સેતુબંધ રામેશ્વરમ,ક્રમમાં સાતમું
જ્યોતિર્લિંગ,ઓલાઇકૂડ રોડ તમિલનાડ હોટલ
પાસેથી આરંભ કરતા બાપુએ જણાવ્યું કે
યાત્રા કરીને આજે ભગવાન રામેશ્વરની શરણમાં આવ્યા છીએ.હનુમંતેશ્વર,રામેશ્વર,જગદંબા ભવાની ત્રણેને પ્રણામ સાથે પાંચમાં દિવસે બધાની તબિયત પૂછીને બાપુએ કહ્યું કે આ ભૂમિ સાથે પાંચ વસ્તુ જોડાયેલી છે:૧-આ પરાક્રમની ભૂમિ છે.૨-આ એકતાની ભૂમિ છે.૩-પ્રકાશની ભૂમિ તો છે જ.બારે જ્યોતિર્લિંગ પ્રકાશ છે,જેમ કાશી જ્ઞાનભૂમિ છે,રામેશ્વર બોધભૂમિ છે એમ ૪-આ જ્ઞાનભૂમિ છે અને ૫-આ ભાવભૂમિ છે.અહીં આવવાથી આપણને પાંચ વસ્તુની પ્રેરણા મળે છે.આ શિવલિંગને કાશી રામેશ્વરમ પણ કહેવાય છે.આ કાશી અને રામેશ્વરનું ઐક્ય છે.આ પાંચેયની આપણને ખૂબ જ જરૂર છે. પાંચમા પડાવ પર પંચ પ્રેરણા:એકતા,બોધ,પરાક્રમ, ભાવ અને પ્રકાશમાં રહેવાની મળે છે.રામ,કૃષ્ણ,શિવ ત્રણેય પરમાત્મા છે,એક જ છે.પણ ત્રણેયની પ્રાપ્તિ માટે શાસ્ત્ર સૂત્રપાત કરે છે એ ભિન્ન-ભિન્ન છે.રામની પ્રાપ્તિ જ્ઞાનથી થાય છે,પણ એનો મતલબ એ નથી કે પ્રેમથી પ્રાપ્ત ન થાય.કૃષ્ણ ભાવથી અને શિવની પ્રાપ્તિ બોધથી થાય છે.જો કે ત્રણેય જ્ઞાન બોધ અને ભાવથી મળે જ છે.પણ એક ખાસ દર્શન માટે ત્રણ બિંદુ છે.રામની પ્રાપ્તિ માટે રામચરિત માનસની અહલ્યા કહે છે:
જ્ઞાનગમ્ય જય રઘુરાય.
શિવ માટે કહે છે: વંદે બોધમયં નિત્યં ગુરું
વિનય પત્રિકામાં તુલસીદાસજી કહે છે:
વામદેવં ભજે ભાવગમ્યં.
આ સંકીર્ણ નથી પરસ્પર છે.
શંકરં સંપ્રદં સજ્જનાનંદકં શૈલ કન્યાવરં પરં રમ્યં કામમદમોચનં કામરસમોચનં વામદેવં ભજે ભાવગમ્યં
ભીષણ કળિયુગ હોય ત્યારે વારંવાર દુકાળ પડે છે. જ્યાં પાપ હોય ત્યાં દુકાળ પડે એ સમજાય પણ જનકપુરમાં કેમ દુકાળ પડે છે?ત્યાં તો પાપ પણ નથી પાપી પણ નથી!ભગવાન રામ કહે છે જ્યાં જ્ઞાન, સૌંદર્ય,ધર્મશિલતા,સંત હ્રદય હોય પણ ભક્તિ ભાવના નથી ત્યાં દુકાળ પડે.સમસ્યાનું હલ-ઉકેલ માટે જનક અને સુનયના હળ જોડીને ભૂમિને ખેડે છે એ વખતે હળ એક ઘડા સાથે ટકરાય છે,ઘડો ફૂટે છે, જાનકીજીનું પ્રાગટ્ય થાય છે.ઘડો એટલે કુંભ તેમજ હૃદય પણ કહી શકાય.સુનયનારૂપી બુદ્ધિ વિદેહની સાથે મળીને હળ જોડે એ કોઈ હૃદય સાથે ટકરાય ત્યારે ભાવરૂપી જાનકી પ્રગટ થાય છે.
રામેશ્વર વિશે પુરાણો ઇતિહાસમાં વિવિધ કથાઓ છે એમાંથી એક સંભળાવીને આપણે અભિષેક કરીએ.દરેક કલ્પમાં રામ અવતાર છે. દરેક કલ્પમાં થોડી થોડી કથાઓ બદલે છે ભારતનો વિચાર પહેલા સેતુ બનાવો અને પછી જ અનિવાર્ય હોય તો સંઘર્ષ, કરવો પડે તો કરવો. સત્યનો સાર પકડો.માણસ જેટલો મહાન એટલી એની પીડા વધારે હોય છે.સેતુબંધ પછી રામ ઉપરથી ખુશ છે પણ એક ઋષિ જુએ છે કે અંદરથી ખૂબ પીડિત છે.મુરાદાબાદીનો શેર છે:
દૂર સે દેખો તો લગતા હે સમંદર;
નજદીકસે દેખો તો પ્યાસા ભી બહોત હે!
જો બાંટતા ફિરતા હે જમાને મેં ઉજાલે;
ઉનકે દામન મેં અંધેરા બહોત હે!
કૃષ્ણ ઉપર નજીકના ખૂબ આક્ષેપ કરતા હતા કૃષ્ણની પીડા અદીઠ હતી.ઘણી વાતો બજારમાં વહેંચી શકાતી નથી,કોને વ્હાલી દવલી વાતો કરવી?કાન છે ત્યાં પણ કર્ણપ્રેત બેઠા છે!આજે આખો દેશ પ્રતીક્ષામાં છે કે જાન્યુઆરી આવે અને અયોધ્યા અયોધ્યામાં ઘંટારવો વાગે.હિંસા ક્યારેય સુખદ નથી હોતી,જયજયકાર ખટકે છે.
લોકમાન્ય તિલકનું ઉદાહરણ આપતા બાપુએ કહ્યું કે એક વખત કોઈ મિશનરીના ચર્ચમાં લોકમાન્ય પાણી પીવે છે અને બ્રાહ્મણ સમાજ બળવો કરે છે કે વિધર્મીઓનું પાણી પીધું! ગેરસમજ બહુ જ પીછો કરશે જ.મોટા હોવાનો ટેક્સ બહુ જ ચૂકવવો પડે છે. પછી તો તિલક પણ પ્રાયશ્ચિત કરે છે.
આટલી અગમ યાત્રા ખૂબ જ સુગમ થતી જાય છે. કોણ કરી રહ્યું છે?આગળ પોથી છે,પાછળ હનુમાન છે,વચ્ચે આપણો ભરોસો છે. રામચરિત માનસમાં પાંચ વખત જ્યોતિ શબ્દ આવે છે.હિંસા ક્યારેય સુખદ નથી હોતી.જયજયકાર ખટકે છે.ઋષિ વારંવાર પૂછે છે અને જ્યારે ઉપર ઉપરથી આનંદિત દેખાતા રામની પીડા રામ ખુદ કહે છે કે એક માત્ર સીતાને મેળવવા માટે મારા હાથે કેટલી હિંસા કરવી પડી!આ પીડા છે,આ રામ છે.એટલે યુગોથી ગવાય છે.રામ અને જાનકી ભિન્ન નથી તો પણ લીલા કરવા માટે પણ મારે નિમિત બનવું પડ્યું છે. હનુમાનને કહેવામાં આવે છે કૈલાશ જઇને શિવની આત્મલિંગ જ્યોતિ લાવવા માટે,પણ હનુમાન ગેરસમજ કરે છે એવું સમજે છે કે શિવના હાથથી જ્યોતિ લાવવી. કૈલાશ ગયા,શિવને શોધે છે,તપ સાધના કરી;શિવ પ્રગટ થાય છે.કહે છે તમારા હાથથી શિવલિંગ આપો અને એટલી વારમાં અહીં લંકાના કિનારે ઋષિમુનિઓ અને બ્રાહ્મણો કહે છે કે શિવલિંગની સ્થાપનાનું મૂહર્ત જઈ રહ્યું છે.એ દિવસ હતો જેઠ શુકલ દસમી.ઋષિઓ એક વિકલ્પ આપે છે સમુદ્રની રેતીમાંથી જાનકીજી શિવલિંગ બનાવી અને જાનકીજીની સમગ્ર શક્તિ અંદર ઉતરે છે.શિવલિંગ નિર્માણ થાય છે.આરતી ઉતરતી હોય છે અને હનુમાન શિવલિંગ લાવે છે.પણ અહીં પ્રતિષ્ઠા થઈ ગઈ છે.આ બધી જ લીલા છે.લેવા ગયો એ (હનુમાન)પણ શિવ છે,લાવવામાં આવ્યા એ પણ શિવ છે.હનુમાનની નારાજગી જોઈને રામ કહે છે કે તારી પૂંછડીથી આ શિવલિંગને હટાવ.ત્રણ આંટા પૂંછડીથી શિવલિંગ હટાવવાનો પ્રયત્ન કરે છે નિષ્ફળ જાય છે.જાનકીજીનું સ્થાપેલું શિવલિંગ હટતું નથી ત્યારે હનુમાનજી એની બાજુમાં પોતે લાવેલા શિવલિંગની સ્થાપના કરે છે.એ વખતે ભગવાન કહે છે કે તારા લાવેલા શિવલિંગનું દર્શન કર્યા પછી જ આ રામેશ્વરની પૂજા પૂરેપૂરી સંપૂર્ણ થાશે.ત્યારથી રેતીમાંથી શિવલિંગ બનાવી તેની પાર્થિવ પૂજાની શરૂઆત થઈ. મેં પણ ઘણી જ આ પ્રકારે પૂજા કરી છે. કૈલાશ કહો કે કાશી આ એકતા છે,સંગમ છે, સેતુબંધનું નિર્માણ છે. બધા જ એકબીજાને ભાવ જગતમાં જુએ,પરાક્રમી બને,ભેદમુક્ત બને એ જ આ રામેશ્વરની પૂજા છે.
સંક્ષિપ્તમાં શિવ વિવાહની કથા વખતે બાપુ કહે છે કે શિવજીનો શૃંગાર એ રુદ્રાષ્ટકમાં દર્શાવેલા અલગ અલગ જ્યોતિર્લિંગોનું વર્ણન છે. જોકે રુદ્રાષ્ટકની રચના કોણે કરી એ હજી શોધી શકાયું નથી. તુલસીદાસજી લખે છે પણ મૂળ રામચરિત માનસની રચના શંકરે કરી છે અને શિવજી પોતાના જ અષ્ટકની રચના ન કરે આથી રુદ્રાષ્ટક એ અગમ્ય છે. શિવવિવાહની સંક્ષિપ્ત કથા સાથે આજે વિરામ થયો
હવે કથાયાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે,દક્ષિણનાં વિશ્વપ્રસિધ્ધ મંદિર તિરુપતિ બાલાજી-તિરૂમલામાં દર્શનલાભથી નવપલ્લવિત થઇને ૩૧ જૂલાઇ સોમવારે દારુકવન સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગમાં સવારે ૧૦ વાગ્યે છઠ્ઠા દિવસની કથાનું ગાન થશે.
Box
કથાવિશેષ:
જ્યાં આગામી છઠ્ઠો પડાવ છે,તે નાગેશ્વર જ્યોતિર્લિંગનો એક ઇતિહાસ.
હવેનું ઔંધા-નાગનાથ પુરાણોમાં પ્રસિદ્ધ ત્રણ નાગેશ્વરોમાંનું એક છે.
ઔંધા નાગનાથ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર(મહારાષ્ટ્ર)
ઔંધા નાગનાથ શહેરમાં આવેલું,ઔંધા નાગનાથ નાગેશ્વર મંદિર મહારાષ્ટ્ર રાજ્યના હિંગોલી જિલ્લામાં આવેલું ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે.ભગવાન નાગનાથ અથવા ભગવાન શિવ આ દિવ્ય મંદિરના મુખ્ય દેવતા છે.
આ પ્રખ્યાત ઐતિહાસિક મંદિર હિંગોલીથી ૩૦ કિમી,પરભણીથી ૫૦કિમી અને નાંદેડથી લગભગ ૬૪કિમીના અંતરે આવેલું છે.
આદિગુરુ શંકરાચાર્યએ આ જ્યોતિર્લિંગને નાગનાથના રૂપમાં વ્યક્ત કર્યું છેઃ
“યમયે સદાંગે નાગરતિર્મયે વિભુશિતાંગમ વિશદશ્વચ ભોગાઇ સદ્ભક્તિમુક્તિપ્રદીમસ્મેકમ શ્રીં ગંગનમ્ શરણં પ્રપદ્યે”
અર્થ: તે દક્ષિણ ‘યમાય’માં ‘સદંગા’ નગરમાં આવેલું છે,જે મહારાષ્ટ્રના ઔંધ ભાગનું પ્રાચીન નામ હતું, તે જાગેશ્વર મંદિરની દક્ષિણે અને ઉત્તરાખંડમાં દ્વારકા નાગેશ્વરની પશ્ચિમે આવેલું છે.
તેથી જ આ બંને વચ્ચે મહારાષ્ટ્ર-ઔંધામાં દર્શાવવામાં આવ્યું છે.
Box:
ગેરસમજ બહુ જ પીછો કરે છે મોટા હોવાનો ટેક્સ ચૂકવવો જ પડે છે:મોરારિબાપુ
હું વ્યાસપીઠ અને મારા શ્રોતાઓ માટે બોલું છું બધાથી એક વિવેકપૂર્ણ-સન્માનજનક અંતર રાખું છું પણ લોકો પોતાની રીતે અર્થ લગાવી લગાવે છે!
મારા શબ્દોનું ખોટું અર્થઘટન થાય ત્યારે ઘણી ગેરસમજો ઊભી થાય છે:મોરારિબાપુ
આજે કથામાં રામેશ્વરમ ખાતે પૂજ્ય મોરારી બાપુએ પીડા સાથે ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા.છેલ્લા કેટલાક દિવસોથી મોરારિબાપુની દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા ચાલી રહી છે અને તે દરમ્યાન પત્રકારો દ્વારા બાપુને એવું પૂછવામાં આવતું રહે છે કે એમની કથા સાંભળી કેટલા લોકોમાં પરિવર્તન આવે છે ? આવા પ્રશ્નોના જવાબ રૂપે બાપુ કહેતા હોય છે કે હું પ્રાથમિક શાળામાં શિક્ષક રહ્યો છું અને કોઈ બાળકને ત્રીસગુણ મળે તો પાંચ કૃપાગુણ ઉમેરી પાસ કરી શકાય.એમ જો કથામાં શ્રોતાઓમાં ૩૦ ટકા પરિવર્તન થાય તો બાકીના પાંચ ગુણ મહાદેવ ઉમેરીને તેને પાસ કરશે.બાકી અન્ય કોઈ વ્યક્તિ,સંસ્થા કે વિચારધારા વિશે હું કયારેય નથી બોલ્યો.એમનો જવાબ સ્પષ્ટપણે કથાના શ્રોતાઓના સંદર્ભમાં હોય છે.પરંતુ બાપુએ કહ્યું કે ક્યારેક-ક્યારેક આ વાત જુદા જ ક્ષેત્રને લાગુ કરવામાં આવે ત્યારે ઘણી મોટી ગેરસમજ ઉભી થતી હોય છે.એમણે કહ્યું હતું કે એમનો જવાબ કથા સાથે જોડાયેલા યુવાન શ્રોતાઓના સંદર્ભમાં હોય છે.
બાપુએ જણાવ્યું હતું કે એમની વ્યાસપીઠ સૌની સાથે એક પ્રમાણિક અંતર જાળવે છે અને સૌના માટે આદર ધરાવે છે.તેમ છતાં ક્યારેક કોઈ વાત જુદી રીતે પ્રસ્તુત કરવામાં આવે અને જે ગેરસમજ ઉભી થાય તે સર્વથા દુઃખદાયક હોય છે.આમ આજની કથામાં અવ્યક્ત પીડા રંજ વ્યક્ત કર્યો.