હરિનામ અને હરિભજન સંચિત,પ્રારબ્ધ અને ક્રિયમાણ કર્મ-બધું જ મટાડી દે છે.

જ્યાંથી આપણે લિફ્ટ થયા છીએ એ પ્રેરણાતત્વને ન ભૂલશો.
આપણા જીવનની શુભયાત્રાનો જે બિંદુથી,જે ઘટનાથી ઉઘાડ થયો છે એ પ્રેરણાના સ્રોતને ન ભૂલશો.
રામકથાનો પાંચમો દિવસ.ગઈકાલે અહીં એક નાનકડો કાર્યક્રમ થયેલો એ વિશે વાત કરતા બાપુએ જણાવ્યું કે અહીંનો રામ કબીર પરિવાર જે તિલક, ગળામાં માળા,ઇષ્ટમંત્ર,સંત દર્શન,સત્સંગ આ બધું કરે છે.એ ક્યારેય ન ભૂલતા.
બાપુએ કહ્યું કે દાદાએ કહેલું કે આટલી વસ્તુ ક્યારે ભૂલીશ નહીં:
જન્મ આપનાર મા બાપ ને ન ભૂલતો.જન્મભૂમિ ક્યારેય ન ભૂલીશ.જીવ ઈશ્વરનો અંશ છે એ ન ભૂલતો.યોગી અને જ્ઞાનીઓ કહી શકે કે અહમ બ્રહ્માસ્મિ-હું બ્રહ્મ છું,પરંતુ આપણા માટે આપણે ઈશ્વરનો અંશ છીએ.
ઈશ્વર અંસ જીવ અબિનાશી; ચેતન અમલ સહજ સુખરાસિ.
હું ચેતનાઓથી ભરેલો નિર્મલ છું.હું પરમ ચૈતન્યનો ટુકડો છું.ક્યારેય એવું ન માનતા કે હું પાપયુક્ત છું, આવું આત્મસાત ના કરતા પણ એવું માનજો કે, આપણે મળમુક્ત-નિર્મલ છીએ.
રામરક્ષા સ્ત્રોતનો એક-એક અક્ષર મહાપાતકનો નાશ કરે છે તો આપણા પાછલા જન્મના કર્મોને પણ ખતમ કરતું હશે?બાપુએ કહ્યું કે સંચિતકર્મ,પ્રારબ્ધ કર્મ ક્રિયમાણ કર્મ-ત્રણેય કર્મણ ખતમ થઈ જાય છે. લોકો કહે છે કે પ્રારબ્ધકર્મ,સંચિતકર્મ અને આ ચાલુ નિરંતર ક્રિયમાણ કર્મ તો ભોગવવું જ પડે!પણ હરિનામ અને હરિભજન એ બધું જ મટાડી દે છે, આમાં વચ્ચે શાસ્ત્ર ના લાવતા.કળિયુગના સમસ્ત મળને રામચરિત મિટાવી દે છે.સુખ માટે ભટકવાની જરૂર નથી.હું જ સુખની ખાણ છું,હું સ્વયં સુખ છું એ વાત યાદ રાખજે.આપણે ઈશ્વરના અંશ છીએ. આપણે કોઈ પરમના,કોઈ પરમનો હિસ્સો છીએ એ પણ યાદ રાખજે.આપણા બુધ્ધપુરુષને ક્યારેય ન ભૂલતો.જેના ચરણોમાં કોઈ વિદ્યા,સંગીત,નૃત્ય કંઈ પણ શીખ્યું હોય એને ના ભૂલશો.બીજા ઉપર કરેલો અપકાર અને બીજા એ આપણા ઉપર કરેલો ઉપકાર ક્યારેય ન ભૂલશો.જ્યાંથી આપણે લિફ્ટ થયા છીએ એ પ્રેરણાતત્વને ન ભૂલશો.આપણા જીવનની શુભયાત્રાનો જે બિંદુથી,જે ઘટનાથી ઉઘાડ થયો છે એ પ્રેરણાના સ્રોતને ન ભૂલતો.
બાપુએ જણાવ્યું કે ગંગા ક્યાંથી પ્રગટ થાય છે?આમ તો ગૌમુખથી,પણ એનાથી પણ આગળ વિચારીએ તો કૈલાશથી,શિવની જટામાંથી,સૂક્ષ્મ રૂપમાં શિવની પ્રજ્ઞામાંથી,જ્ઞાનમાંથી,સ્વર્ગથી પ્રગટે છે.બ્રહ્માના કમંડળમાંથી,વિષ્ણુના નખકમળથી નીકળે છે.આથી એ નખનિર્ગતા કહેવાય છે અને સમસ્ત લોકને પાવન કરે છે.પરંતુ આગળ વધતા વધતા એ સમુદ્રમાં કેમ સમાઈ જાય છે? કારણ કે ત્યાં વિષ્ણુ શેષનાગ ઉપર શયન કરે છે,એના ચરણ કમળને ગંગા ભૂલતી નથી.દાદાએ કહ્યું કે હરિનામને ન ભૂલતો.
એક વખત ભગવાન શંકર અને પાર્વતી પૃથ્વિ ઉપર નીકળે છે એ વાત પણ બાપુએ કરી.બાપુએ કહ્યું કે શૃંગાર વૈરાગ્યના મુખમાં જ શોભે છે.શિવ જેવો કોઈ વૈરાગી નથી પરંતુ બધા જ પ્રકારના ભોગવિલાસ કરે છે એવું તુલસીજી લખે છે.
કામ કોહ કલિમલ કરિગન કે;
કેહરિ સાવક જન મન બન કે.
અતિથી પૂજ્ય પ્રિયતમ પુરારિ કે;
કામદ ઘન દારિદ દવારિ કે.
રામચરિત ચિંતામણિ ચારુ…
માનસનું રામચરિત શું છે?આપણા જીવનમાં જે કામ,કામનાઓ,ક્રોધ કળિયુગના મળ રૂપી મોટા-મોટા હાથીઓના ઝુંડ છે,કલિ પ્રભાવને કારણે આવ્યા છે, રામચરિત એના માટે સિંહનું બચ્ચું છે.દરેક પંક્તિ એક-એક થી વધે એવી છે:
અતિથી પૂજ્ય પ્રિયતમ પુરારી કે;
કામદ ઘન દારિદ દવારિકે.
ભગવાન શિવ માટે રામચરિત પૂજનીય અતિથિ છે.
જેના જીવનમાં દાવાનળ પ્રગટ્યો હોય,પછી એ વિચારોની દારીદ્રતા હોય કે બીજી કોઈ પણ દારિદ્રયતા હોય ત્યાં રામચરિત કામનાઓને પૂરા કરનાર વાદળ છે.
હરિનામ હરિભજન આદત બની જાય તો…
એક વખત શિવ અને પાર્વતી પૃથ્વી ઉપર ફરવા નીકળ્યા.શિવને કથા સાંભળવાની ઈચ્છા હતી. નીલગીરી પર્વત પર ગયા અને હંસનો વેશ ધારણ કરી અને પરમહંસ કાગભુશુંડી પાસે કથા સાંભળી એ વાત કરે છે.અને એ વખતે દુનિયામાં અત્યાચાર મારામારી આ બધું જોઈ અને શિવને ગુસ્સો આવ્યો. એ કહે છે કે હું સંહાર કરી દઉં.પાર્વતી કહે છે કે આ મારા સંતાનો છે.સંહાર ન કરતા એને થોડો દંડ આપો ત્યારે શિવજી કહે છે કે હું શંખ વગાડવાનું બંધ કરી દઈશ.કારણ કે શંખ વગાડું છું તો વરસાદ પડે છે. શિવજીએ શંખ વગાડવાનું બંધ કર્યું.થોડા સમય પછી નારદ ફરવા નીકળ્યા એણે જોયું દુકાળ પડ્યો છે.પ્રજા પીડાઈ રહી છે.ત્રણ વર્ષ વીતી ગયા છે આવી અને શિવને વાત કરી.એ વખતે શિવ ફરી પૃથ્વી ઉપર જોવા નીકળે છે.એક ખેડૂત હળ જોડીને પોતાના ખેતરમાં બીજ વાવી રહ્યો છે.શિવજીએ વેશપલટો કરીને પૂછ્યું કે તને ખબર નથી વરસાદ થતો નથી તો ય કેમ અનાજ વાવે છે? ત્યારે ખેડૂતે કહ્યું કે મારી આદત છૂટવી ન જોઈએ! અને શિવજીએ વિચાર્યું કે ક્યાંક મારી પણ આદત,શંખ ફૂંકવાની આદત છૂટી ન જાય! અને એણે શંખ વગાડ્યો અને ફરી વરસાદ ચાલુ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *