રામચરિતમાનસ સ્વયં પરમહંસ છે. રામચરિતમાનસ આસમાનનું શાસ્ત્ર છે.

 

પરમપાવન બેલૂરમઠની ચૈતન્યભૂમિ પરથી ૯૧૮મી રામકથાનું સમાપન;૯૧૯મી કથા ૧૭ જૂનથી કર્ણપ્રયાગ(ઉત્તરાખંડ)થી પ્રવાહિત થશે.

પરમહંસની આંખ પણ બ્લેક હોલ છે,એમાં જે ગયો એ ક્યારેય પાછો ફરતો નથી.

વક્તવ્યમાં પ્રકાશ-સત્ય,પ્રભાવ-પ્રેમ અને પ્રસાદ-કરુણા છે.

કથાબીજ પંક્તિ:

સગુનુ ખીરુ અવગુન જલુ તાતા;

મિલઇ રચઇ પરપંચુ બિધાતા.

ભરતુ હંસ રબિબંસ તડાગા;

જનમિ કિન્હુ ગુન દોષ બિભાગા.

દોહા-૨૩૨(અયોધ્યા કાંડ)

રામકૃષ્ણ મઠ અને મિશન ના હેડક્વાર્ટર બેલુર મઠની પરમ પાવન ભૂમિથી પ્રવાહિત રામકથાના પૂર્ણાહૂતિ દિવસે કથા પ્રારંભ પહેલા નિમિત્તમાત્ર યજમાન અરુણભાઇ શ્રોફ દ્વારા રામકૃષ્ણ મઠ અને મિશનનાં સ્વામીજીઓ તેમજ વ્યાસપીઠ પ્રત્યે પોતાનો શુભ ભાવ વ્યક્ત થયો.

બીજ પંક્તિઓ સાથે રામકથાના પૂર્ણાહૂતિ દિવસે ઉપસંહારક વાતો કરતા:

દિન ગણંતે માસ ગયા,વરસે આંતરિયા;

સુરતી ભૂલી સાયબા,પછી તો નામે ય વિસર્યા.

દિવસો ગણતા હતા.કેમ દિવસો વિત્યા,નથી વક્તાને ખબર,નથી કોઈને.આવી અનુભૂતિ સાથે વિરામ તરફ જઈ રહ્યા છીએ ત્યારે.રામચરિતમાન સ્વયંપરમહંસ છે. શું આધાર? હંસના કેટલાય ગુણ છે, સ્વભાવ છે .પણ આપણી આંખો સામે આવે,જ્ઞાની અને મૂઢ બંને સ્વીકારે એવી ત્રણ વસ્તુ હંસમાં દેખાય છે:હંસ જળચર છે.મૂળતઃ માનસરોવરના જળમાં તરતા રહે છે. ક્યારેક-ક્યારેક હંસ સરોવરના તટ ઉપર પણ આવે છે,થોડા સમય માટે એ થળચર બની જાય છે. કોઈ ૩૨ વરસ,કોઈ ૪૨ વરસ,કોઈ ૧૨૬, કોઈ ૭૦ વરસ આ ધરતી પર આવ્યા.ક્યારેક હંસને પાંખો હોવાને કારણે ઉડાન ભરી લે છે.ત્રણ ગુણ છે: નભચર,જળચર અને થળચર.પરમહંસ મૂળ મહારસનો જીવ છે. ક્યારે સમાધિ લાગી જાય,ક્યારે રસમાં ડૂબી જાય, ક્યારેક આપણા જેવા લોકો માટે કરુણા કરીને પૃથ્વી પર આવી જાય છે. ક્યારેક ઠાકૂર આવ્યા ક્યારેક કોઈ ઓર આવ્યા… પછી ઉડાન ભરીને બતાવે છે કે એ નભચર છે.એક પરમહંસનું વક્તવ્ય માનસમાં લિપિબદ્ધ થયું છે. ભવાની!આમ તો ૧૪ લોક પણ અહીં ત્રણ લોક, ત્રિભુવની કથા-સકલલોક જગપાવની કથા વિશે પૂછ્યું છે.રામચરિતમાનસ આસમાનનું શાસ્ત્ર છે. ઠીક છે આસમાનની પાસે અવાજ નથી,શબ્દ એનો ગુણ છે.પરમહંસ ચૂપ રહે છે-મૌન રહે છે.એનું મૌન પણ બાળક કે વૃદ્ધનું નહીં યુવાનનું મૌન હોય છે. નીલગિરિ પર્વત પર ચાલતી કથામાં શ્રોતાઓ વૃદ્ધ છે,વક્તા યુવાન છે.કાગડાને ક્યારેય વૃદ્ધ જોયો નથી.આસમાનને સાંભળી શકાતું નથી, જોઈ શકાય છે.જોકે શબ્દ એનો છોરું છે,ગુણ છે. છતાં પણ આસમાન ગુણાતિત છે. લાગશે કે આપણને પણ પરવાજ-પાંખ લાગી ગઈ છે અને ઉડી રહ્યા છીએ! બધાની ઉડાન ગીતાજીમાં બતાવી છે. ભલે શ્લોક કહે કે વિષ્ણુ ગગન સદ્યશ છે. માનસ પણ ગગન સદ્યશ છે.નભનયાત્રા કરવી હોય તો બે વસ્તુ કરી શકાય:જો પક્ષી મોટું હોય તો તેના પગ પકડી લઈએ.કોઈ સદગુરુના પગ પકડીએ અને એ ઉડે એની સાથે ઉડતા જઈએ અથવા તો કોઈની પાંખનો આશ્રય મળી જાય.આકાશ શ્રવણનો વિષય નથી,દર્શનનો છે.સ્પર્શ તો શક્ય જ નથી.આકાશ નિર્ગંધ છે.અસ્પૃશ્ય છે.અશબ્દ છે,અદ્રશ્ય નથી. ક્યારેક-ક્યારેક બુદ્ધપુરુષને જોઈને લાગે છે કે એની આંખ પણ આસમાન છે. ઉપરનું આકાશનું તો માત્ર આપણે આધાર લઈએ છીએ. પરમહંસની આંખ પણ બ્લેક હોલ છે. એમાં જે ગયો એ ક્યારેય પાછો ફરતો નથી. આપણી અવસ્થા મુજબ આપણે ગાઈએ છીએ-તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યાં હૈ…. અમને તમારી નજરોમાં,શરણોમાં, સ્મૃતિમાં રાખજો. પ્રસાદ વહેંચીએ નહીં તો બોજ બની જાય છે. જો વહેંચવો જ નથી તો બનાવ્યો બેકાર છે.પ્રસાદે આગ સહન કરી છે, તપ્યો છે, તપ કર્યું છે,એમાં રસ છે,માધુર્ય છે,એક અલગ પ્રકારની ખુશ્બુ છે,એને વહેચવો જ પડે છે. વક્તવ્યમાં ત્રણ પ્રકાર હોય છે:પ્રતાપ,પ્રભાવ અને પ્રસાદ.જે વક્તવ્યમાં પ્રતાપ હોય,તેજ હોય,સૂર્ય હોય એ સત્ય છે.જે વક્તવ્યમાં પ્રભાવ હોય,ઉજાસ હોય,ભાવ હોય એ પ્રેમ છે, અને જે વક્તવ્યમાં પ્રસાદ છે એ કરુણા છે. રામચરિત માનસમાં ૧૬ લોકો આરતી કરે છે શ્રોતા અને વક્તા બંને છે. વિવેકાનંદની ભાષામાં તેજ છે, પ્રતાપી વાણી છે એ સત્ય છે.ઠાકૂરની વાણીમાં પ્રભાવ છે એ પ્રેમ છે, મા શારદાની વાણી કરુણામય છે એ પ્રસાદ છે. માન સરોવર શબ્દ આવ્યો એટલે માનસ એ રસ છે, જળચર છે,જલપોત છે.રામચરિતમાન આકાશ પણ છે નભચર છે અને આપણા જેવા માટે પૃથ્વી પર આવે એ થળચર પણ છે. માનસ બુદ્ધપુરુષ કથા કરશું, કાઠમંડુમાં કદાચ-એ પરમહંસ ભાગ-૨ હશે અને નડિયાદમાં કદાચ માનસ અવધૂત પર કથાગાન થશે એ પરમહંસ ભાગ-૩ હશે.આ વિચાર છે થઈ શકે તો.

વિવિધ ઘાટ પર કથાનો વિરામ બતાવી અને કથાનું સમાપન કરતી વખતે સમગ્ર આયોજન તેમજ રામકૃષ્ણ મઠના સ્વામીજીઓ પ્રત્યે પ્રસન્નતા અને સાધુભાવ રાખી આ કથાનું પ્રેમપૂંજ-સુકૃત-સુફળ પોતાની પરમહંસીથી વિશ્વને પ્રકાશિત કરી રહેલા રામકૃષ્ણદેવના ચરણોમાં સમર્પિત કરીને રામકથાને વિરામ અપાયો.

હવે પછીની-૯૧૯મી રામકથા આવતા શનિવાર-૧૭ જૂનથી લંગાશું-કર્ણપ્રયાગ(ઉત્તરાખંડ)થી પ્રવાહીત થશે.જેનું આસ્થા ટીવી ચેનલ અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલના માધ્યમથી તેના નિયમિત સમયે જીવંત પ્રસારણ થશે.

અમૃતબિંદુઓ:

કેટલીક અનુભૂતિઓને આધારની જરૂર પડતી નથી.

આધારથી જે પ્રતિપાદિત થઈ શકે એ અસીમ નથી હોતું.

રામચરિતમાનસ આસમાનનું શાસ્ત્ર છે.

પણ આકાશ અસંગ છે,મૌન છે.

અવાજ તો વાદળોનો હોય છે.

આપણા જેવા પોથીપંડિત અવાજ કરે છે.

સમય મળે તો ક્યારેક આકાશને જોયા કરો,ચંદ્ર અને સૂરજને નહીં માત્ર આકાશને જુઓ ઉદારતા આવશે.

પરમહંસની આંખ પણ બ્લેક હોલ છે,એમાં જે ગયો એ ક્યારેય પાછો ફરતો નથી.

પ્રસાદ વહેંચીએ નહીં તો બોજ બની જાય છે.

વક્તવ્યમાં પ્રકાશ-સત્ય,પ્રભાવ-પ્રેમ અને પ્રસાદ-કરુણા છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *