કાશ્મીર સમસ્યા: નહેરુની ઐતિહાસિક ભૂલ. – કાનન ત્રિવેદી.

હાલના દિવસોમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહનું સાહસિક વક્તવ્ય દરેક ભારતીયના મન ઉપર ટકોરા મારી રહ્યું છે.

નેહરુની ઐતિહાસિક રાજકીય ભૂલોને કારણે જ PoKનું સર્જન થયું હતું…
આ અંતિમ અને સંપૂર્ણ સત્ય છે, જે હાલ માં આપણાં ગૃહ માં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે,
હવે કોંગ્રેસના કેટલાક ઈતિહાસકારો નેહરુ ની ફાટેલી શેરવાની ને સાંધવા હવાતિયાં મારી રહ્યાં છે,
પરંતુ આનાથી સત્ય બદલાઈ જશે ?
બિલકુલ નહીં અને આપણે એ સત્ય પણ જાણવું જોઈએ જેને છેલ્લા 7 દશક થી કોંગ્રેસે છુપાવી રાખ્યું છે, કે…

નેહરુએ કાશ્મીર ના ભારતમાં વિલીનીકરણ માં કેવી રીતે વિલંબ કર્યો હતો.

મહારાજા હરિસિંહ સાથે ની દુશ્મની અને મહારાજા પરત્વે ના અંગત દ્વેષ ભાવ ને લીધે નહેરુ કાશ્મીરને લૂંટાતા જોતા રહ્યા. અલગાવવાદી અને કટ્ટર ધર્માંધ શેખ અબ્દુલ્લા સાથે મૈત્રી નિભાવવા કાશ્મીર ના ભારત સાથે વિલીનીકરણ માટે નેહરુ એ શેખ અબ્દુલ્લા ને તમામ સત્તા અબ્દુલ્લા ને આપવા શરત મૂકી હતી અને એટલે જ, વિલીનીકરણમાં વિલંબ થયો હતો..
પરિણામ:
કાશ્મીરનો ત્રીજા ભાગ પાકિસ્તાનનો બની ગયો હતો.

ત્યારે બન્યું હતું એવું કે,
22 ઓક્ટોબર 1947 ના રોજ પાકિસ્તાની સેના એ આદિવાસીઓના વેશમાં કાશ્મીર પર હુમલો કર્યો. આદિવાસીઓ ઝડપથી આગળ વધી રહ્યા છે તે જોઈને મહારાજા હરિસિંહે 24 ઓક્ટોબર 1947ના રોજ જમ્મુના નાયબ વડા પ્રધાન રામલાલ બત્રા ને આદેશ આપ્યો અને કાશ્મીર વિલીનીકરણનો પત્ર લઈને દિલ્હીને મોકલ્યા હતા. આશ્ચર્ય સાથે પ્રશ્ન થાય કે જ્યારે મહારાજા હરિસિંહનો વિલીનીકરણનો પત્ર 24 ઓક્ટોબરે જ દિલ્હી પહોંચ્યો હતો, તો તે જ સમયે તેને કેમ સ્વીકારવામાં ન આવ્યો… કેમ? ત્રણ દિવસનો વિલંબ ?
અને જો આ ત્રણ દિવસનો વિલંબ ન થયો હોત તો ભારતીય સેના 24મી ઓક્ટોબરે જ કાશ્મીર પહોંચી ગઈ હોત અને હજારો લોકોના જીવ બચી શક્યા હોત. ઘણા કાશ્મીરી વિસ્તારો કે જે અત્યારે પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ છે, તે ભારત સાથે જોડાયેલ હોત.
વાસ્તવમાં, નેહરુએ 24 ઓક્ટોબર 1947ના રોજ એ વિલય – પત્ર સ્વીકાર્યો નહોતો કારણ કે તેમાં તેમના પ્રિય મિત્ર શેખ અબ્દુલ્લાને સત્તા સોંપવાનું વચન નહોતું…
25ના રોજ દિલ્હીમાં લાંબી બેઠકો યોજાઈ હતી. અને 26 ઑક્ટોબરે, પણ નેહરુ પોતાની હઠ થી હટ્યા નહીં, છેવટે 26 ઑક્ટોબરે, જમ્મુ અને કાશ્મીરના તત્કાલીન વડા પ્રધાન જસ્ટિસ મેહરચંદ મહાજન દિલ્હી પહોંચ્યા… અને તેમણે સરદાર પટેલ અને અન્ય મહત્ત્વના લોકો સાથે વડાપ્રધાન ની મુલાકાત કરી હતી.
મહાજને પોતે તેમની આત્મકથા “લુકિંગ બેક” માં તે બેઠકમાં જે બન્યું હતું તેનો ઉલ્લેખ કર્યો છે. (મેહરચંદ મહાજન પછીથી ભારતના ત્રીજા મુખ્ય ન્યાયાધીશ બન્યા હતાં, તેથી જ તેમના લખેલા શબ્દોને હળવાશથી લઈ શકાય નહીં.)
તેઓએ આત્મકથા “લુકિંગ બેક” પૃષ્ઠ નંબર 151 પર લખ્યું છે કે –
“મીટિંગમાં મેં કહ્યું કે ઝનૂની કબાઇલીઓ ઝડપભેર શ્રીનગર તરફ આગળ વધી રહ્યા છે, તેથી કાશ્મીરને તાત્કાલિક સૈન્ય મદદ આપવી જોઈએ. મેં ભાવનાત્મક રીતે કહ્યું – ‘શ્રીનગરને વિનાશથી બચાવવું જોઈએ.’ આના પર વડા પ્રધાન નેહરુએ કહ્યું – ‘કોઈ વાંધો નહીં, જો આદિવાસીઓ શ્રીનગર પર કબજો કરે તો પણ ભારત એટલું શક્તિશાળી છે કે તે તેને પાછું લઈ લેશે.’
નેહરુની આ વાત સાંભળીને મને લાગ્યું કે શ્રીનગર ને બચાવી લેવામાં આવશે પણ જે વિનાશ થશે તેની ભરપાઈ કોણ કરશે ? …
પરંતુ તેમ છતાં હું લશ્કરી સહાયની માંગ પર અડગ હતો અને નેહરુ પોતાની વાત પર અડગ હતા.”

વાસ્તવમાં નેહરુનો એક જ એજન્ડા હતો, પહેલા શેખને સત્તા આપો, પછી સેના સહાય માંગો, ત્યાં સુધી કાશ્મીર નર્કમાં જાય…
જસ્ટિસ મેહરચંદ મહાજને તેમની આત્મકથા “લુકિંગ બેક” માં આ સનસનાટીભર્યા બેઠક વિશે જે લખ્યું છે તે વધુ ચોંકાવનારું છે.
તેમણે એ પણ કહ્યું છે કે તેમણે વિલીનીકરણ પર નેહરુને મનાવવા માટે ધમકીઓનો પણ આશરો લેવો પડ્યો હતો !

જસ્ટિસ મહાજન લખે છે –
“મેં પંડિત નેહરુને કહ્યું કે – ‘અમારો વિલીનીકરણનો પ્રસ્તાવ સ્વીકારો, કાશ્મીરને સૈન્ય મદદ આપો અને લોકપ્રિય પક્ષ (* એટલે કે શેખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ) ને ગમે તે સત્તા આપો, પણ, આવતીકાલ સુધી શ્રીનગરમાં ભારતીય સેના પહોંચી જવી જોઈએ નહીં તો કાશ્મીર / શ્રીનગર ને વિનાશથી બચાવવા માટે
મારે જિન્ના પાસે જવું પડશે અને સમાધાન કરવું પડશે.”… આ સાંભળીને નેહરુ નારાજ થઈ ગયા અને મને ગુસ્સામાં કહ્યું, ‘મહાજન, ચાલ્યા જાઓ.)’
હું ઊભો થયો અને ચાલવા માંડ્યો ત્યારે સરદાર પટેલે મને રોક્યો અને મારા કાનમાં કહ્યું – ‘મહાજન, તમે પાકિસ્તાન નથી જતા.’
એટલામાં જ નેહરુ ને એક કાગળની ચબરખી પહોંચાડવામાં આવી.
નેહરુએ તે વાંચીને ઊંચા અવાજે કહ્યું, “શેખ સાહેબ પણ એવું જ માને છે.”
શેખ અબ્દુલ્લા મીટિંગ રૂમની બાજુના બીજા રૂમમાં હતા અને અમારી આખી વાતચીત સાંભળી રહ્યા હતા.
શેખ ની ચબરખી વાંચ્યાં પછી જ તરત વડાપ્રધાન નહેરુ નું વલણ બદલાઈ ગયું હતું.
દરઅસલ, નેહરુ ના ઘરમાં છુપાયેલા શેખ અબ્દુલ્લાએ જ્યારે પોતાના હાથમાંથી સત્તા સરતી જોઈ, ત્યારે તેણે નહેરુને એક કાપલી મોકલી અને નહેરુ ને સમજાવ્યું કે લશ્કર મોકલવું વધુ સારું છે.
આખરે 27 ઓક્ટોબરની સવારે ભારતીય સેનાના બહાદુર સૈનિકો શ્રીનગર એરપોર્ટ પર ઉતર્યા… અને એ સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ શરૂ થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *