આપણા ત્યાં એક કહેવત છે કે “પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય” એટલે કે મનુષ્યનો સ્વભાવ મૃત્યુપર્યંત તેનો સાથ છોડતો નથી. તેનો જ્યારે પ્રાણ છૂટે ત્યાં સુધી તે પોતાના સ્વભાવ કે પ્રકૃતિ અનુસાર જ જીવન જીવતો રહે છે. જીવનની દરેક ક્ષણે તેનો સ્વભાવ તેનું પ્રારબ્ધ નક્કી કરે છે અર્થાત પોતાની પ્રકૃતિ કે સ્વભાવ અનુસાર તે જે વિચારે છે, જે નિર્ણય લે છે તે તેના જીવનના સુખ અને દુઃખને નક્કી કરે છે. જો મનુષ્ય તેના સ્વભાવને જાણે અથવા સ્વભાવ ઘડતર કેવી રીતે થાય છે તે સમજે તો મને ભરોસો છે કે વ્યક્તિ તેના સ્વભાવમાં પરિવર્તન અવશ્ય લાવી શકે અને સ્વભાવની ભયંકર પકડમાંથી છૂટી શકે. સ્વભાવની કેદમાંથી છૂટતાં જ વ્યક્તિ પોતાના જીવનમાંથી ઘણા દુઃખોની બાદબાકી કરી શકે કારણ કે જીવનમાં અનેક દુઃખો અને વેદના પાછળનું મૂળભૂત કારણ વ્યક્તિનો પોતાનો સ્વભાવ જ હોય છે. વળી સ્વભાવ એક દિવસમાં ઘડાતો નથી. મનુષ્યના સ્વભાવ કે પ્રકૃતિ નિર્ધારણ કરતી પ્રક્રિયા ખૂબ લાંબી છે. જેનું પ્રથમ પગથિયું છે ઈચ્છા.
વારંવારની એક ચોક્કસ દિશાની ઈચ્છા કાળક્રમે વાસનાનું રૂપ ધારણ કરે છે. કોઈ બાબતનું સતત જયારે ચિંતન મનન થાય ત્યારે ઈચ્છા તીવ્ર બને છે. ઈચ્છાપૂર્તિની જયારે અપેક્ષા રખાય અથવા તે અંગે પ્રયત્નશીલ બનાય ત્યારે ધીરે-ધીરે તે ઈચ્છાની પકડ મનુષ્ય જીવન પર પ્રબળ બને છે. જે ક્રમશઃ વાંસનાનું રૂપ ધારણ કરે છે. વાસના પ્રબળ બનતા તે આદતમાં પરિણમે છે. આદતમાંથી છૂટવું વિશેષ કઠિન હોય છે અને આવી જન્મોજન્મની આદતને ધર્મશાસ્ત્રો સંસ્કાર તરીકે ઓળખે છે. આવા સંસ્કાર કે આદતો કાળક્રમે સ્વભાવમાં પરિવર્તિત થાય છે. એટલા માટે કહેવાય છે કે સ્વભાવથી મુક્તિ લગભગ દરેક માટે અસંભવ છે. કેમ કે સ્વભાવ ઘડતર પાછળ ઈચ્છા કામના વાસના આદત જેવા અનેક જન્મોના સંસ્કાર જવાબદાર છે. કોઈ મનુષ્ય સરળતાથી સ્વભાવની પકડમાંથી આઝાદ થઈ શકતો નથી. તેને જો સ્વભાવ રૂપાંતરણ કરવું હોય કે સ્વભાવગત પ્રકૃતિની પકડમાંથી આઝાદ થવું હોય તો સૌ પ્રથમ ઈચ્છા તરફ ધ્યાન આપવું પડે કારણ કે સ્વભાવનું ઘડતર મૂળભૂત રીતે ઈચ્છા દ્વારા શરૂ થાય છે. કોઈપણ ઈચ્છા જ્યાં સુધી વાસના ન બને ત્યાં સુધી તેમાંથી છૂટવું શક્ય છે. એટલા માટે કોઈપણ સામાન્ય ઈચ્છા વાસના ન બને તે અંગે સજાગ રહેવું જોઈએ. ઈચ્છા જો વાસના બની જાય તો તેમાંથી છૂટવું અઘરું છે.
જ્યારે કોઈ ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે સતત તેનું ચિંતન મનન કરવાને બદલે ઈશ્વર ઈચ્છાને સ્વીકારતા શીખી લેવું જોઈએ. શરૂઆતના તબક્કામાં જો ઈચ્છાની પકડમાંથી છૂટી જવાય અને ઈચ્છા વધુ તીવ્ર કે પ્રબળ બની વાસનાનું રૂપ ધારણ ન કરે તો જીવન વધુ સરળ બને. એકવાર ઈચ્છા વાસનામાં પરિવર્તિત થઈ પછી તેને આદત બનતા કોઈ રોકી શકતું નથી. પ્રબળ વાસના સામાન્ય રીતે એક પ્રકારની આદતનું રૂપ ધરણ કરે છે. દાખલા તરીકે સિગરેટ પીવાની ઈચ્છા પ્રથમ વાર થાય ત્યારે જ જો તેના પર નિયંત્રણ ન મુકાય અને સતત તેનું ચિંતન થયા કરે અથવા નિયમિત રીતે તે ઈચ્છાને સંતોષવામાં આવે તો ક્રમશઃ તે ઈચ્છા વાસના બને અને ધીરે ધીરે તે આદતમાં પરિવર્તિત થઈ જાય, પછી તેના વગર રહેવું અશક્ય બની જાય. વ્યક્તિ તેનો બંધાણી બની જાય. કદાચ એને સત્ય સમજાય પણ જાય કે મારી આદત હાનિકારક છે છતાં તે તેને છોડી શકે નહિ.
કોઈ પણ આદત છોડવા માટે કઠિન પરિશ્રમની આવશ્યકતા રહે છે કેમ કે આદતને છોડવી સહેલી નથી. એવી જ રીતે કામ ક્રોધ લોભ વગેરે પણ જો આદત બની જાય તો કાળક્રમે તે સ્વભાવ બની જાય છે જેને છોડી શકાતું નથી. વર્ષો યુગો કે જન્મોથી માણસને ક્રોધની આદત પડી છે જેથી ક્રોધમુક્તિ અઘરી બની છે. એ જ રીતે જે વ્યક્તિ કામી કે લોભી હોય તેને કોઈની સલાહ કે ધર્મના આદેશ અસર કરી શકતા નથી. પૈસાને મહત્વ આપવાનો સ્વભાવ પડી ગયા પછી લાલચને છોડવી કઠીન છે. અનેક વર્ષો કે જન્મોથી વ્યક્તિને ધનની લોલુપતાની આદત પડી છે. કોઈક સમયે એને કદાચ સમજાય પણ જાય કે ધન જીવનનું સાચું સુખ નથી છતાં તે ધનની માયાને ઓછી કરી શકતો નથી કેમ કે ધનની લાલચ એની આદત બની ગઈ છે. જન્મોજન્મના એના લાલચી કામી ક્રોધી સંસ્કાર તેને એ પ્રમાણે કાર્યરત રહેવા મજબૂર કરે છે કારણ કે વર્ષોવર્ષ એણે એવા જ કર્મોની પ્રેક્ટિસ કરી છે. અનેક જન્મોનો એણે આ જ હેતુસર ભોગ આપ્યો છે એટલે તે સહજતાથી કામ ક્રોધ કે લોભને છોડી શકતો નથી. ટૂંકમાં કોઈ પણ બાબત જ્યારે સંસ્કાર કે આદત બની જાય (કે જે અનેક જન્મોના અભ્યાસનું પરિણામ છે) તેને છોડવું અસંભવ છે. એટલા માટે ધર્મશાસ્ત્રો સલાહ આપે છે કે ઈચ્છાને પ્રબળ ન બનવા દો. જો ઈચ્છા વાસનાનું રૂપ ધારણ કરશે તો અવશ્ય જીવનને દુઃખોથી ભરી દેશે. વળી કમનસીબે જો કોઈ ઈચ્છા વાસના બની અને વાસના આદત કે સંસ્કારમાં પરિણમી સ્વભાવ બની તો તે એક જન્મ નહીં જન્મોજન્મ મનુષ્યના જીવનને પીડામય બનાવશે અને મનુષ્ય તેની પકડમાંથી કદાપિ છૂટી નહિ શકે.
એટલા માટે કોઈપણ બાબતમાં સ્વભાવ ઘડાઈ ન જાય તે જોવાની આપણી પ્રથમ નૈતિક જવાબદારી છે. ઈચ્છા વાસના ન બને, વાસના આદત ન બને અને આદત સ્વભાવ ન બની જાય તેનું ધ્યાન દરેક મનુષ્યે જીવનમાં રાખવું જોઈએ. જીવનને સતત તપાસતા રહેવું જોઈએ. જાગૃત રહેવું જોઈએ જેથી અયોગ્ય સ્વભાવ ઘડતર અજાણતા પણ થઈ ન જાય. અન્યથા જીવનને પીડામય થતા કોઈ રોકી ન શકે. સ્વભાવ ઘડતર યથાર્થ કરવું હોય તો નૈતિક નિસ્વાર્થ પ્રમાણિક પવિત્ર અને આધ્યાત્મિક સ્વભાવ બને તેવી ઈચ્છા સતત સેવવી જોઈએ. એ જ ઈચ્છાને વાસનામાં પરિવર્તિત કરવી જોઈએ. ઉત્તમ વાસનાને આદત કે સંસ્કાર બનાવવી જોઈએ કે જેના દ્વારા અંતે ઉમદા સ્વભાવ કેળવાય. જે તમામ પ્રકારની ધ્યેયપ્રાપ્તિમાં સહાયક નીવડે અને જીવન સાર્થક થઇ જાય. ટૂંકમાં ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જો અશક્ય લાગતું હોય તો ઈચ્છાઓને આધ્યાત્મિક બનાવવી ઉત્તમ છે અર્થાત ઇચ્છાઓની દિશા બદલી નાખવી જોઈએ. જેથી તે ઈચ્છા જો વાસનામાં પરિણમી આદત બને અને સ્વભાવ ઘડતર કરે તો પણ જોખમરૂપ કે હાનિકારક સાબિત ન થાય. ઉલટું જીવનને ઉત્તમ બનાવવામાં સહાયભૂત થાય. દરેક મનુષ્ય પાસે બે વિકલ્પ છે ૧) અયોગ્ય ઈચ્છાઓને શરૂઆતના તબક્કામાં જ નિયંત્રિત કરી દે અને ૨) જો નિયંત્રણ કરવું એના હાથમાં ન હોય તો ઈચ્છાઓની દિશા બદલી નાખે એટલે કે સ્વાર્થી લાલચી અયોગ્ય ઈચ્છાઓને બદલે પવિત્ર નૈતિક અને આધ્યાત્મિક ઈચ્છાઓનું સતત ચિંતન મનન કરે જેથી અંતે એ ઈચ્છા કામના બને, વાસના બને, આદત બને અને ઉત્તમ સ્વભાવને ઘડે. આમ સ્વભાવ ઘડતર માટે ચાર પરિબળો નિર્ણાયક છે ઈચ્છા, વાસના, આદત અને સંસ્કાર.