*ડોક્ટર્સ ડે : પહેલી જુલાઈ !* ઉમદા ને આશીર્વાદના અધિકારી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત

*ડોક્ટર્સ ડે : પહેલી જુલાઈ !*

ઉમદા ને આશીર્વાદના અધિકારી એવા વ્યવસાય સાથે સંકળાયેલા તમામને બિરદાવવાની એક ઉત્સવ પૂર્ણ તારીખ છે : જુલાઇ ૧ ! એ તમામ માનવતાવાદી ડોક્ટર્સને મારા વંદન છે કે જેઓ ખરા અર્થમાં પોતાના વ્યવસાયને લોકોના જીવ બચાવવાના યજ્ઞ કે સેવા દ્વારા પોતાનું કર્તવ્ય પૂરું કરે છે.

ડોક્ટર બળવંત ભાઇ જોશી, ડો, ઇલાવિયા, ડો. સંજય પરીખ અને એવા કંઈ કેટલાય દાક્તરો હશે જેમણે નિસ્વાર્થ ઉપરાંત સરસ મજાની સારવાર દ્વારા પુષ્કળ દર્દીઓને નવજીવન બક્ષ્યું છે ! ઘણાખરા ડૉક્ટરો પોતાના પરિવારના, સમયના, સ્વાસ્થ્યના અને સામાજિક જીવનના ભોગે પણ ઉત્તમ કહી શકાય તેવી : ખાસ તો ભગવાન પછીની : પદવી પ્રાપ્ત કરી, વટભેર, ગર્વથી જેમનું નામ આપી શકાય તેવા માનવતાવાદી કાર્યો દ્વારા પ્રજામાં મુઠ્ઠી ઊંચેરું, અલાયદું અન પૂજનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે !

પરંતુ અમુક એવા – પૈસાના લાલચુ – ડોકટરોને નમ્ર અરજ એ છે કે, દર્દીની સારવાર માટે જરૂરી તમામ રકમ મેળવવા આપશ્રી હકદાર છો જ પરંતુ એ સિવાય મરેલા દર્દીઓને પણ ખોટી રીતે દાખલ કરીને વિવશ, મજબૂર કે લાચાર એવા દર્દી અને તેમના આપ્તજનો પાસેથી યેનકેન પ્રકારે માત્ર ને માત્ર રૂપિયાને જ પ્રાધાન્ય આપી આ ઉમદા ડોક્ટરી સારવારનો વ્યવસાય છે તેમને કલંક લગાડી રહ્યા છો ; તો તે બંધ કરો. આજકાલ કોર્પોરેટ હોસ્પિટલ પ્રકારનું જે culture વિકસી રહ્યું છે, એ માટે “અમુક ડોક્ટરો જ” પોતાની દાક્તરી સેવા કે શાખ ભૂલીને “દલાલ” પ્રકારનું વર્તન કરી રહ્યા છે જે સમગ્ર સમાજ પર કાળી ટીલી રૂપ છે ! (જે ડોક્ટર્સએ ગરીબ, આર્થિક રીતે અસમર્થ કે નિસહાય લોકોની હાય લીધી છે તેઓ આજની કઈ અવદશા માં પીડાઈને જીવી રહ્યા છે તે સૌને માલૂમ છે જ ). અન્ય ડોક્ટરો ભેગા થઈ બિન-માનવતાવાદી કહેવાતા દાક્તરનો બહિષ્કાર કરી બાકીના ડોક્ટરોની ઈજ્જત + શાખ + નામના અને પ્રતિષ્ઠા સમાજમાં પ્રસ્થાપિત કરે ! આપમાંથી ઘણા લોકોનો હોસ્પિટલ પ્રત્યેનો કડવો અનુભવ હશે જ એટલે જ એવા નિર્લજ્જ કે ઇન્સાનિયત માટે ખતરારૂપ છે તેવા ડો.ને મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરવી પડે છે કે, તમે જેની જરૂર નથી તેવી દવાઓ / સારવાર કે ઉપકરણો એટલા માટે ન વાપરો કે જેથી લાચાર / મજબૂર / વિવશ માણસોની બદદુઆનો ભોગ બન્યા વિના પોતાનું પારિવારિક અને સાંસારિક જીવન માનભેર અને ગૌરવભેર તેમજ ethically પ્રેક્ટિસ દ્વારા ડોક્ટર્સની ભાવિ પેઢી માટે એક સરસ મજાનો દાખલો બેસાડી શકો અને પ્રેરણાનું ઝરણું વહાવી શકો.

ફરી વખત કહું છું કે, તમામ ડોક્ટર્સ ખરાબ નથી હોતા પરંતુ જે લાલચુ અને માત્ર ને માત્ર પૈસાને પ્રાધાન્ય આપીને, વખાના માર્યા દર્દી તેમજ તેમના સગાની આંતરડી ન કકળાવે અને ખરા અર્થમાં સ્નેહ ભરી, સારવાર કે શુશ્રુષા આપે ને તેઓ પોતાનો *ખરો જીવન ધર્મ સમજે* તથા સમાજ ઉપર પોતાનું ઋણ અદા કરવાનો મોકો મળ્યો છે તેમ સમજી દુખીયાઓની સેવા સારવાર કરે.

આ પોસ્ટ દ્વારા તમામ ડોક્ટર્સ કે સારવાર સાથે સંકળાયેલા વ્યક્તિઓ પોતાના હૃદયમાં જુએ ને જો તે ખોટા નથી તો બંધ બેસતી પાઘડી ન પહેરે તેવો અનુરોધ ! છતાં પણ જે કોઈ ડૉક્ટરને કે ડોક્ટરી સારવાર સાથે સંકળાયેલા વ્યવસાયમાં જોડાયેલા લોકોને આ લખાણ ન ગમે તો મને જવાબ આપ્યા વગર પોતાના કાર્ય દ્વારા જ પોતાની પ્રતિષ્ઠા બચાવે અથવા પ્રતિષ્ઠા વધારે. અસ્તુ – નિલેશ ધોળકિયા.

સંકલન. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •