સૂર્યગ્રહણ એટલે શું? આવો જાણીએ.

લેખક :દીપક જગતાપ

………………………………………
29 માર્ચ:2025 ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ

…………………………………….
પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે થશે. જે આંશિક સૂર્યગ્રહણ અને રાત્રે તે ભારતમાં દેખાશે નહીં.
…………………………………….
એક વર્ષમાં ઓછામાં ઓછા ર અને વધુમાં વધુ 5 સૂર્યગ્રહણ થઈ શકે છે.
………………………………………

આપણે બધા જાણીએ જ છીએ કે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે ત્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે.

જયારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવેછે ત્યારે સૂર્યગ્રહણની ઘટના બને છે.જેમાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો નથી આ લેખમાં આપણે સૂર્યગ્રહણની ઘટનાને સમજવાનો પ્રયત્ન કરશું

વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ:-

નવા વર્ષ 2025માં કુલ બે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યા છે, જેમાંથી પહેલું 29 માર્ચે થશે.આંશિક સૂર્યગ્રહણ અને રાત્રે તે ભારતમાં દેખાશે નહીં. તે બર્મુડા, બાર્બાડોસ, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેનમાર્ક, ફિનલેન્ડ, નોર્વે, જર્મની, ફ્રાન્સ, હંગેરી, આયર્લેન્ડ, મોરોક્કો, ગ્રીનલેન્ડ, પૂર્વી કેનેડા, ઉત્તરી બ્રાઝિલ, હોલેન્ડ, પોર્ટુગલ, ઉત્તરી રશિયા, સ્પેન, સ્વીડન, પોલેન્ડ, પોર્ટુગલમાં જોવા મળે છે. , યુક્રેન, સ્વિટ્ઝર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને પૂર્વીય અમેરિકામાં જોઈ શકાય છે. તે જ સમયે, આ ગ્રહણ ભારતમાં ન દેખાતું હોવાને કારણે, તેની અસર થશે નહીં.વર્ષનું બીજું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરે થશે.આ પણ આંશિક સૂર્યગ્રહણ હશે.હવે આપણે પહેલા સૂર્યગ્રહણ શું છે? તે કેવી રીતે થાય છે? તેના કેટલા પ્રકાર છે તેના વિશે વિગતે જાણવાનો પ્રયાસ કરીએ

સૂર્ય ગ્રહણ :-

ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી અને બધા અન્ય ગ્રહ સૂર્યની ચારે બાજુ ચક્કર લગાવે છે. પૃથ્વી સૂર્યની ચારે બાજુ અને 365 દિવસોમાં એક ચક્કર લગાવે છે, જ્યારે ચંદ્રમાં એક ઉપગ્રહ છે, જે પૃથ્વીની ચારે બાજુ ચક્કર લગાવે છે. પૃથ્વીની ચારે બાજુ એક ચક્કર લગાવતાં ચંદ્રમાને 27 દિવસ લાગે છે. ચંદ્રમાના ચક્કર લગાવતી વખતે ક્યારેક એવી સ્થિતિ બને છે, જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે, ત્યારે સૂર્યનાં કિરણો પૃથ્વી સુઘી નથી પહોંચતા, જેને સૂર્યગ્રહણ કહે છે.

સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે ?:-

પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ. આ પરિભ્રમણમાં ચંદ્ર કયારેક પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શક્તો નથી અથવા તે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. પૃથ્વી પર આ પડછાયો જેટલા વિસ્તારમાં પડે ત્યાં સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે.તેને ખગ્રાસ ગ્રહણ કહે છે. ક્યારેક ચંદ્ર પૃથ્વીથી વધુ અંતરે હોય તો સૂર્ય પૂરો ઢંકાતો નથી પણ ચંદ્રની આસપાસ સૂર્યની કિનારી જોવા મળે છે. આ સ્થિતિને કંકણાકૃતિ ગ્રહણ કહે છે. આ ગ્રહણ અમાસના દિવસે જ થાય છે. અને પૃથ્વી પરના થોડા વિસ્તારોમાંથી જ જોઈ શકાય છે.

પૃથ્વી અને ચંદ્ર સતત ગતિ કરે છે. એટલે સૂર્યગ્રહણ શરૂ થાય ત્યારે ધીમે ધીમે સૂર્ય દેખાતો બંધ થાય છે. અને પૂરેપૂરી ઢંકાઈ જાય તે સ્થિતિ પાંચ કે સાત મિનિટ જ રહે છે પછી ચંદ્ર ખસે તેમ સૂર્ય બહાર આવતો જાય છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે.

ચંદ્ર સૂર્યને પૂર્ણ રીતે અથવા આંશિક રીતે ઢાંકી દે છે. પૃથ્વી પરથી જોતા આપણને સૂર્ય પર કાળો પડછાયો જોવા મળે છે. એક રીતે કહી શકાય કે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને દિવસમાં પણ અંધકાર થઈ જાય છે. સૂર્યગ્રહણ સમયે દિવસનં  તાપમાન નીચું થઈ જાય છે. સૂર્યગ્રહણને અંગ્રેજીમાં Eclipse કહે છે.

ખગોળશાસ્ત્રીઓ મુજબ અઢાર વર્ષમાં લગભગ એકતાલીસ સૂર્યગ્રહણ થતા હોય છે. જ્યારે એક વર્ષની અવધિમાં વધુમાં વધુ પાંચ સૂર્યગ્રહણ થઈ શકે છે. જોકે એક વર્ષમાં ઓછામાં ઓછાં બે સૂર્યગ્રહણ તો હોય જ છે. પૂર્ણ સૂર્યગ્રહણની અવધિની માત્રા ૭.૫ મિનિટ જેટલી હોય છે.

આ પહેલા 15.01.2010 અને 26.10.2019 ના રોજ કંકણાકૃતિ સ્વરૂપે સૂર્યગ્રહણ ભારતના દક્ષિણ ભાગમાં દેખાયું હતું. હવે પછી કંકણાકૃતિ સ્વરૃપનું સૂર્યગ્રહણ 21.05.2031ના રોજ ભારતમાં દેખાશે.
18 વર્ષ 10દિવસ અને 8 કલાકનું એક ગ્રહણ ચક્ર હોય છે. આ સમયગાળામાં કુલ 70 ગ્રહણો થવાના સંયોગ આવે છે. તે દરમિયાન 42 સૂર્યગ્રહણો અને 28 ચંદ્રગ્રહણ થાય ચે. 223 ચંદ્રમાસ અથવા 6585
દિવસ બાદ તેનું તે જ ગ્રહણ પુનઃઆકાર લેતું હોય છે. આ સમય નોંધ રાખી હોય તો આ ગ્રહણચક્રના પુનઃરાવર્તિત થતા દિવસો ચોક્સાઈથી ગણતરીપૂર્વક નક્કી કરી શકાય છે. પુનઃ એક જ જગ્યાએ ખગ્રાસ સૂર્યગ્રહણ 360 વર્ષ પછી થાય છે. એક વર્ષમાં ઓછામાં ઓછા ર અને વધુમાં વધુ 5 સૂર્યગ્રહણ થઈ શકે છે. એક સદીમાં સરેરાશ 238 સૂર્યગ્રહણ થઈ શકે. જેમાંથી 28 ટકા ખગ્રાસ, 33ટકા કંકણાકૃતિ બાકીના 39 ટકા ખંડગ્રાસ હોય છે. ખગ્રાસ ગ્રહણનો મહત્તમ સમયગાળો 450 સેંકડનો હોય છે. ખગ્રાસ સમયે પૃથ્વીના પટ ઉપર પહોળાઈ વધુમાં વધુ 262 કિ.મી. હોય છે. જે ભ્રમણ કક્ષામાં ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે અને જે ભ્રમણ કક્ષામાં પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. આ બન્ને તલ-સમતલ નથી. તેઓ એકબીજાને પાંચ અંશના કોણ પર કાળે છે. આથી દર અમાસે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર હોવા છતાં આ ત્રણે સીધી રેખામાં એકતલમાં નથી હોતા, સામાન્યઃ ચંદ્ર તે રેખાની નીચે અથવા ઉપર હોય છે. આ કારણથી દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી અને દર પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ થતું નથી.

કેવળ ખુલ્લી અરક્ષિત આંખો વડે સૂર્યનું અવલોકન ખગ્રાસ અથવા ખંડગ્રાસ સૂર્યગ્રહણ સમયે કરવું ખતરનાક છે. આનાથી આંખને કાયમી નુકસાન થઈ શકે છે. સૂર્યના પ્રતિબિંબને પાણીમાં નરી આંખે જોવું સલામત નથી. સોલાર ફીલ્ટરના ચશ્મા વડે સૂર્યગ્રહણ સલામત રીતે જોઈ શકાય છે. આ ફીલ્ટર સૂર્યકિરણોની તીવ્રતાને એકલાખ ગણી ઓછી કરે છે અને આંખને હાનીકારક અલ્ટ્રાવાયોલેટ અને ઈન્ફ્રારેડ કિરણોને શોષી લે છે. પીનકોલ કેમેરા મારફત સૂર્યબિબને પડદા ઉપર જોઈ શકાય છે

સૂર્યગ્રહણના પ્રકારો :

સૂર્યગ્રહણ એક પ્રકારનું ગ્રહણ છે. જેમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની મધ્યમાંથી થઈને પસાર થાય છે. આ સાથે પૃથ્વીથી જોતાં સૂર્ય પૂર્ણ અથવા આંશિક રીતે ચંદ્રમા દ્વારા ઢંકાઈ જાય છે. જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે ત્યારે ચંદ્રની પાછળ સૂર્ય થોડા સમય માટે ઢંકાઈ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણના 3 પ્રકાર હોય છે.

(1)પૂર્ણ સૂર્યગ્રહણ:-

સૂર્યગ્રહણનોપહેલો પ્રકાર પૂર્ણ સૂર્યગ્રહણ છે. આ એ સમયે હોય છે જ્યારે ચંદ્રમા પૃથ્વીની પાસે રહે છે અને સૂર્યની વચ્ચે આવે છે. ચંદ્ર પૂરી રીતે પૃથ્વીને પોતાની છાયામાં લઈને ફળસ્વરૂપ સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોચાડતો નથી.પૃથ્વી પર અંધકારની સ્થિતિ સર્જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે પૃથ્વી પર સૂર્ય જોવા મળતો નથી. આ પ્રકારનું ગ્રહણપૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય છે.

(2)આંશિક સૂર્યગ્રહણ:

સૂર્યગ્રહણનો અન્ય પ્રકાર આંશિક સૂર્યગ્રહણ
હોય છે. આ ગ્રહણમાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એ રીતે આવે છે કે સૂર્યનો કેટલોક ભાગ પૃથ્વીથી દેખાતો નથી. એટલે કે ચંદ્ર, સૂર્યના ફક્ત કેટલાક ભાગ જ દેખાય છે અને તેને તે પોતાની છાયામાં લઈ લે છે. તેનાથી સૂર્યનો કેટલોક ભાગ ગ્રહણ ગ્રાસમાં ગ્રહણના પ્રભાવમાં આવતો નથી. પૃથ્વીના એ ભાગ વિશેષમાં લાગેલું ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ કહેવાય છે.

(3):વલયાકાર સૂર્યગ્રહણ:

આ સૂર્યગ્રહણનો ત્રીજો ભાગ છે. તેમાં ચંદ્ર પૃથ્વીથી દૂર રહે છે અને પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે. એટલે કે સૂર્યને આ પ્રકારે ઢાંકે છે કે સૂર્યનો ફક્ત મધ્ય ભાગ જ છાયા ક્ષેત્રમાં આવે છે અને પૃથ્વીથી જોતાં ચદ્રમા પર સૂર્ય પૂરી રીતે ઢંકાયેલો દેખાતો નથી. પણ સૂર્યના બહારના વિસ્તારને પ્રકાશિત થવાના કારણે બંગડી કે વલયના રૂપમાં ચમકતો દેખાય છે. બંગડી આકારમાં બનેલા સૂર્યગ્રહણને વલયાકાર સૂર્યગ્રહણ કહેવાય છે.

રીંગ ઓફ ફાયર કેવી રીતે બને છે?:-

વૈજ્ઞાનિકોના મતે જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે. જો સાદા શબ્દોમાં સમજીએ તો જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વી પર સૂર્યપ્રકાશ પડતો નથી. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

જો સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર પૃથ્વીની નજીક હોય, તો તેના મોટા કદને કારણે તે પૃથ્વીથી સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે. જો તેનું અંતર વધારે હોય, તો તેના નાના કદને કારણે, તે માત્ર અંતરના મધ્ય ભાગને જ આવરી લેવામાં સક્ષમ છે.અને આવી સ્થિતિમાં સૂર્યની આસપાસ એક રિંગ રચાતી જોવા મળે છે. જેને રીંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. રિંગ ઓફ ફાયર પૂર્ણ થવામાં 3 કલાકથી વધુ સમય લાગી શકે છે. જો કે, તેની અવધિ થોડી સેકન્ડથી લઈને 12 સેકન્ડ સુધી જોઈ શકાય છે.

………………………………………

સરનામું :દીપક જગતાપ
નિવાસ : ‘ ‘ ઋષાર્થ ‘ ‘ , મહેતા કોમ્પલેક્ષ પાસે , સંતોષ ચાર રસ્તા,રાજપીપલા -393145
(જિ.નર્મદા ) (મો.9988796527)
Email :deepakjagtap3@gmail.com )
……………………………………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *