રાજકોટની સરસ્વતી શિશુમંદિરના પૂર્વ છાત્ર, ગાંધીનગરમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પ્રાધ્યાપક અને વિદ્યાભારતી સંગઠનની પૂર્વછાત્ર પરિષદના સંયોજક ડો. પુલકેશી જાનીને ગુજરાતી સાહિત્ય અકાદમી વર્ષ – ૨૦૨૧નું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તથા અતિથિ વિશેષ મૂળુ બેરા, હર્ષ સંઘવી, ભાગ્યેશ જહા, અશ્વિનીકુમાર સહિત કલા અને સાહિત્યપ્રેમીઓની હાજરીમાં ડો. પુલકેશી જાનીને ગુજરાતી સાહિત્ય અકાદમીના વર્ષ – ૨૦૨૧ના શ્રેષ્ઠ પુસ્તક દાદાજીની વાતું માટે પારિતોષિત એનાયત થયું છે.
ડો. પુલકેશી જાનીના પુસ્તક દાદાજીની વાતુંને પ્રૌઢ વિભાગના લોકસાહિત્ય સ્વરૂપમાં તૃતીય સ્થાન પ્રાપ્ત થયું છે. આ પુસ્તકમાં ડો. પુલકેશી જાનીએ ગ્રામીણ સમાજમાં ગુજરાતી ન્યાયતોલન કેવી રીતે થતું એની કંઠસ્થ પરંપરામાં પ્રચ્છલિત લોકજીવનના સંઘર્ષો અને પ્રશ્નોના સમાધાનરૂપ કથાનકો એમના દાદાજી પાસેથી સાંભળીને નોંધાલા, એનું રિટોલ્ડ એટલે કે પુન:કથન કરેલું છે.
લોકસાહિત્ય, સમાજશાસ્ત્ર અને સમાજકાર્ય એમ ત્રિવિધ વિષયને સ્પર્શતા આ લોકકથા સંચયને ગુજરાતી લોકસાહિત્યના અરવિંદ બારોટ, રાજેશ મકવાણા, વિદ્યુત જોશી, ગૌરાંગ જાની તેમજ ડો. રમેશ વાઘાણી સહિતનાઓએ ડો. પુલકેશી જાનીના સંશોધનને વખાણેલું છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ આ શાસ્ત્રીય અને ગુજરાતી જ્ઞાન પરંપરાના શ્રેષ્ઠ ઉદાહરણરૂપ પ્રકાશનને તૃતીય ઈનામ માટે પસંદ કરતા સરસ્વતી શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, વિદ્યાભારતી અધ્યક્ષ મહેશજી પતંગે, પ્રિતેશ પોપટ સહિતનાઓએ રાજીપો પ્રગટ કરી પુલકેશી જાનીને અભિનંદન પાઠવ્યા છે.