રમઝાન માસમાં વારંવાર ઉમરાહ કરી શકાશે નહીં, સાઉદી સરકારે બનાવ્યો નવો નિયમ

રિયાદ (સાઉદી અરેબિયા), 19 માર્ચ: રમઝાન મહિનો ચાલુ છે ત્યારે સાઉદી અરેબિયાની સરકારે ઉમરાહ કરવા માટે નવા નિયમો જારી કર્યા છે. આ અંતર્ગત ભારતીય તીર્થયાત્રીઓ રમઝાનમાં વારંવાર ઉમરાહ કરી શકશે નહીં. રમઝાન માસમાં દુનિયાભરના મુસ્લિમો ઉમરાહ માટે સાઉદી અરેબિયા જાય છે. ઇસ્લામમાં રમઝાનના મહત્ત્વના કારણે આ મહિનામાં ઉમરાહ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. હજથી વિપરિત શ્રદ્ધાળુઓ જેટલી વાર ઇચ્છે તેટલી વાર ઉમરાહ કરી શકે છે. એવામાં લોકો વારંવાર કાબાની મુલાકાત લેતા હોય છે, જેનાથી ભીડ વધી જાય છે. વધતી ભીડને ધ્યાનમાં લેતા સાઉદી સરકારે નવો નિયમ લાગુ કરતાં કહ્યું કે, હવે કોઈ પણ વ્યક્તિ રમઝાનમાં એક જ વાર ઉમરાહ કરી શકશે.

રમઝાન માસમાં વારંવાર ઉમરાહ કરવા પર પ્રતિબંધ

સાઉદી હજ અને ઉમરાહ મંત્રાલયે રમઝાન મહિનામાં મુસ્લિમોને ઉમરાહને વારંવાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, જે અંતર્ગત મક્કામાં હાજર તીર્થયાત્રીઓ આ મહિનામાં માત્ર એક જ વાર ઉમરાહ કરી શકશે. રમઝાન દરમિયાન દુનિયાભરથી મોટી સંખ્યામાં લોકો સામાન્ય રીતે મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં પહોંચે છે. તે ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે.

સાઉદી સરકારે આ નિર્ણય કેમ લીધો?

હજ અને ઉમરાહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઉમરાહ દરમિયાન ભારે ભીડ ઘટાડવા માટે રમઝાન દરમિયાન વારંવાર ઉમરાહ કરવા પર રોક લગાવી છે. આ પગલાથી વધુ લોકોને ઉમરાહ કરવાની તક પણ મળશે. મંત્રાલયે કહ્યું કે રમઝાનમાં બે વખતથી વધુ ઉમરાહ કરવા માટે કોઈ પરમિટ આપવામાં આવી નથી. આ સિવાય સાઉદી અરેબિયામાં સત્તાવાળાઓએ રમઝાન દરમિયાન લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને અનેક પગલાં લીધા છે.

અગાઉ મસ્જીદમાં ઈફ્તાર પર લગાવી હતી રોક

જો કે, રમઝાન પહેલા સાઉદી અરેબિયાએ મોટો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત મસ્જિદોની અંદર ઈફ્તાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રમઝાન મહિનો મુસ્લિમો માટે ધાર્મિક રીતે શુભ મહિનો માનવામાં આવે છે. ઇસ્લામના અનુયાયીઓ માટે, રમઝાનમાં રોઝો રાખવો એક ફરજ છે અને એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ઇબાદતનું વધુ ફળ મળે છે. રમઝાન મહિના પછી સાઉદીમાં 9મી એપ્રિલે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *