કારણકે વાત અમિતાભ બચ્ચનની છે, હો સાહેબ…..

‘મુંબઈ સમાચાર’ માં દર શુક્રવારે ‘મેટિની’ નામની પૂર્તિમાં છપાતી મારી કોલમ ‘રંગીન ઝમાને’માં ગયાં શુક્રવારે ફિલ્મ ‘કાલા પથ્થર’ પરનો લેખ લખેલો અને અમિતાભ બચ્ચનના જીવનમાં બનેલી એક ઘટના પણ એ લેખમાં લખેલી. આ લેખ વાંચીને ડોક્યુમેન્ટ્રી બનાવનાર વરિષ્ઠ મિત્ર ધીરુ મિસ્ત્રીનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે લેખ એમને ખૂબ જ સ્પર્શી ગયો અને આ લેખ વાંચીને એમને અમિતાભ બચ્ચનનાં જીવનમાં બની ગયેલો એક બનાવ યાદ આવી ગયો.

જુહૂ 10માં રસ્તા પર ધીરુ મિસ્ત્રીના બહેનનો નિવાસ હતો અને એમની બહેનના દેર હિંમત મકવાણા જે હેમુ નામથી ઓળખાતા તેઓ મુકુંદ આયર્ન એન્ડ સ્ટીલ કંપનીમાં બસ મોકલવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા હતા, એમના નિવાસનું નામ ‘ડગલી વીલા’ હતું. એક વખત મધરાતે એમના નિવાસની સામેના મેદાનમાં મુકેલી બસમાં આગ લાગી ગઈ અને એ જ વખતે અમિતાભ બચ્ચન ઘરે પરત ફર્યા ફિલ્મના શૂટિંગ પરથી અને આગ જોઈને તરત જ ઘરે પહોંચીને ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવી લીધી.

અમિતાભ એ વખતે સુપરસ્ટાર બની ગયેલા અને એમનો ઝળહળતો યુગ શરૂ થયેલો. મધરાતે બે વાગ્યે કોઈની બસ ક્યાંક સળગતી જોઈને આજે મોબાઈલ યુગમાં પણ કોઈ સામાન્ય માણસ પણ ભાગ્યે જ આવી
તસ્દી લ્યે, જ્યારે સુપરસ્ટાર હોવા છતાં પગ ધરતી પર રાખવા એ આવી નાની નાની બાબતોમાં દેખાય છે.

હિંમત મકવાણાએ પછી જ્યારે નવી બસ લીધી હતી એ વખતે અમિતાભને એ બસનું ઉદ્દઘાટન કરવા વિનંતી કરેલી અને તરત જ અમિતાભે વિનંતી સ્વીકારી અને બસનું ઉદ્દઘાટન ખુદ અમિતાભે બસને હારતોરા કરીને પોતે બસ ચલાવીને કરી દીધું !

આ કિસ્સો કોઈ અખબાર કે પુસ્તકમાં ક્યારેય વાંચવા જાણવા મળશે નહીં એટલે જ અમે અહીંયા આ કિસ્સો આલેખ્યો છે અને સાબિતી રૂપે ફોટાઓ પણ છે, એક ફોટામાં અમિતાભ બસને હાર પહેરાવી ઉભા છે અને બીજા ફોટામાં હેમુભાઈના પરિવાર સાથે અમિતાભ છે.

સેલિબ્રિટી, સર્જકો, કલાકારો વગેરેના જીવનની નાની નાની બાબતોમાં પણ લોકને રસ પડે છે, અને આ ઘટના તો સાવ નાની કહેવાય એવી પણ નથી, એટલે જ અમે ખાસ અહીંયા આપ સૌ દોસ્તો, સ્નેહીઓ માટે ફરી વખત મૂકી છે,કારણકે વાત અમિતાભ બચ્ચનની છે, હો સાહેબ…..

પોસ્ટ. સૌજન્યઃ હકીમ રંગવાલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *