વિશેષ સામર્થ્યનો સદઉપયોગ કથાની ઉપલબ્ધિ છે. સાંભળવા યોગ્ય સાંભળવું એ શ્રવણવિદ્યા છે. ગોકર્ણ બનીને જે શ્રવણ કરશે એ જ બધાને સાંભળવા લાયક કથા કહી શકશે.

 

 

દિવ્ય ભૂમિથી પ્રવાહિત કથાના આઠમા દિવસે બાપુએ કહ્યું કે ગીધ પક્ષી છે જેમાં બે વિશેષતાઓ છે:એક એની પાંખમાં અને એક એની આંખમાં શક્તિ છે.સદગુણ સમજો અથવા સામર્થ્ય સમજો. પાંખથી ઉડાન ભરીને ખૂબ ઊંચે સુધી જઈ શકે છે અને આંખથી ધરતી ઉપર રહેલી સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુને જોઈ શકે છે. .પતિત,અસ્પૃશ્ય,છેલ્લા માણસને જોતા નથી.આ સિવાય ગીધની આંખ અને પાંખની તુલનામાં ચાંચમાં પણ શક્તિ છે.રાવણને ચાંચથી ઘાયલ કરેલો.સંપાતી કહે મારી પાંખ કમજોર છે પણ આંખથી ખૂબ દૂર બેઠેલી જાનકીને જોઈ શકું છું.વિશેષ સામર્થ્યનો સદઉપયોગ કથાની ઉપલબ્ધિ છે.આપણા કાનને તુલસીજીએ સમુદ્ર કહ્યો છે.સમુદ્રને સુર અને અસુરે પોતાના સ્વાર્થ માટે સિદ્ધિ માટે મંથન કર્યું. પોતાના સામર્થ્યનો સદુપયોગ પોતાના માટે ઓછો બીજા માટે વધારે કરવો જોઈએ એ પણ કથાની ઉપલબ્ધિ છે.પાંખથી જટાયુએ રાવણને ઘાયલ કરી જાનકીને બચાવવાનો પ્રયત્ન કર્યો,આંખના ઉપયોગ દ્વારા સંપાતી જાનકીની ખોજ માટે મદદ કરે છે.એક પક્ષી ચાતક છે એનું સામર્થ્ય પોતાની તરસમાં છે.ચકોર પક્ષીનું સામર્થ્ય અખંડ પ્રતીક્ષા છે.સંસ્કૃત વાંગમય અને લોક ભાષામાં ચકોરની પ્રીત વિશે લખાયું છે.કાગડાનું સામર્થ્ય નિરંતર સતર્કતા છે,શુક એટલે કે પોપટનું સામર્થ્ય મીઠી બોલીમાં છે અને કોયલનું સામર્થ્ય પંચમસૂરમાં ગાવા માટે છે.કૂતરાનું સામર્થ્ય એની નાસિકા ગંધમાં છે અને ગધેડાનું સામર્થ્ય એક જ જગ્યાએ સતત ઉભા રહી ઉદાસીન વૃત્તિનું છે. હાથીમાં બુદ્ધિ અને સૂક્ષ્મ વાત સાંભળવાનું સામર્થ્ય છે.કીડી પોતાની ગંધ દ્વારા અનેક કીડીઓને ખેંચી લાવે છે.ગાયનું સામર્થ્ય છે કે ગાયના કાન સાંભળવા યોગ્ય વસ્તુ જ સાંભળે છે,હાથી બધું જ સાંભળે છે. સાંભળવા યોગ્ય સાંભળવું એ શ્રવણવિદ્યા છે. શ્રીમદ ભાગવતમાં સનત કુમાર ભાગવતનું મહત્વ કહે છે ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા છે.નારદ સંકલ્પ કરે છે કે ભક્તિને ઘરે ઘરે પહોંચાડીશ ત્યાં ઠાકૂરનું સુંદર વર્ણન છે અને એક આત્મદેવ નામનો બ્રાહ્મણ છે,વિદ્વાન છે.તેના એક સુંદર સ્ત્રી સાથે વિવાહ થાય છે સ્ત્રી જેટલી સુંદર છે એટલી જ સ્વભાવની અસુંદર છે.સતત રાડો પાડે છે,તકરાર કરે છે,કર્કશા છે,દ્વૈષ અને નિંદામાં રત છે.જેનું નામ ધુંધુલી છે.આત્મદેવ વિચારે છે કે આ રીતે વંશ આગળ નહીં વધે અને સારો વંશ નહીં થાય તો આ વંશનો,જીવનનો શું અર્થ?જંગલમાં નીકળી પડે છે એ વખતે એને એક સાધુ મળે છે.બધી વાત સાંભળી અને સાધુ તેના ભાગ્ય જોઈને કહે છે કે તારા ભાગ્યમાં એક પણ જન્મમાં પુત્ર નથી.પરંતુ પોતાની ઝોળીમાંથી એક ફળ આપી અને કહે છે કે આ તારી પત્ની ધૂંધળીને ખવડાવીશ તો સારો પુત્ર થશે.પરંતુ ધૂંધળી એ ફળ એક ગાયને ખવડાવે છે અને ધૂંધળીના ઉદરમાં ધંધુકારી નામનો બાળક જન્મે છે, જે મહાપાપી છે ગાયના ઉદરથી ગોકરણનો જન્મ થાય છે.ધંધુકારીનું અપમૃત્યુ થાય છે અને પ્રેત થઈ અને ગોકર્ણ પાસે આવે છે અને કહે છે કે મને મુક્તિ અપાવ એ વખતે ગોકરણ શ્રીમદ ભાગવતની કથા ગાય છે.એના પિતાને કહે છે કે તમારા કાનથી હરિની કથાને પીતા રહો.ભાઈની મુક્તિ માટે ગોકર્ણ કથા સંભળાવે છે.ભાગવત કથાનો તેમજ ભગવત કથા અને હરિકથાનો આ મહિમા છે.ગોકર્ણ બનીને જે શ્રવણ કરશે એ જ બધાને સાંભળવા લાયક કથા કહી શકશે.

આજે કથા પ્રવાહમાં વિવિધ કાંડ માં રહેલા સુંદર અને રસિક પ્રસંગોનું ગાન કરી અને રામકથાને ઉત્તરકાંડ સુધી પહોંચાડી રાજ્યભિષેકની વાત કરી કથાને વિરામ અપાયો આવતીકાલે આ રામકથાપૂર્ણાહુતિ દિવસ છે.કથા સવારે ૯ વાગે શરૂ થશે.

અમૃતબિંદુઓ:

ગોકર્ણ બનીને જે શ્રવણ કરશે એ જ બધાને સાંભળવા લાયક કથા કહી શકશે.

પોતાના સામર્થ્યનો સદુપયોગ પોતાના માટે ઓછો બીજા માટે વધારે કરવો જોઈએ એ પણ કથાની ઉપલબ્ધિ છે.

આપણા કાનરૂપી સમુદ્રને મનનના મંદરાચલ દ્વારા મંથન કરવાથી,ભગવત કથાનું શ્રવણ કરવાથી ૧૪ પ્રકારની ઉપલબ્ધિ મળે છે એ ૧૪ રત્નો છે.

સંસારમાં ઉપર ઉડનારાઓ નીચે ઓછું જોતા હોય છે.

સ્વયં(ની)પ્રભા જ ભક્તિ સુધી પહોંચાડે,ઉધારની પ્રભા ન પહોંચાડે.

સાધુ જેને સ્પર્શે એ વિરક્ત જ બની જાય

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *