રાજ્યમાં મજબૂત અને વિશાળ પાયા પર ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા ગ્રાહક ક્લબો ઉભા કરીને સરકાર માન્ય કોલેજોના વિદ્યાર્થીઓને વિવિધ ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓમાં સાંકળીને તેમને ગ્રાહક શિક્ષણ આપવાની અગ્રલક્ષી પદ્ધતિ વિસ્તારવા માટે ધોરાજીની કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યો તેમજ કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજના કોલેજના પ્રોફેસરો દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોને ગ્રાહક જાગૃતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ ગ્રાહક ક્લબ મારફત મેળવેલી માહિતીનો પોતાના મિત્રો તથા પોતાના સંબંધિત વિસ્તારમાં રહેતા લોકોમાં પ્રચાર કરીને તેમનામાં ગ્રાહક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે.
અહેવાલ :- રશમીનભાઈ ગાંધી, ધોરાજી