આ મણકો લાંબો છે પણ જો ગુજરાતી છો અને એમાંય પતંગપ્રેમી છો તો આ લેખ એકીશ્વાસે પુરો કર્યા વગર નહિ રહી શકો એ પાક્કું. – વૈભવી જોશી.

સમાચાર

(વિશેષ નોંધ : આ મણકો લાંબો છે પણ જો ગુજરાતી છો અને એમાંય પતંગપ્રેમી છો તો આ લેખ એકીશ્વાસે પુરો કર્યા વગર નહિ રહી શકો એ પાક્કું 😅 અને બીજું કે ઉત્તરાયણની લેખમાળાનો આ ચોથો અને છેલ્લો મણકો છે તો અગાઉનાં ૩ મણકામાંથી કોઈ પણ મણકો વાંચવાનો રહી ગયો હોય તો સરળતાં ખાતર બધા મણકાની લિંક આ મણકાનાં અંતમાં આપી છે.)


ચાલો તો આજે ફાઈનલી ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ વિશે લખતાં-લખતાં આપણે છેલ્લાં મણકા સુધી આવી ગયાં. આની પહેલાનાં ત્રણેય મણકામાં પતંગપ્રેમીઓને તો નિરાશ થવાનો જ વારો આવ્યો હશે કેમ કે ઉત્તરાયણ કે મકરસંક્રાંતિનાં અત્યાર સુધીનાં કોઈ પણ મણકામાં પતંગ વિશે જ વાત નથી કરી. પણ પાછું પહેલો મણકો લખતી વખતે વાયદો તો આપ્યો જ હતો કે છેલ્લાં મણકામાં પતંગ વિશે ચોક્કસ વાત કરીશ. એટલે પતંગ વિશે લખવું તો રહ્યું જ 😄


જોકે કોઈને પાછું એમ પણ થાય હો કે પતંગ વિશે તો વળી શું લખવાનું હોય 🤔?? પતંગ તો એયય…ને મોજથી ચગાવવાનો, પેચ લડાવવાનો, કાપવાનો અને લૂંટવાનો વિષય છે ખરું ને ! પણ જો આ મણકો તમે ધ્યાનથી છેલ્લે સુધી વાંચશો તો પતંગનો રસપ્રદ ઈતિહાસ વાંચીને આ ભ્રમ પણ આજે દૂર થઈ જશે કે પતંગ વિશે આવું તો કંઈ ખબર જ નહોતી. આપણે તો બસ ખાલી પતંગ ઉડાડે રાખ્યાં ને પેચ લડાવી જાણ્યાં.

દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ અને એમાંય મારા જેવા ખાસ અમદાવાદીઓ (આ અમમમમમમદાવાદી શબ્દ એ ખાસ દયાની સ્ટાઇલમાં બોલવું હો 😅 તો જ એની મજા છે.) ઉત્તરાયણ મનાવવા ખાસ ગુજરાત કે અમદાવાદ આવવાનું ચુકતા નથી. ગુજરાતમાં તો ઉત્તરાયણ એટલે જાણે એક મહા-ઉત્સવ જેની તૈયારીઓ મહિનાઓ અગાઉથી શરૂ થઈ ગઈ હોય. ગુજરાત સરકાર તો આ સમયે પાંચ-પાંચ દિવસ સુધી વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ ઊજવે છે.

દેશ-વિદેશનાં પતંગરસિયાઓ આ પાંચ દિવસ ગુજરાતમાં આવી જાય છે. એમાંય પાછી ચર્ચાઓ ને બેઠકો યોજાય કે દોસ્ત આ વખતે સુરતી માંજો ક્યાંથી ઘસાવડાવાનો છે 🧐, રખે’ને કોઈ પતંગ કાપી જાય તો પાછું જોયા જેવી થાય🙈. એમાં તો પાછો વટ મારવાનો હોય 🤨 ને કે સાહેબ આપણો પતંગ કોઈ’દી નો કપાય 😎. આપણા જેવો કોઈનો માંજો નહિ અરે ! આપણે તો બાકી ખેંચી મારીયે હો વગેરે વગેરે…હશે આપણા આવા બાહોશ પતંગબાજોને 🥸 પતંગનો આનંદ માણવા દઈએ અને આપણે મૂળ મુદ્દા પર પાછાં આવીયે.

હું તમને બધાને એક સવાલ પૂછું. મનુષ્ય ઊડી શકતો હોત તો ?? આ કલ્પના રોચક જરુર લાગે છે. પરંતુ તે શક્ય નથી એ માણસને સદીઓ પહેલાં સમજાઈ ગયું હતું. ન ઊડી શકવાની મર્યાદામાંથી પતંગ અને વિમાનનું સર્જન થયું છે. પરંતુ વીસમી સદી પહેલાં શું મનુષ્ય પોતાની ઊડવાની ઈચ્છા દબાવીને બેઠો હતો ? ના, તેણે એવું નહોતું કર્યું. આજથી લગભગ ૨૮૦૦ વર્ષ પહેલાં પોતાની ભીતર સળવળતી ઊડવાની ઈચ્છાને તેણે જુદી રીતે સંતોષી. માણસે પતંગ ઉડાડીને આકાશને આંબવાની થોડી ઈચ્છાપૂર્તી કરી. મનુષ્ય પોતે હવામાં ન ઊડી શક્યો પરંતુ હવામાં ઊડતાં પક્ષીઓનાં એકાધિકારને ચોક્ક્સપણે તોડી શક્યો.

તો ચાલો આજે પતંગનાં ઇતિહાસ પર એક નજર દોડાવીયે. એન્સાઇક્લોપીડિયાનું સાચું માનીએ તો પતંગની શરૂઆત ચીનમાં આશરે ત્રણ હજાર વર્ષ પહેલાં થયેલી જે કોઈ નાનીસુની શોધ ન કહી શકાય. આપણને એ જાણીને થોડી નવાઈ લાગે કે પતંગની શોધ ચીનનાં બે તત્વજ્ઞાનીઓ એ કરી છે. મોઝી અને લૂબાને પતંગ ઉડાડવાની શરુઆત કરી હોવાની ઇતિહાસમાં નોંધ છે. (જો કે પતંગનાં ઇતિહાસ વિશે હંમેશા મતમતાંતર પ્રવર્તે છે. પતંગની શોધનો દાવો કરનારા ગ્રીકો અને ચીનીઓની માન્યતા પ્રમાણે સૌપ્રથમ પતંગ હકીમલ કમાન નામનાં માણસે બનાવ્યો હતો.)

શરૂઆતની પતંગ અને દોર બંન્ને રેશમની બનેલી હતી. પતંગ બનાવવા સિલ્કનાં કાપડનો ઉપયોગ થયેલો અને લાકડી માટે વાંસનો ઉપયોગ થયેલો. ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિનાં મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવાતો. ચીનમાં પતંગની શરૂઆત થઈ જે એશિયા અને આફ્રિકામાં પ્રચલિત થઈ અને છેક મધ્યયુગમાં યુરોપમાં પહોંચી. ઈતિહાસમાં પતંગનો પ્રથમ લેખિત પુરાવો ઈ.સ. ૯૩૦માં જાપાની ભાષાનાં શબ્દ “શિરોષી” ( કાગળનું પંખી ) રૂપે મળે છે. આ ઉપરાંત સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં બનાવાયો હોવાનો ઉલ્લેખ પણ નેટજગત પર જોવા મળે છે.

ભારતની વાત કરીએ તો ભારતમાં પતંગ ઉડાડવાનો પુરાવો ઈ.સ. ૧૫૦૦માં મોગલકાળ દરમિયાન એક ચિત્રમાં જોવા મળ્યો છે. જેમાં એક પ્રેમીને પોતાની કેદી પ્રેમિકાને પતંગ દ્વારા યુક્‍તિપૂર્વક સંદેશો મોકલતો દર્શાવ્‍યો છે. ભારતમાં પતંગને લોકપ્રિય કરવાનું કામ રાજાઓ અને નવાબોએ કર્યું છે. નવાબો પતંગબાજીનાં ખાસ શોખીન ગણાતા હતાં. ગુજરાત અને રાજસ્થાનનાં નવાબી ગામો અને કસ્બાઓમાં પતંગ ઉડાડવાનું ચલણ ઐતિહાસિક રીતે સવિશેષ જોવા મળે છે.

આજની વાત કરીએ તો આજે ચીનથી લઈને કોરિયા સુધી અને સમગ્ર એશિયામાં પણ જુદાં-જુદાં પ્રકારની પતંગો પ્રચલિત થઈ છે અને પતંગ ઉડાવવા પાછળનાં વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્યા છે. આજે આખાય વિશ્વમાં પતંગબાજી મોટા ભાગે મનોરંજન અને રમત-ગમતનાં એક ભાગ રૂપે થાય છે પણ પતંગની શોધ ખરેખર તો ગંભીર વિચારધારા પર થઈ છે.

હકીકતે પતંગનો જન્મ લશ્કરી હેતુઓ માટે થયો હતો. તેનો ઉપયોગ પહેલાં હંમેશાં કટોકટી, યુદ્ધ કે સંશોધન માટે થતો રહ્યો છે. પતંગનો આવો ઉપયોગ જાણી તમને કદાચ નવાઈ લાગશે પણ લશ્કરમાં સંકેત અને સંદેશાઓની આપ-લે માટે તેમજ પવનની ગતિ અને દિશા જાણવા માટે પતંગનો ઉપયોગ થતો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ, ફ્રાન્‍સ, ઇટાલી અને રશિયન આર્મી પતંગનો પ્રયોગ કરીને દુશ્‍મનોની જાણકારી મેળવીને તેઓ પોતાના જવાનોને એરોપ્‍લેનમાંથી તાત્‍કાલિક માહિતી પહોંચાડવા માટે કર્યો હતો. માટે જ મેં દરેક મણકામાં સ્પષ્ટપણે કહ્યું હતું કે પતંગ અને મકરસંક્રાંતિને સૈધ્ધાંતિક કે ઐતિહાસિક રીતે કોઈ જ સંબંધ નહોતો.

જોકે પતંગ ચગાવવા માટે ૧૪ જાન્યુઆરીની આસપાસનો સમય કોઈ કારણસર અનુકૂળ હશે. વળી શિયાળામાં ઘરમાં ભરાઈ રહ્યા પછી એક દિવસ ભરપુર તડકો માણવાની એક ઈચ્છા પણ ખરી. અને પૌરાણિક માન્યતા અનુસાર જયારે સૂર્યનારાયણ ઉત્તર દિશામાં ગતિ કરે છે ત્યારે એના કિરણો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે જેથી કદાચ કોઈ કાળે પતંગ ચગાવવા જેવી કોઈ પ્રવૃત્તિને વેગ મળ્યો હશે જેમાં લગભગ આખો દિવસ પતંગ ચગાવવાનાં બહાને આ સ્વાસ્થ્યવર્ધક કિરણોનો લાભ લઇ શકાય.

પણ હા ! જયારે પતંગની વાત કરતા હોઈએ ત્યારે એ ખાસ યાદ કરવું પડે કે વીજળીની શોધમાં પતંગે એક મહત્વની ભૂમિકા ભજવી છે. વિજળીનાં શોધક પ્રખર વૈજ્ઞાનિક બેન્જામીન ફ્રેન્કલીને આકાશી વીજળીને સમજવા પતંગનો ઉપયોગ કર્યો હતો. બેન્જામીને પોતાની દીકરી સાથે એક સાહસ કર્યું હતું. એમને ચાલુ ગાજવીજ દરમિયાન પતંગ ચગાવવાનો પ્રયત્ન કર્યો. પતંગની ટોચે એમણે ધાતુનો વાયર મૂક્યો. દોર શણની રાખી હતી. વીજળીનો ચમકારો થયો અને તે જ ક્ષણે ભીની દોર મારફતે બાપ દીકરીને વીજળીએ ઝાટકો આપ્યો. વિજળી ઉત્પન કરીને તેના દ્વારા ઉપકરણો ચલાવવા સુધીની યાત્રાનો એ એક ભયજનક પ્રયોગ હતો. જેમાં પતંગની ઐતિહાસિક ભૂમિકા હતી.

પતંગની શોધ એ વિમાનની શોધનું પણ પ્રથમ ચરણ કહી શકાય. પતંગની શોધ વિના હવાઈજહાજની શોધ શક્ય જ ન બનત. કેમકે વિમાન અને પતંગ વિજ્ઞાનનાં એક જ સિધ્ધાંત થકી ઉડી શકે છે. વિમાન અને પતંગનાં ઉડવાની ક્રિયા અને ઊપર જવાની ક્રિયા પાછળ ઉપરની હવાનું હલકું અને નીચેની હવાનું ભારે દબાણ કારણભૂત છે. પતંગ માટે કુદરતી રીતે એવી ક્રિયા થાય છે જ્યારે વિમાનમાં તેના શક્તિશાળી એન્જીન્સ દબાણ ઉત્પન કરે છે. એટલે આમ જોઈએ તો પતંગ કહેવાય ભલે સાવ હલકો ફુલકો પણ એનો ઇતિહાસ જાનદાર અને શાનદાર ચોક્કસ કહી શકાય.

મારાં ઉત્તરાયણ વિશેનાં ચારેય મણકામાં મેં ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ સાથે જોડાયેલાં ખગોળીય, પર્યાવરણ કે પ્રકૃતિલક્ષી કે પછી ધાર્મિક તત્ત્વો જેવા તમામ પાસાઓ પર વાત કરી અને આજે પતંગપ્રેમીઓને આપેલો વાયદો પણ પુરો કર્યો અને આ છેલ્લાં મણકામાં પતંગ વિશે પણ વાત કરી હાશ !😌.

આશા રાખું કે આ ઉત્સવ સાચવીને ઉજવ્યો હશે કે હજી આવતી કાલે પણ ઉજવીશું. ખાસ નીચે પડેલાં દોરીનાં ગૂંચળાઓમાં નિર્દોષ પક્ષીઓ ફસાઈ ન જાય માટે એનો યોગ્ય નિકાલ કરીશું. એમનાં માળામાંથી જવા અને આવવાનાં સમયે પતંગને થોડો વિરામ ચોક્કસ આપી શકાય. અકસ્માતનાં કિસ્સાઓ પણ ઘણાં થતાં હોય છે તો સલામતી રાખીને ઉત્સવ ઉજવીયે. ફટાકડાંનાં ધડાકા અને અવાજોથી બાળકો અને વડીલોને તકલીફ ન થાય અને બિચારા મૂંગા પશુ-પક્ષીઓ ડરી ન જાય એટલું જોવા ખાસ વિનંતી. એકની ખુશી અન્યનાં દુઃખનું કારણ બને એ ઉત્સવ તો ન જ હોઈ શકે.

ભલેને ગોગલ્સ 😎 સાથે માસ્ક પહેરીને કે ડિસ્ટન્સ રાખીને પણ ધાબે ચડી પતંગ તો ચડાવ્યાં જ હશે ને એ લપેટ.. કે કાયપો છે.. ની બૂમો પણ પડી જ હશે. હાથ સેનેટાઈઝ કરીકરીને પછી ફીરકી પણ લપેટી હશે. પાછું એયને ટેસથી ઊંધિયું પુરી ને ફાફડા-જલેબીની 😋 જ્યાફતો પણ ઉડાવી હશે ને રાતે તુક્કલથી આકાશને શણગાર્યું પણ હશે. ને એમાં વળી દિવાળીમાં વધેલા ફટાકડાં 🎆 પુરાં કરવાનો છેલ્લો અવસર પણ જતો નહિ જ કર્યો હોય અને હા અધૂરામાં પૂરું ગરબા વગર તો ગુજરાતીઓનો કોઈ પ્રસંગ પુરો થાય ?? 😛 એટલે ગરબાનાં રાઉન્ડ 💃 પણ માર્યા જ હશે.

ગુજરાતીઓને મોજ કરવામાં કોઈ ન પહોંચે એટલે સંબંધ હોય કે ન હોય પણ ગમે તેવી પરિસ્થિતિમાં આનંદ માણવાનો અને આપત્તિને અવસરમાં ફેરવવાનો એક પણ મોકો ન ચુકે બસ એનું જ નામ ગુજરાતી. તો સહુ ગરવા ગુજરાતીઓએ ભરપૂર આનંદ અને ઉત્સાહ સાથે આ ઉત્સવ ઉજવ્યો જ હશે એવું ધારી લઉં છું.

– વૈભવી જોશી (એક ઉત્સવપ્રેમી અને જીવદયાપ્રેમી પણ પાક્કી ગુજરાતી 😅)

શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે આ ચોથો અને છેલ્લો મણકો
છે એટલે અગાઉનાં ૩ મણકામાંથી કોઈ રહી ગયો હોય તો સરળતાં ખાતર ત્રણેય મણકાની લિંક નીચે ક્રમવાર આપી છે.

https://m.facebook.com/story.php?story_fbid=10166836095075018&id=684210017&mibextid=qC1gEa

https://m.facebook.com/story.php?story_fbid=10166839258245018&id=684210017&mibextid=qC1gEa

https://m.facebook.com/story.php?story_fbid=10166841032550018&id=684210017&mibextid=qC1gEa

TejGujarati