મધ્યપ્રદેશ: ફિલ્મ પ્રવાસન નીતિના અમલ પછી રાજ્યમાં 375 ફિલ્મોનું થયું શૂટિંગ • 15 દિવસમાં ફિલ્મના શૂટિંગ માટે પરવાનગીની ખાતરી.

તેના સુંદર લોકેશન્સ, ફિલ્મ ફ્રેન્ડલી પોલિસી, સરકારી સ્તરના સહકાર અને પારદર્શક સિસ્ટમથી ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકોનો વિશ્વાસ જીત્યો

ગુજરાત, જૂન 2023 – મહેશ્વરમાં નર્મદા કિનારે આવેલા મા અહિલ્યાના કિલ્લાના વિશાળ ઘાટ હોય કે પચમઢીની સુંદર ખીણો હોય, પછી તે ચંદેરી, ઓરછા, ગ્વાલિયરની ઐતિહાસિક ઇમારતો અને સુંદર શેરીઓ કે પછી ભોપાલમાં કુદરતી સૌંદર્યની અનોખી છાયા હોય. રાજ્યના દરેક ખૂણે કેમેરામાં ફિલ્મી દ્રશ્યોની સુંદરતા વધારવા માટે કંઇક ને કંઇક છે. મધ્યપ્રદેશમાં ફીચર ફિલ્મો, ટીવી સિરિયલો, વેબ સિરીઝ અને ડોક્યુમેન્ટરી શૂટિંગને પ્રોત્સાહિત કરવા માટે મધ્યપ્રદેશ ફિલ્મ પ્રવાસન નીતિ-2020 લાગુ કરવામાં આવી હતી, જે પછી 375 ફીચર ફિલ્મો, ટીવી સિરિયલો, વેબ સિરીઝ અને દસ્તાવેજી પ્રોજેક્ટ્સનું શૂટિંગ પૂર્ણ થયું છે. ફિલ્મ નિર્માતાઓ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા તેમજ રાજ્યમાં ફિલ્મ-ફ્રેન્ડલી વાતાવરણ બનાવવા માટે ફિલ્મ ફેસિલિટેશન સેલ (FFC) ની રચના કરવામાં આવી છે, જેના દ્વારા શૂટિંગની પરવાનગી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ, ફિલ્મ પ્રોડક્શન પર ગ્રાન્ટ, તમામ પ્રકારની પરવાનગીઓ માટે ઓનલાઈન પ્રક્રિયા તથા 15 દિવસમાં ફિલ્મના શૂટિંગની પરવાનગી આપવા જેવા પગલાં લેવામાં આવ્યા હતા. રાજ્યમાં શૂટિંગ માટે ભોપાલ, મહેશ્વર, ચંદેરી, માંડુ, સાંચી, સિહોર, ગ્વાલિયર, નર્મદાપુરમ (હોશંગાબાદ), જબલપુર, ઈન્દોર જેવા કેટલાક સ્થળો ફિલ્મ નિર્માતાઓની પ્રથમ પસંદગી છે.
મધ્યપ્રદેશ ફિલ્મ નીતિની મુખ્ય વિશેષતાઓ
• તમામ સંબંધિત પરવાનગીઓ અને મંજૂરીઓ માટે સિંગલ-વિન્ડો
• મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ ગેરંટી સ્કીમ હેઠળ શૂટિંગની પરવાનગીની મંજૂરી
• મધ્યપ્રદેશ ટુરિઝમ હોટલમાં ક્રૂ અને કાસ્ટ માટે 40% સુધીનું ડિસ્કાઉન્ટ
• ફિલ્મ શૂટિંગના 50% દિવસો અથવા 75% દિવસો પર રૂ.1 થી રૂ.1.5 કરોડની સુધીની સબસિડી
• પ્રથમ ત્રણ ફિલ્મોના શૂટિંગ પર અનુક્રમે ₹1 કરોડ, ₹1.25 કરોડ અને ₹1.5 કરોડ સુધી પોપ-અપ સબસિડીનો લાભ
• રાજ્યમાં ઓછામાં ઓછા 90 દિવસ સુધી ટીવી શોના શૂટિંગ માટે 50 લાખ સુધીની સબસિડી અને રાજ્યમાં 180 દિવસ સુધી શૂટિંગ કરવા માટે 1 કરોડ સુધીની સબસિડી
• OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી વેબ સિરીઝનું રાજ્યમાં 50% દિવસોનું શૂટિંગ કરવા પર 50 લાખ સુધી અને 75% દિવસોનું શૂટિંગ કરવા પર 1 કરોડ સુધીની સબસિડીનો લાભ
મધ્યપ્રદેશમાં શૂટિંગ કરાયેલ કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝ
તાજેતરમાં રિલીઝ થયેલ ઝરા હટકે – ઝરા બચકે, સેલ્ફી, ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા, યે કાલી કાલી આંખે, ધાકડ, પંચાયત 1 અને 2, કોટા ફેક્ટરી, મહારાણી, ડોક્ટર જી, પોનીયિન સેલવાન: 1 અને પોનીયિન સેલવાન: 2, શેરની, પંગા જેવી નોંધપાત્ર ફિલ્મો અને વેબ સિરીઝ છે જેનું શૂટિંગ રાજ્યમાં થયું છે.
સબસિડીનો લાભ
મધ્ય પ્રદેશ ફિલ્મ પ્રવાસન નીતિ 2020 મુજબ, રાજ્યમાં શૂટ કરવામાં આવેલી ફીચર ફિલ્મ 1 કરોડ રૂપિયા અથવા ફિલ્મના કુલ બજેટના 25 ટકા, જે ઓછું હોય તે સબસિડી માટે પાત્ર છે, જેના માટે ફિલ્મના 50 ટકા દિવસનું શૂટિંગ રાજ્યમાં થવું જોઈએ. અને જો 75 ટકા દિવસોનું શૂટિંગ રાજ્યમાં થાય તો 1.5 કરોડ સુધીની સબસીડી મળવાપાત્ર છે. ફિલ્મ નિર્માતા પોપ-અપ સબસિડીનો લાભ મેળવવા માટે પણ હકદાર છે જો તેમની ત્રણ ફિલ્મોનું શૂટિંગ રાજ્યમાં થાય છે ત્યારે અનુક્રમે રૂ. 1 કરોડ, રૂ. 1.25 કરોડ અને રૂ. 1.5 કરોડની સબસિડી મળવાપાત્ર રહે છે, જેના માટે નિર્માતાએ ફિલ્મના 50 ટકા દિવસોનું શૂટિંગ રાજ્યમાં કરવાના રહે છે.
ટેલિવિઝન શોનું શૂટિંગ પણ સબસિડી માટે પાત્ર છે જેના માટે નિર્માતાને રાજ્યમાં 90 દિવસના શૂટિંગ માટે 50 લાખ અથવા કુલ ખર્ચના 25 ટકા, બેમાંથી જે ઓછું હોય અને 180 દિવસના શૂટિંગ માટે 1 કરોડ અથવા કુલ ખર્ચના 25 ટકા, બેમાંથી જે ઓછું હોય, મળવા પાત્ર છે.
ઓટીટી પર રિલીઝ થનાર વેબ સિરીઝનું રાજ્યમાં 50 ટકા દિવસ સુધી શૂટિંગ કરવામાં આવે ત્યારે 50 લાખ અથવા કુલ ખર્ચના 25 ટકા, બેમાંથી જે ઓછું હોય, સબસિડી માટે પાત્ર બને છે. અને કુલ શૂટિંગ દિવસોના 75% દિવસોનું શૂટિંગ કરવામાં આવે ત્યારે 1 કરોડ અથવા કુલ ખર્ચના 25% સુધી, જે ઓછું હોય તે સબસિડી માટે પાત્ર બને છે.
શ્રી શિવશેખર શુક્લા, અગ્ર સચિવ, પ્રવાસન અને મેનેજિંગ ડિરેક્ટર, મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડ એ જણાવ્યું કે મધ્યપ્રદેશમાં ફિલ્મ પ્રવાસન નીતિ 2020ના અમલીકરણથી અત્યાર સુધીમાં 375 થી વધુ પ્રોજેક્ટ/ફિલ્મો પૂર્ણ કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતાઓમાં રાજ્યની વધતી જતી લોકપ્રિયતાનો આ સંકેત છે. મધ્યપ્રદેશ સરકાર અને પ્રવાસન બોર્ડ દ્વારા નિર્માતા-નિર્દેશકોને દરેક પ્રકારે સહકાર આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *