃત્ય રૂપાંતરણથી કરવામાં આવી. ફાધર વાલેસ અને કાકા કાલેલકરની જેમ જ ગુજરાતી ભાષાને આત્મસાત કરનાર અરુણા જાડેજાએ સંપાદક દંપતિને સંસ્કૃતિની પરંપરા મુજબ પોંખ્યા, ઓવારણાં લીધા અને મોઢું મીઠું કરાવ્યું .. પ્રાર્થના મંદિરમાં ગાંધીજી-કસ્તૂરબાની શિલ્પાકૃતિ ધ્યાનાકર્ષક હતી. પુસ્તક મૂકવા માટેની કપડાંની થેલી પણ કલાત્મક હતી. અદભૂત કાર્યક્રમ … હાજર રહેનાર સૌ નસીબદારોને વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ ….. ડો. હેમંત પંડ્યા