HD ન્યૂઝ ડેસ્ક, 17 ઓગસ્ટ: ભારતમાં પિન કોડ સિસ્ટમ 15 ઓગસ્ટ, 1972ના રોજ રજૂ કરવામાં આવી હતી. તેને શરૂ કરવા પાછળનો હેતુ પોસ્ટ(મેઇલ/ડાક) ડિલિવરીની સિસ્ટમને સરળ બનાવવા અને મોટી સંખ્યામાં પત્રોનું સંચાલન કરવાનો હતો. છ અંકની આ પિન કોડ સિસ્ટમ ઘણી સારી છે અને તેના કારણે પોસ્ટને સૉર્ટ(અલગ) કરવામાં અને વિતરણ કરવામાં ઘણી મદદ મળે છે. આ કોડના દરેક અંકનો વિશેષ અર્થ રહેલો હોય છે. આ સિસ્ટમ દ્વારા સમગ્ર ભારતમાં ટપાલ સેવાઓની પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવવામાં આવી છે.
કોઈ પણ વિસ્તારનો પિન કોડ કેવી રીતે નક્કી થાય છે? છ-અંકના પિન કોડનો અર્થ શું છે?
- પ્રથમ આંકડો: તે સમગ્ર દેશને ચાર મુખ્ય પ્રદેશોમાં વહેંચે છે. ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. ઉદાહરણ તરીકે: ઉત્તર: 1, 2, પશ્ચિમ: 3, 4, દક્ષિણ: 5, 6, પૂર્વ: 7, 8.
- બીજો આંકડો: આ પેટા પ્રદેશ વિશે જણાવે છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે.
- ત્રીજો આંકડો: આ પ્રથમ બે અંકો સાથે મળીને, પેટા-પ્રદેશની અંદરના સૉર્ટિંગ જિલ્લા(sorting district)ને દર્શાવે છે. આ પોસ્ટલ વિભાગની વર્ગીકરણ સુવિધાઓ અને તેમની જટિલતાને આધારે નક્કી કરવામાં આવે છે.
- છેલ્લા ત્રણ આંકડા: આ સૉર્ટિંગ ડિસ્ટ્રિક્ટની અંદરની વ્યક્તિગત પોસ્ટ ઑફિસ સૂચવે છે અને તેથી કોઈપણ મેઇલને યોગ્ય સરનામાં પર પહોંચાડવામાં ઘણી મદદ કરે છે.
પિન કોડના પ્રથમ ત્રણ અંકો મળીને પોસ્ટલ કામદારો માટે કેન્દ્રીય સૉર્ટિંગ પોઈન્ટ અને તે વિસ્તારમાં પોસ્ટ પહોંચાડવાની હોય તે દર્શાવે છે. જ્યારે છેલ્લા ત્રણ અંકો તે કેન્દ્રીય સૉર્ટિંગ પોઈન્ટ દ્વારા સેવા અપાતી પોસ્ટ ઓફિસના સ્થાનની ઓળખાણ કરે છે.
જ્યારે પણ કોઈ પત્ર અથવા પાર્સલને એડ્રેસ કરવામાં આવે છે, ત્યારે તે ખાતરી કરવી જરૂરી છે કે સરનામાની છેલ્લી લાઇનમાં શહેર અથવા ગામનું નામ, રાજ્યનું નામ અને તે પછી યોગ્ય રીતે પિન કોડ લખાયેલો હોવો જોઈએ. જે સુનિશ્ચિત કરે છે કે પત્ર યોગ્ય રીતે પોસ્ટ ઓફિસ સુધી પહોંચે અને કોઈપણ વિલંબ કર્યા વિના પહોંચે. તે ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે પ્રથમ ત્રણ અંકો અને છેલ્લા ત્રણ અંકો વચ્ચે થોડી જગ્યા મૂકવામાં આવે.
ઉદાહરણ તરીકે, પિન કોડ 110001, આ પિન કોડ નવી દિલ્હીના કસ્તુરબા ગાંધી રોડનો છે. જેમાં અંક 1 ઉત્તરીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં દિલ્હી, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સર્કલનો સમાવેશ થાય છે. દિલ્હી સર્કલની ઓળખાણ પ્રથમ અને બીજા અંકો (11) ને જોડીને કરવામાં આવશે, જ્યારે 110નો અર્થ દિલ્હી ટાઉન ડિલિવરી અને નવી દિલ્હી GPO પિન કોડ 110001 દ્વારા ઓળખવામાં આવશે.
શ્રીરામ ભીખાજી વેલંકરનું યોગદાન
પીન કોડની આ પહેલ પાછળ કેન્દ્રીય સંચાર મંત્રાલયના અધિક સચિવ-પોસ્ટ અને ટેલિગ્રાફ બોર્ડના વરિષ્ઠ સભ્ય શ્રીરામ ભીખાજી વેલંકરનું યોગદાન છે. તેમને ‘ફાધર ઓફ ધ પોસ્ટલ ઈન્ડેક્સ કોડ સિસ્ટમ’ માનવામાં આવે છે. વેલંકર પોસ્ટ અને ટેલિગ્રાફ બોર્ડના વરિષ્ઠ સભ્ય પણ હતા.
જૂની પોસ્ટલ સિસ્ટમમાં પોસ્ટ સોર્ટિંગના કર્મચારીઓને પોસ્ટ ઓફિસ, સબ-ઑફિસ અને બ્રાન્ચ ઑફિસના 4,000થી વધુ નામ યાદ રાખવા પડતા હતા જેથી કરીને તે મોટી સંખ્યામાં આવતી પોસ્ટને યોગ્ય રીતે સૉર્ટ કરી શકે. આ દરમિયાન, વ્યક્તિએ અધૂરા સરનામાંઓ અને નગરો કે જેના નામ સમાન હતા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.
સમયની સાથે, મેઈલ(ડાક/પોસ્ટ) અને પત્રોની સંખ્યા વધતી ગઈ અને પિન કોડ સિસ્ટમમાં સુધારો કરવાની જરૂરિયાત અનુભવાઈ. આંકડા અનુસાર, પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગે 1970-71 દરમિયાન લગભગ 6,457 લાખ પોસ્ટલ પત્રોનું સંચાલન કર્યું હતું.
તે સમય દરમિયાન, ઈન્દિરા ગાંધીની સરકારમાં સંચાર મંત્રી એચ.એન. બહુગુણાએ કહ્યું હતું કે, “કોડ નંબર લખવા માટે અરબી નંબરોનો ઉપયોગ કરવો જોઈએ જેથી ભાષા સંબંધિત સમસ્યાઓના કારણે મેઈલને સૉર્ટ કરવામાં કોઈ વિલંબ ન થાય.” બહુગુણાએ કહ્યું હતું કે, 120,000 નવા કનેક્શન્સ પ્રદાન કરવા માટે આવતા વર્ષે લગભગ 300 નવા ટેલિફોન એક્સચેન્જો ખોલવામાં આવશે અને આ વર્ષે અન્ય 1,200 જાહેર ટેલિફોન ચાલુ કરવામાં આવશે.
જૂના અંતર્દેશીય પત્રો અને પોસ્ટ કાર્ડમાં પિન કોડ લખવાની ખાસ વ્યવસ્થા હતી. જેમાં પિન કોડ દાખલ કરવા માટે છેલ્લી લાઇનમાં તેમના પર એક બોક્સ છાપવામાં આવ્યું હતું. ઉદાહરણ તરીકે, કોહિમામાં સરનામા માટે 797001 કોડ હશે પરંતુ સરનામાની છેલ્લી લાઇન નાગાલેન્ડ 797001 રહેશે.
આજના ઇન્ટરનેટના યુગમાં પણ પિન કોડ મહત્ત્વપૂર્ણ
દેશમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવના આ યુગમાં પણ પિન કોડનું મહત્ત્વ સમાપ્ત થયું નથી. આજની દુનિયામાં જ્યાં લોકો પત્રોને બદલે ઈ-મેઈલ મોકલે છે અને WhatsApp, ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સરળતાથી સંદેશાઓ મોકલી શકે છે, ત્યારે પ્રશ્ન ઊભો થઈ શકે છે કે શું હવે ‘PIN Code’નું કોઈ વધુ મહત્ત્વ રહ્યું નથી? પરંતુ એવું નથી.
જેમ જેમ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધી રહ્યો છે તેમ તેમ પિન કોડની જરૂરિયાત પણ વધી ગઈ છે. ઓર્ડર યોગ્ય સ્થાને અને સમયસર આવે તેની ખાતરી કરવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પિન કોડનો ઉપયોગ કરે છે. પિન કોડ કુરિયર કંપનીઓને તેઓ જે સામાન પહોંચાડે છે તેને યોગ્ય સ્થાને પહોંચાડવામાં પણ મદદ કરે છે.
ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અથવા અન્ય કોઈપણ વસ્તુઓ કુરિયર અને ડિલિવરી સેવાઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. કલ્પના કરો, જો પિન કોડ સિસ્ટમ ન હોત, તો તેને પહોંચાડવામાં કેટલી મુશ્કેલનો સામનો કરવો પડે?
સરકારી યોજનાઓ અને બેંકિંગ સેવાઓમાં પણ પિન કોડ જરૂરી છે. આ સુનિશ્ચિત કરે છે કે લોકોને સરકારી અથવા બેંકિંગ યોજનાઓનો લાભ મળી શકે. આ ઝડપથી બદલાતી દુનિયામાં, પોસ્ટ અથવા પત્રોનો ઉપયોગ નોંધપાત્ર રીતે ઓછો થયો હોવા છતાં, પિન કોડનું મહત્ત્વ હજી પણ છે, ખાસ કરીને એવા સમયે જ્યારે મોટાભાગની વસ્તુઓની હોમ ડિલિવરી વધી રહી છે. ઈન્ડિયા પોસ્ટ અને ખાનગી કુરિયર્સ તેમજ અન્ય મહત્ત્વપૂર્ણ વસ્તુઓને યોગ્ય સરનામા પર પહોંચાડવામાં પિન કોડ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હાલમાં, ભારતમાં વિશ્વની સૌથી મોટી ટપાલ સેવા વ્યવસ્થા છે.