13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી

ગાંધીનગર: 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જેમ એક એક બૂંદથી ઘડો ભરાય છે એમ એક એક મતથી સરકાર રચાય છે. પ્રત્યેક મતદાતા દ્વારા તર્કબધ્ધ નિર્ણય અને પ્રબુદ્ધતાથી કરાતા મતદાનથી જ રાજ્ય અને દેશ સશક્ત બને છે. પ્રત્યેક મતદાતાના પોતાના મતના મહત્વને સમજીને રાષ્ટ્ર નિર્માણમાં લોકકલ્યાણ હેતુ માનવતાની ભલાઈ માટે થતા મતાધિકારના ઉપયોગથી અખંડ, સશક્ત અને મહાન રાષ્ટ્રનું નિર્માણ થાય છે.
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી હોલમાં આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ,મહેમાનો, મહાનુભાવો તથા યુવા મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તના શપથ લેવડાવ્યા હતા. અધ્યક્ષીય ઉદબોધનમાં તેમણે કહ્યું હતું કે, દુનિયાના સૌથી વિશાળ લોકશાહી દેશ ભારતની જનતાને સ્વતંત્રતાપૂર્વક મત આપવાનો અધિકાર છે. આઝાદી મળી ત્યારથી આ મહાન દેશમાં નિયમિત અને યોગ્ય રીતે ચૂંટણીઓ યોજાય છે. ભારતની લોકશાહી હવે પરિપક્વ થઈ છે. ભારતની જનસંખ્યા, ભાષાના વૈવિધ્ય, ભૌગોલિક ભિન્નતા છતાં તમામ મતદારો સ્વતંત્રતાપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જેનું આપણને ગર્વ છે અને દુનિયા આશ્ચર્યચકિત છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાષ્ટ્રનું ભવિષ્ય કેવું હોવું જોઈએ? દેશની સત્તા કોના હાથમાં સોંપવી જોઈએ? એનો નિર્ણય સમજદાર અને વિવેકશીલ મતદાતા કરે છે. વ્યક્તિગત હિતને બાજુએ મૂકીને, રાજ્ય અને રાષ્ટ્રના હિતને સર્વોપરી માનીને, નિસ્વાર્થ ભાવે, પરોપકાર ભાવથી થતું મતદાન આત્મનિર્ભર ભારતની વિકાસ ભણીની તેજ ગતિમાં મતદાતાનું વ્યક્તિગત પ્રદાન છે. ભારતની ગરિમાપૂર્ણ પ્રગતિ ભારતના મતદાતાના નિર્ણય અને અભિપ્રાયથી વધુ ઉન્નત થઈ છે.
તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ એક પણ અનિચ્છનીય દુર્ઘટના વિના, કોઈ ફરિયાદ વિના અને એક પણ મતદાન મથક પર પુનર્મતદાન વિના સફળતાપૂર્વક યોજાઈ ગઈ. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની ટીમ અને ભારતના ચૂંટણી પંચની ટીમને આ માટે અભિનંદન. અનેક ભૌગોલિક વિષમતાઓ છતાં, અંતરના પ્રશ્નો હોવા છતાં, વિપરીત પરિસ્થિતિઓ અને પડકારો વચ્ચે પણ ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓના સંનિષ્ઠ પ્રયાસો અને કર્તવ્યનિષ્ઠાથી જ આ મહાન દેશમાં ચૂંટણી જેવી જટિલ કામગીરી હવે સરળતાથી સંભવ બને છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ચૂંટણીઓમાં દિવ્યાંગ મતદારો માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. 18 વર્ષથી વધુ વયની વ્યક્તિ જાતિ, વર્ગ કે ભાષાના ભેદભાવ વિના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તો આ વિશ્વમાં ભારતની પ્રતિભાને વિશેષ સ્થાન અપાવી શકીશું. રાષ્ટ્રીય મતદાતા દિવસને પોતાના મતાધિકાર પ્રત્યે વિશેષ સજાગતા અને સમજદારી કેળવવાના દિવસ તરીકે ગણાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રાસંગિક ઉદ્બોધન કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વની સૌથી મોટી અને ગૌરવવંતી લોકશાહી તથા કરોડો મતદારોના અધિકારની ઉજવણીનો કાર્યક્રમ છે. લોકતંત્રને છાજે તેવી વ્યવસ્થા સાથે કરોડો મતદારોના સહયોગથી શાંતિપૂર્ણ ચૂંટણીઓ સંપન્ન કરવામાં આવી છે. નાગરિકોની મતાધિકાર પ્રત્યેની કટિબદ્ધતા અને ચૂંટણી તંત્રના અધિકારીઓ – કર્મચારીઓની નિષ્ઠા બદલ તમામનો આભાર વ્યક્ત કરૂં છું.
વધુમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ઉમેર્યું કે, આજની થીમ ‘વોટ જેવું કંઈ નહીં, અમે વોટ જરૂર કરીશું’ ને અમલમાં મૂકી આવનારા સમયમાં લોકશાહીને શ્રેષ્ઠ બનાવવાની જવાબદારી સાથે આવો, મતદાર તરીકે આપણે સૌ અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈએ. આ પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ઈલેક્ટોરલ બેસ્ટ પ્રેક્ટીસીઝ, યુથ વોટર ફેસ્ટિવલ-2022 તથા નૅશનલ વોટર અવેરનેસ કોન્ટેસ્ટ-2022માં વિજેતા થનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા.
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી સંજય પ્રસાદના હસ્તે ચૂંટણી પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્વક અને સમર્પિતપણે કામગીરી બદલ જિલ્લા ચૂંટણી તંત્ર અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના અધિકારીઓ – કર્મચારીઓને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 5 જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા 2 પોલીસ અધિક્ષકશ્રીઓ, 3 નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, 9 ERO/AERO, 6 RO/ARO, 5 નોડલ ઑફિસર્સ,10 બુથ લેવલ ઑફિસર્સ, 2 મીડિયા સેન્ટર્સ, 2 કેમ્પસ એમ્બેસેડર્સ, ચેમ્બર ઑફ કોમર્સ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના 5 અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત યુથ વોટર ફેસ્ટિવલ-2022 તથા નૅશનલ વોટર અવેરનેસ કોન્ટેસ્ટ-2022માં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર સ્પર્ધકોને પણ મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી સંજય પ્રસાદના હસ્તે પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમારનો વિડીયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ભારતની લોકશાહીના મહિમાગાનસમુ ‘મૈં ભારત હૂં’ ગીત લૉન્ચ કરવામાં આવ્યું હતું.  રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક માણેક, ગાંધીનગર જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે., સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ.બી. પટેલ સહિત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ -કર્મચારીશ્રીઓ, કેમ્પસ એમ્બેસેડર્સ તથા મોટી સંખ્યામાં યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
——————-

TejGujarati