વડાપ્રધાનના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમના જીવંત પ્રસારણમાં રાજપીપલાના વિદ્યાર્થીઓ જોડાયા
રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાનના ટાઇમ મેનેજમેન્ટ અંગે પુરુ પાડેલું માર્ગદર્શન
રાજપીપલા.તા28
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મુંઝવતા પ્રશ્નોના સમાધાન માટે દિલ્હી ખાતેથી ઓનલાઇન માધ્યમથી શિક્ષકો અને વાલીઓ સાથે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ સવારે ૧૧ કલાકે યોજાયો હતો. જેમાં નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે નવદુર્ગા હાઇસ્કુલના સભાખંડમા સવારે ૧૦=૩૦ થી બપોરના ૧ કલાક દરમિયાન જિલ્લા કક્ષા અને નાંદોદ તાલુકા કક્ષાનો “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૯ થી ધોરણ ૧૨ નાં કુલ-૫૪૪ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
“પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમા જીવંત પ્રસારણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશ ભરના વિદ્યાર્થીઓ દ્વારા પુછાયેલા પ્રશ્નોનો તથા તેમની મૂંઝવણો અંગે સુંદર અને ઉપયોગી ઉદાહરણો સાથે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
“પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં ઉપસ્થિત નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે શાળાના વિધાર્થીઓને શાળાકીય પરીક્ષા તેમજ બોર્ડની પરીક્ષા ભયમુક્ત વાતાવરણમાં કેવી રીતે આપી શકાય તેમજ ટાઇમ મેનેજમેન્ટનો શિક્ષણમાં ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ તેના વિષે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાળાના આચાર્યા શ્રીમતી રીનાબેન પંડ્યાએ પુસ્તક અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આર્ટ અને ક્રાફ્ટ સ્પર્ધાના વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા