મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું? – શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ

કલા સાહિત્ય સમાચાર

આપણે સૌ જાણીએ છીએ જીવ માત્ર પોતાના દૈનિક તમામ વ્યવહારો એને પ્રાપ્ય ઇન્દ્રિયો દ્વારા કરે છે. દરેક જીવ પાસે તેની યોગ્યતા કે વિકાસ મુજબ એક થી લઈને પાંચ ઇન્દ્રિયો છે એટલે કે આ સંસારમાં એકેન્દ્રિય જીવથી લઈ પંચેન્દ્રિય સુધીના વિભિન્ન જીવો છે. પરંતુ મન માત્ર મનુષ્ય પાસે છે અને એટલે જ તેને માનવ તરીકે ઓળખવામાં આવે છે (જેની પાસે મન હોય તેને માનવ કહેવાય) આપણા તમામ વ્યવહારો પછી ભલે તે ક્રિયાત્મક હોય વિચારાત્મક હોય કે વાણીમય સર્વે આપણી ઇન્દ્રિયો કે મનરૂપી સાધનો દ્વારા ચાલે છે. પરંતુ આપણને એ વિચાર ક્યારેય આવતો નથી કે આ ઇન્દ્રિયો કોની પ્રેરણાથી ચાલે છે. જો આપણે એવું માનતા હોઈએ કે તમામ ઈન્દ્રિયો મનની પ્રેરણાથી ચાલે છે તો ફરી પ્રશ્ન થાય કે મનનો પ્રેરક કોણ છે. કેનોપનિષદના પ્રથમ ખંડમાં સમગ્રપણે આ એક જ પ્રશ્ન પર વિચાર થયેલ છે કે ઇન્દ્રિયોને કાર્યરત થવાની પ્રેરણા કોણ આપે છે અને મનનું પ્રેરકબળ કયું છે.
સાચું પુછો તો એવા શાસ્ત્રો કે એવું જ્ઞાન કે જે ધર્મ, નીતિ અને સદાચાર જેવા વિષયોની છણાવટ ન કરતું હોય કે આ વિષયો અંગેની સમજણ ન આપતું હોય અર્થાત જીવન કેવી રીતે જીવાય અને તેને સાર્થક કેવી રીતે કરાય તે ન જણાવતું હોય તે જ્ઞાન કે શાસ્ત્ર વ્યર્થ છે. હિન્દુશાસ્ત્રો જેમ કે વેદો, ઉપનિષદો, પુરાણો વગેરે એવા વાસ્તવિક જ્ઞાનની છણાવટ કરે છે કે જેના દ્વારા જીવનમાં ઉત્સાહ વધે, કર્તવ્યપરાયણતા, સદાચાર, મૂલ્યો અને નીતિની સમજણ વધે કે જે દ્વારા યથાર્થ કર્મયોગની સાધના થઈ શકે. બ્રહ્મવિદ્યા એ જ સાચી વીર્યવતી વિદ્યા છે જે જીવનમાં ઉત્સાહપ્રેરક અને ઉપયોગી સાબિત થાય છે. જે અંતર્ગત પ્રથમ પ્રશ્ન એ ઉદભવે એ તો સ્વાભાવિક જ છે કે મારા અવયવો, વાણી, પ્રાણ, નેત્ર, કર્ણ, સામર્થ્ય અન્ય ઇન્દ્રિયો કોની પ્રેરણાથી ચાલે છે કેમકે વર્ષોવર્ષ જીવનપર્યંત આપોઆપ આ સર્વે ચાલતાં જ રહે છે, ગતિમાન રહે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ કોનું પ્રેરેલું મન વિષયો પ્રતિ જાય છે? કોણે પ્રેરેલો પ્રાણ અવિરત ચાલતો રહે છે, શ્વાસોશ્વાસની ક્રિયા કોની પ્રેરણાથી થતી રહે છે? કોની પ્રેરણાથી વાણી બોલે છે? કોની પ્રેરણાથી કાન અને આંખ સાંભળવાનું અને જોવાનું કાર્ય કરે છે? જો આ તમામ મનની પ્રેરણાથી ચાલતા હોય તો પ્રશ્ન છે કે મન કોની પ્રેરણાથી ચાલે છે? કોની પ્રેરણાથી મન પોતાને ગમતા વિષયો તરફ ગતિ કરે છે? મનને ગતિની પ્રેરણા ક્યાંથી મળે છે? આવી પ્રેરણા પ્રત્યક્ષ છે કે પરોક્ષ?

આત્મનિરીક્ષણના માર્ગે તત્વનું સંશોધન કરતા અભ્યાસો જણાવે છે કે મન ઈન્દ્રિયોનું ચાલક છે. પરંતુ મન સંપૂર્ણ સ્વતંત્ર નથી તે આત્માને યોગે પ્રેરણા મેળવે છે. જો મન સંપૂર્ણ સ્વતંત્ર હોય તો આ શરીરસંસ્થાનું તે મુખ્ય અધિકારી બની જાય. તો પછી આ સર્વ શક્તિશાળી અને અધિકારી મનની શુદ્ધતા અને અશુદ્ધતાનો પ્રશ્ન વધુ મૂંઝવે કેમ કે સંપૂર્ણ શક્તિશાળી અને કોઈ અધિકારી વગરનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું આ મન આપોઆપ ક્યારેક શુદ્ધ તો ક્યારેક અશુદ્ધ કેવી રીતે બની જાય તે સમજવું વધુ અઘરું બને. વળી જો મનનો કોઈ અધિકારી હોય જ નહીં તો મનની શુદ્ધિ કોણ કરે અને કેવી રીતે થાય એ પણ પ્રશ્ન સર્જાય. જો મન સંપૂર્ણ સ્વતંત્ર હોય તો તો મનને યોગ્ય લાગે તે જ નીતિ અને તે જ ધર્મ, મનને સાચું લાગે તે જ પરમાર્થ એ જ ન્યાય સ્વીકારવો પડે. પરંતુ એ સત્ય ન હોઈ શકે કેમકે મનનો ઇતિહાસ અને અનુભવ આનાથી ઊલટું દર્શાવે છે. મન એકલું સર્વ કંઈ પોતાનું ધાર્યું કરી શકતું નથી તેને પ્રેરણા કરનાર બીજું સમર્થ અસ્તિત્વ હોવું જ જોઈએ. આપણા સૌનો એ અનુભવ છે કે મન ક્યારેક ઉન્નતિના માર્ગે ચઢાવે છે તો ક્યારેક અવનતિના ખાડામાં ધકેલે છે જેથી મનને સંપૂર્ણપણે સ્વતંત્ર માની શકાય નહીં. નૈતિક ધાર્મિક અને પારમાર્થિક વિચારમાં મનના સ્વાતંત્ર્યનો પ્રશ્ન બહુ મહત્વનો છે. સાથે-સાથે પ્રાણને લગતી પ્રેરણા વિશેનો પ્રશ્ન પણ એટલો જ મહત્વનો છે કે પ્રાણ કોની પ્રેરણાથી ચાલે છે.
પ્રશ્નોપનિષદ અનુસાર પ્રાણ સર્વ પિંડબ્રહ્માંડનો ચાલક છે એ દૃષ્ટિએ દેહમાં પ્રાણ સ્વતંત્ર હોવો જોઈએ એવી ભ્રાંતિ થઈ શકે. મુંડક ઉપનિષદમાં પ્રાણ અને અંતઃકરણનું વિગતે વિશ્લેષણ જોવા મળે છે જેના દ્વારા પ્રાણ અને અંતકરણનું પ્રભુત્વ વિશેષ છે એવું સહજ લાગી શકે. પરંતુ એમાં એક ઠેકાણે એવું પણ જણાવાયું છે કે અંતઃકરણ કરતાં પ્રાણનું શ્રેષ્ઠત્વ છે. હવે કાં તો પ્રાણ શ્રેષ્ઠ અથવા અંતઃકરણ પરંતુ છતાં પ્રશ્ન ફરી ત્યાં જ રહે છે કે શું આ બંને સ્વતંત્ર છે કે તે બંનેને પ્રેરણા આપનાર તત્વ કોઈ બીજું પણ છે. એ તો સર્વવિદિત છે કે શ્વાસોશ્વાસ કે પ્રાણ એ એક બહારથી જણાનારી પ્રાણની ક્રિયા છે પરંતુ પ્રાણનું અંતર્ગત કાર્ય બહુ જ મોટું અને વ્યાપક છે. સર્વ સૃષ્ટિ પદાર્થનું અસ્તિત્વ પ્રાણશક્તિ પર જ અવલંબિત છે. હવે જો પ્રાણનું પૂર્ણ સ્વાતંત્ર્ય માન્ય રાખીએ તો પણ જીવન વ્યવહાર અંતર્ગત ધર્મ-અધર્મ, નિતી- અનિતી, યોગ્ય-અયોગ્ય, સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય વગેરે બાબત સર્વાધિકારી માનેલા પ્રાણ ઉપર આધારિત માની શકાય ખરી? કેમ કે ઉપર જણાવેલ બાબતો જેવી કે ધર્મ-અધર્મ, નીતિ-અનીતિ, યોગ્ય-અયોગ્ય વગેરેમાં તો બુદ્ધિને પ્રાધાન્ય આપવું પડે છે. જે અંતઃકરણનો એક ભાગ છે, તો શું બુદ્ધિ કે અંતઃકરણનું પ્રભુત્વ પ્રાણ ઉપર છે?
એક બીજો પ્રશ્ન વાણીનો પણ છે. માનવીના જીવનમાં મન અને પ્રાણ જેટલી જ વાણીની યોગ્યતા છે કેમકે સર્વ પ્રકારનું બૌદ્ધિક સામર્થ્ય વાણી મારફતે જ પ્રગટ થાય છે અને પરિણામકારક બને છે. તો પછી આ વાણીને કોની તરફથી પ્રેરણા મળે છે તે પણ પ્રશ્ન ઉદ્ભવે છે. વેદોનું વિધાન છે કે આ દરેકને પ્રેરણા દેવ તરફથી મળે છે. તો ફરી પ્રશ્ન થાય કે આ દેવ કોણ છે કે જે આટલો બધો સામર્થ્યવાન અને સ્વતંત્ર છે કે દરેકને પ્રેરિત કરે છે. ઇન્દ્રિઓ, મન, બુદ્ધિ, વાણી દરેક જો અનિષ્ટ તરફ પ્રેરિત થાય તો શું તેને પણ દેવ જ પ્રેરિત કરે છે અને જો એવું હોય તો આવી વ્યક્તિ કે તત્વને દેવ કેવી રીતે કહેવાય? વળી વેદોનું એક એવું વિધાન પણ છે કે મન ઇન્દ્રાદિકને જેની તરફથી પ્રેરણા મળે છે તેનું જ્ઞાન સંપાદન કરવું અને તેની ઉપાસના કરવી એ જ ધ્યેય પ્રાપ્તિનો માર્ગ છે. એનો અર્થ એ થયો કે મન, પ્રાણ, વાણી, આંખ, કાન વગેરે દરેકને કોઈક એવા વિશેષ તત્ત્વ તરફથી પ્રેરણા મળે છે જેને ઓળખવો અને તેનું જ્ઞાન સંપાદન કરવું શ્રેયકર છે તેની ઉપાસના કરવી પણ કલ્યાણકારી ગણાય કેમકે તે જ તત્વ પરમ સામર્થ્યવાન અને સ્વતંત્ર છે જેની ઈચ્છાથી સર્વ કોઈ પ્રેરણા મેળવે છે અને ગતિમાન રહે છે. જેની ઉપાસના દ્વારા મનુષ્ય જીવનને સાર્થક અવશ્ય કરી શકાય અને જીવનના દરેક ઉદ્દેશ્યને હાંસલ પણ કરી શકાય.
કાનમાં સાંભળવાની શક્તિ ઉત્પન્ન કરનાર, મનમાં વિષયને જાણવાની શક્તિ ઉત્પન્ન કરનાર, વાણીમાં શબ્દોની શક્તિને ઉત્પન્ન કરનાર, આંખોમાં જોવાની શક્તિ ઉત્પન્ન કરનાર, પ્રાણમાં શ્વાસોશ્વાસની શક્તિ ઉત્પન્ન કરનાર પ્રેરકતત્વ કોઈ બીજું છે જે સર્વશ્રેષ્ઠ છે અને સ્વતંત્ર છે એટલે તો એની ગેરહાજરીમાં એટલે કે મૃત્યુ બાદ કોઈ ઈન્દ્રિયો, મન કે પ્રાણ કાર્યરત રહી શકતા નથી. આમ આંખ, કાન વગેરે ઈન્દ્રિયો બીજાની શક્તિથી કાર્યક્ષમ થાય છે તેમને પોતાની કોઈ સ્વતંત્ર શક્તિ નથી. પ્રાણ અને મન બીજી ઇન્દ્રિયો કરતા શ્રેષ્ઠ છે છતાં તેમને પણ કાર્ય કરવાની સ્વતંત્રતા નથી. તેઓ પણ શક્તિ તો બીજા પાસેથી જ મેળવે છે. મન અને બુદ્ધિ મનુષ્ય પાસે રહેલા ઉત્તમ સાધનો છે કે જેના દ્વારા મનુષ્ય એ સર્વ શક્તિશાળી વિશિષ્ટ તત્વની ઓળખ મેળવી શકે છે કે જેના દ્વારા તમામ ઇન્દ્રિય પ્રેરણા મેળવે છે. એ દ્રષ્ટિએ મન અને બુદ્ધિ વિશિષ્ટ અવશ્ય છે. બુદ્ધિ પણ મનનો જ એક અંતર્ગત ભાગ છે. મન જેવું વિચારે છે બુદ્ધિ તેવો જ નિર્ણય લે છે. પરંતુ આ બંને પણ સંપૂર્ણ સ્વતંત્ર અને સામર્થ્યવાન નથી. ટૂંકમાં મન અને બુદ્ધિ પણ અન્ય ઇન્દ્રિયોની માફક પરપ્રેરિત જ છે. વેદો અનુસાર મન, પ્રાણ, બુદ્ધિ, વાણી વગેરે તમામ પ્રેરણા આત્મા પાસેથી મેળવે છે. આત્મતત્વનું જ્ઞાન થતાં જ તમામ પ્રશ્નો રહસ્યો અને સંશયોમાંથી મુક્તિ મળે છે.
આત્મતત્વનું જ્ઞાન થતા માનવીની બુદ્ધિ અત્યંત નિર્મળ બને છે અને પૂર્ણ વિકસિત થાય છે. આવી નિર્મળ અને સંપૂર્ણ વિકસિત બુદ્ધિ એટલે પ્રજ્ઞાબુદ્ધિ અર્થાત જાગૃતતા જે અમૃતત્વનું દ્વાર છે. મન અને આત્મા વચ્ચે બુદ્ધિ તો એક દ્વારરૂપ છે. ઇન્દ્રિયોને આત્મા તરફથી જે પ્રેરણા મળે છે તે બુદ્ધિ મારફતે જ મળે છે. આત્મતત્વ અંગે જ્યાં સુધી મનુષ્યને સંશય રહે છે ત્યાં સુધી બુદ્ધિ વિકસિત અને નિર્મળ થઈ શકતી નથી. જ્યાં સુધી બુદ્ધિ વિકસિત અને નિર્મળ ન થાય ત્યાં સુધી આત્માની ઓળખ થઇ શકતી નથી. એટલા માટે હિન્દુશાસ્ત્રોમાં ઈશ્વર પરની શ્રદ્ધાને અતિ મહત્વનું પરિબળ ગણવામાં આવ્યું છે કેમ કે તેના દ્વારા તમામ સંશયો દૂર થાય છે, બુદ્ધિ વિકસિત અને પૂર્ણ બને છે, જે આત્માની ઓળખના કાર્યને સરળ અને સહજ બનાવે છે. સંશયગ્રસ્તને સ્વયં પ્રકાશરૂપ આત્મતત્વ પ્રાપ્ત થવું શક્ય જ નથી. આત્મતત્વથી પ્રકાશિત થનાર બુદ્ધિ ઉપર સંશયનું આવરણ હાનિકારક છે. આંખ બંધ રાખીને પ્રકાશને કદાપિ જોઈ ન શકાય અને સૂર્ય અસ્તિત્વ ધરાવતો જ નથી એવી જડ માન્યતા સૂર્યનું દર્શન કદાપિ ન થવા દે એ તો સમજી શકાય તેવી વાત છે. આપણા સૌનો અનુભવ છે કે જે વસ્તુ આપણે જોવા માગતા નથી તે ક્યારેય દેખાતી નથી. માત્ર યથાર્થ જોવાની ઈચ્છા સંપૂર્ણ હકારાત્મકતા સાથે કોઈ પૂર્વગ્રહ વગર થાય તો સત્યની પ્રાપ્તિ દૂર નથી એટલું તો હું અવશ્ય કહીશ.
શાસ્ત્રો અંતર્ગત મંત્રના રૂપમાં શબ્દો (વાણી) વડે જે ક્રિયા દર્શાવી છે તે ક્રિયાને બુદ્ધિ સાથે જ સંબંધ છે. જે દ્વારા આત્માની ઓળખ શક્ય બને છે. ટૂંકમાં વાણી, બુદ્ધિ, મન અને આત્મા એકબીજા સાથે સંકળાયેલા છે. વાણી, બુદ્ધિ, પ્રાણ અને મન દ્વારા આત્માને ઓળખી અને પામી શકાય છે. આ તમામ ઉમદા સાધનો (વાણી, મન, બુદ્ધિ, પ્રાણ) પરમાત્માની કૃપાથી મળેલ પરમાત્માને પામવાની જ વ્યવસ્થા છે પરંતુ આપણી એ કમનશીબી છે કે આવા અમૂલ્ય સાધનોનો આપણે યથાર્થ ઉપયોગ કરી શકતા નથી. જેના જ્ઞાને કરીને બુદ્ધિ સંશયમુક્ત અને શુદ્ધ થાય છે, મનુષ્ય બ્રહ્મપદને પામે છે તે બ્રહ્મ જ સર્વનો પ્રેરક છે. અર્થાત્ તે જ આત્મા છે એવું અહી નિર્વિવાદ સિદ્ધ થાય છે. પ્રેરણાસામર્થ્યનું ખરેખર ઉત્તમ સ્થાન આત્મતત્વ જ છે પરંતુ આ આત્મતત્વની આજુબાજુ આપણે કામ, ક્રોધ, મોહ, લોભ, લાલચ, સ્વાર્થ, ઈર્ષા, અહંકારના એટલા અશુદ્ધ આવરણો ઢાંકી રાખ્યા છે કે આત્મતત્વની પ્રેરણા આપણા સુધી પહોંચી શકતી નથી. તમામ અયોગ્ય સંસ્કાર, ખોટી આદતો, યુગોની વાસનાઓ ઇચ્છાઓ રાગ-દ્વેષ જો છૂટી જાય તો અશુદ્ધિરૂપ આ બધા આવરણો આત્માને રૂંધી શકે નહીં, રોકી શકે નહીં અને તેની પ્રેરણા આપણી બુદ્ધિ-મન-વાણી-પ્રાણ સરળતાથી સહજ રીતે મેળવી શકે. પરિણામ સ્વરૂપ જીવન સુખ-શાંત, આનંદમય અને ઉત્સાહપ્રેરક બની જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
મુશ્કેલી એ છે કે આત્મા પણ વ્યવહારિકધર્મોથી યુક્ત છે. મનુષ્યના મનોવિકાર આત્માની આત્મપ્રેરણાની સાથે સાહચાર્ય ધરાવે છે જેથી વ્યભિચારી ધર્મ બની જાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપ સાથે કંઈ પણ અશુદ્ધિ યુક્ત મિશ્રણ થાય તો તેનો રંગ બદલાઈ જાય છે. જેથી આવું અશુદ્ધિ યુક્ત મિશ્રણ આત્મા પર ન પડે તે જોવું બુદ્ધિશાળી પ્રાણી તરીકે મનુષ્યની પ્રથમ ફરજ બને છે. આપણી ઇન્દ્રિયોને સમજાય એવો એક પણ ધર્મ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જગતમાં અસ્તિત્વ ધરાવતો ન હોવાથી આત્મસ્વરૂપને મન અને શબ્દોથી સમજાવવું શક્ય બનતું નથી. આ કારણે જ આત્મતત્વનું પૂર્ણ જ્ઞાન શબ્દ કે ધર્મ દ્વારા થઈ શકતું નથી અને મનુષ્યજાતિ આત્મતત્વની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. આંખો, વાણી, મન વગેરે આત્મતત્વ પર્યંત જઈ શકતા નથી જેથી તે આંખો વડે જોઈ શકાતું નથી, શબ્દો વડે વર્ણવી શકાતું નથી કે મન વડે તેની કલ્પના થઈ શકતી નથી. આપણે દરેક પદાર્થને તેના ગુણધર્મોથી ઓળખવા ટેવાયેલા છે પરંતુ આત્મતત્વનો તો કોઈ ગુણધર્મ જ ન હોવાને કારણે આપણે તેને ઓળખી શકતા નથી. ટૂંકમાં આ તત્વને ઓળખવાનો આપણી પાસે એક જ રસ્તો છે અને તે છે પૂર્ણ શ્રદ્ધા અને સાથે-સાથે દુર્ગુણોનો ત્યાગ તેમ જ સંપૂર્ણ સદાચરણયુક્ત જીવન. એ સિવાય પ્રજ્ઞાબુદ્ધિની પ્રાપ્તિ શક્ય નથી કે જે દ્વારા તમામ ઈન્દ્રિયો અને મનના પ્રેરકબળ સમાન આત્માને ઓળખી શકાય.
પિંડબ્રહ્માંડ ઉપર અવલંબિત વિજ્ઞાન એ જ આત્મજ્ઞાનનું મુખ્ય સાધન છે. જે તત્વ આપણા પિંડ એટલે કે દેહમાં છે તે જ તત્વ બ્રહ્માંડમાં છે. તેને ઓળખવાના વિશિષ્ટ જ્ઞાન એટલે વિજ્ઞાન દ્વારા આત્મતત્વને ઓળખી શકાય છે. પિંડ અને બ્રહ્માંડમાં વ્યાપી રહેલ તત્વને પિંડની અપેક્ષા એ આત્મા અને બ્રહ્માંડની અપેક્ષાએ બ્રહ્મ કહેવામાં આવે છે. આમ બ્રહ્મ અને આત્મા એક જ છે. બ્રહ્મ ઉપાસના જ જીવન માટે પરમ શ્રેયસ્કર છે. મનનુ વિચારસામર્થ્ય જેની પ્રેરણાથી પ્રગટ થાય છે તે બ્રહ્મ જ ખરું સાધ્ય છે અને તેનું જ્ઞાન સંપાદન કરવું જીવનની તમામ પીડામાંથી મુક્ત થવા અનિવાર્ય છે. બ્રહ્મજ્ઞાન મનથી સંપાદીત થતું હોવાથી શાસ્ત્રો મનને બંધન અને મુક્તિ બંનેનું કારક કહ્યું છે. ક્રમે-ક્રમે શુદ્ધ અનુભવ લઈને બ્રહ્મસ્વરૂપનું જ્ઞાન પૂર્ણ થાય છે જેથી જ ઈશ્વર આપણને ૮૪ લાખ ફેરા ફેરવે છે કે આપણે સાચું જ્ઞાન આ દ્વારા સંપાદિત કરી શકીએ. આંખ ઉપર બહારની વસ્તુનું પ્રતિબિંબ પડતાં તેની સંવેદના અંતઃકરણને પહોંચે છે જેથી જોઈ શકાય છે. જ્ઞાનતંતુનો નેત્ર સાથેનો સંબંધ દર્શનશક્તિ ઉત્પન્ન કરે છે. જેની પ્રેરણાથી નેત્રને દર્શનશક્તિ મળે છે તે બ્રહ્મ જ છે પરંતુ જે વસ્તુ દૃષ્ટિગોચર થાય છે તે બ્રહ્મ નથી. એટલા માટે આ સંસારને મિથ્યા કે મૃગજળ સમાન શાસ્ત્રો કહે છે. જગત વાસ્તવમાં એક આભાસ છે કેમકે જે દેખાય છે (સંસાર) એ છે નહીં અને જે છે (બ્રહ્મશક્તિ) તે દેખાતું નથી. સંસારમાં જે અવ્યક્ત છે એ જ વાસ્તવમાં વ્યક્ત છે બાકી બધુ અવ્યક્ત છે. પરંતુ ઇન્દ્રિયોની મર્યાદા, અલ્પ બુદ્ધિ અને અનેક પ્રકારની અશુદ્ધિને કારણે આ સનાતન સત્ય સમજવું કઠિન બને છે. તો આવો ઉપર જણાવેલ ત્રણ સાધનોના ત્રિવેણી સંગમ દ્વારા આત્મતત્વને ઓળખી પામી અનન્ય જીવનને સાર્થક કરીએ.

TejGujarati