ગઈ સાંજે એક પારેવું ઉડીને ઘરમાં પ્રવેશ્યું અને ઉડી ઉડીને બે ત્રણ અલગ જગ્યાએ બેસીને અંતે રસોડાના કબાટની ધાર પર સ્થાયી થયું.
ચકલીની પ્રજાતિનું સાવ તાજું ઊડતાં શીખેલું હોય એમ લાગ્યું. મોડી સાંજે, રાત્રે રસોડામાં નજર નાખી તો દેખાયું નહીં. સવારે લાગ્યું કે ટ્યુબ લાઈટ પર રાતવાસો કર્યો લાગે છે.
અલ્પાએ સાચવીને નીચે ઉતારીને હથેળીમાં રાખ્યું ત્યારે એને લાગ્યું કે ઉડવાની હજી એને બીક લાગે છે, કદાચ કંઇક નાદુરસ્ત હોય એમ લાગ્યું.
એક નાની પ્લેટમાં થોડું પાણી લઈ એની ચાંચ પાસે ધર્યું,તો બે વાર ચાંચ પાણીમાં ડૂબાવીને પાણી પીધું, અને પાંખોમાં જરા જાન આવી હોય તેમ લાગ્યું.
એના પગની પકડ અલ્પાની આંગળી પર સખત થઈ,અને એને ત્યાં હૂંફ જેવું લાગ્યું. આ દરમ્યાન બાલ્કનીમાં રોજ સવાર સાંજ અલ્પા પાસે આવતી ખિસકોલી એ પણ હાજરી પુરાવી, તો એને પણ ચાર પાંચ સિંગદાણા આપીને તૃપ્ત કરી.
અને પારેવાંને એક કુંડામાં છોડની ડાળી પર બેસાડ્યું, જેથી કુમળા તડકામાં એને સારું લાગે. અને એ રસોડામાં ચાલી ગઈ, મારું ધ્યાન છાપું વાંચતા વાંચતા પારેવા પર હતું જ,
પણ, અચાનક ચું ચું અવાજ સાંભળીને બાલ્કની તરફ જોયું તો એ કુમળું પારેવું ખિસકોલીની પકડમાં હતું,
મેં જોરથી રાડ પાડી, તો એણે પારેવાંને છોડ્યું, પણ પારેવું ઉછળીને નીચેના છજા ઉપર પડ્યું, જ્યાંથી તાત્કાલિક એને ઉઠાવવું મારા માટે શક્ય નહોતું, ને ત્યાંજ ખિસકોલી ફરી એને ઝડપીને સાથે ખેંચી ગઇ. ગણતરીની મિનિટોમાં અમારો સંગાથ પૂરો થયો.
એક કુમળા નવજાત પારેવાનો આમ આટલી જલ્દી અંત આવશે, એ વિચાર્યું નહોતું. અલ્પાએ દર્દ સાથે કહ્યું કે ખિસકોલી પંખીને આમ ફાડી ખાય એવો કદી અંદાજ નહોતો.
અંતરમાં બહુ ચચરાટ થયો, ને વિચાર્યું કે સતયુગમાં જે ખિસકોલી ઉપર પ્રભુ શ્રીરામે હાથ ફેરવેલો,
એ સૌમ્ય અને નિર્દોષ લાગતાં પ્રાણીને હવે કળિયુગ સ્પર્શી ગયો છે.