દુનિયામાં કોઈ કેટલો પણ દુષ્ટ હોય પ્રેમ કરવાનો અધિકારી છે. હરિશરણ-ગુરુશરણ એક જ વાત છે. નામ,હરિ,પાદૂકા,ક્ષમા,મૌન-આ પંચશરણ સલામતી આપે છે. રામકથામાં રામજન્મની કથાનું ગાન થયું

ધાર્મિક

 

પરમ પુણ્યમયી પરમપ્રેમમયી ભૂમિને પ્રણામ કરી પાંચમા દિવસે બાપુએ કહ્યું કે સંતગણ અને તુકારામજીની અભંગ ચેતનાઓને પણ પ્રણામ કરું છું.ગઈકાલે આપણે અભંગ પ્રેમ વિશે સંવાદિત ચર્ચાઓ કરેલી.રામચરિત માનસમાં તુલસીદાસજીએ એક જ પાત્રને વિશે પ્રશંસા અને નિંદા બંને શબ્દો લખ્યા છે.મારિચનો પ્રસંગ છે ત્યારે મારિચ પ્રશંશનીય પણ છે અને નીંદનીય પણ છે.રામ જ્યારે બાણનો પ્રયોગ કરે છે એ વખતે તુલસીજી મારિચને ખલ અને દુષ્ટ કહે છે અને એ પછી અભંગ પ્રેમી કહે છે.એક જ પ્રસંગ,એક જ વ્યક્તિ અને મારિચને બે-બે ઉપાધીઓ! દૃષ્ટ અને પ્રેમીની? હા,તુલસિજી આપે છે થોડું વિચિત્ર લાગે પણ ખરેખર વિચિત્ર નથી.કારણ કે તુલસીજી એવું કહેવા માંગે છે ભગવાન રામ, પરમાત્મા,ઈશ્વર,બ્રહ્મરામ એવો સંદેશો દેવા માંગે છે કે દુનિયામાં કોઈ કેટલો પણ દુષ્ટ હોય પ્રેમ કરવાનો અધિકારી છે.દુષ્ટ પણ ઇષ્ટ બની શકે છે.ગણિકા, અજામીલ,બ્યાધ,ગીધ,ગજ વગેરે એના ઉદાહરણ છે.તુકારામ મહારાજે પણ એક પદમાં કહ્યું છે કે હે વિઠ્ઠલ! જો કોઈ એવો જડજીવ.જડબુદ્ધિ છે એની ઉપેક્ષા ન કરતો,નાથ! અને પોતાના પાપોની ગણતરી ન કરો,કોઈ પરમ પુરુષની પ્રતીક્ષા કરો.અહલ્યાનો આ પ્રસંગ યાદ કરાવે છે.દુષ્ટ વ્યક્તિ પણ ઇષ્ટ બની શકે છે.ગઈકાલે આપણે એવા પાંચ સ્થાન જોયા કે જે રિસ્કી ફેક્ટર હતા.આજે પાંચ સલામત જગ્યાઓ વિશે વાત કરીએ.એક છે:નામેકં શરણમ્- ઈશ્વર અથવા ગુરુનું શરણ એ સલામતી આપશે. હરિશરણ. રામચરિત માનસમાં રામજી લક્ષ્મણને કહે છે કે જ્યાં ખૂબ જ અગાધ જળ ભરેલું છે ત્યાં માછલીઓ કેટલી સુખી છે,જે રીતે કોઈ હરિ શરણમાં ચાલ્યું જાય તો કોઈ વિઘ્ન આવતું નથી. હરિના શરણમાં કે ગુરુના શરણમાં એક જ વાત છે ક્યારેક હરીકૃપા સંતને મેળવી આપે છે ક્યારેક સંત કૃપાથી હરિની પ્રાપ્તિ થાય છે.પ્રેમમાં સ્વાતંત્ર્ય ઘણું છે.એકમાત્ર પ્રેમ સ્વતંત્ર છે,ભક્તિ સ્વતંત્ર છે પરમાત્મા પરતંત્ર છે.જ્યાં પ્રેમમાં બાંધવાની ચેષ્ટાઓ દેખાય છે ત્યાં દુષ્ટ વસ્તુ લિબાસ પહેરીને આવી છે એવું સમજજો.મોક્ષના દેશમાં બંધન કેમ?ભગતિ, ભગવંત,ભગત,ગુરુ ચતુ: નામ વપુ એક.આ ચારેય એક જ છે એવી વાત કરી ભક્તમાળમાં નાભાજી કહે છે.બીજું સ્થાન-નામેકં શરણમ્ વ્રજ.

એક ભરોસો એક બલ એક આસ વિશ્વાસ;

એક રામ ઘનશ્યામ હિત ચાતક તુલસીદાસ.

જ્યારે મન ગભરાઈ જાય,ગભરાયે જબ મન અનમોલ તબ માનવ તું મુખસે બોલ બુદ્ધમ શરણમ ગચ્છામી,કૃષ્ણમ શરણમ,રામમ્ શરણમ ગચ્છામી, વિઠ્ઠલમ શરણમ ગચ્છામી.ત્રીજું શરણ-મને તારી પાદુકા એવું ભરત કહે છે.પોતાના ગુરુની પાદુકાનું શરણ.પાદુકાનું પૂજન નહીં પણ સેવન.અને ચોથુ સલામત સ્થાન છે:ક્ષમા.ક્ષમાની શરણે જવું જોઈએ.આપણી ભૂલની ક્ષમા માંગી લેવી અને આપણે મોટા હોઈએ તો ક્ષમા આપી દેવી.પણ અહંકાર ક્ષમા માગવા પણ નથી દેતો ક્ષમાનું દાન દેવા પણ નથી દેતો.આપણા ગામડાઓમાં ખમ્મા ખમ્મા શબ્દ બોલે છે. ક્ષમામાં થોડુંક આમતેમ કરીએ તો કદાચ મોક્ષનો રસ્તો બતાવે છે.ખમાનુ ઉલટું-માખ- એટલે જ અહંકાર થાય છે.પાંચમું સ્થાન છે:મૌનમ શરણમ ગચ્છામી.મૌન થઈ જાઓ.બાપુએ કહ્યું:

મેરે બચ્ચો દિલ ખોલ કે ખૂબ ખર્ચો;

કમાને કે લિયે મેં અકેલા કાફી હું!

કથા ક્રમમાં ભરદ્વાજજીને રામ તત્વ ઉપર સંશય થાય છે અને એ પ્રશ્ન પૂછે છે.યાજ્ઞવલકેજી મુસ્કુરાઇ અને શિવકથાની શરુઆત કરે છે.સાધુની મુસ્કાન મુક્તિનું દ્વાર ખોલી આપે છે.સંક્ષિપ્તમાં શિકથા, શિવ વિવાહની કથા બાદ અવસર જાણી અને પાર્વતી શિવજીને રામ વિશે પૂછે છે અને રામકથાના કારણો તેમજ રામકથાના હેતુઓ બાદ ભગવાન રામનો પ્રાગટ્ય-જન્મની સમગ્ર દુનિયાને વધાઈ આપી આજની રામકથાને વિરામ આપવામાં આવ્યો.

—————————————————-

મોરારિબાપુ@૯૧૧

આજની પંક્તિ:

એક ભરોસો એક બલ એક આસ વિશ્વાસ;

એક રામ ઘનશ્યામ હિત ચાતક તુલસીદાસ.

છે.દુષ્ટ પણ ઇષ્ટ બની શકે છે.

ક્યારેક હરીકૃપા સંતને મેળવી આપે છે ક્યારેક સંત કૃપાથી હરિની પ્રાપ્તિ થાય છે.

અહંકાર ક્ષમા માગવા પણ નથી દેતો ક્ષમાનું દાન દેવા પણ નથી દેતો.

આજનો શેર: મેરે બચ્ચો દિલ ખોલ કે ખૂબ ખર્ચો; કમાને કે લિયે મેં અકેલા કાફી હું!

 

TejGujarati