ભારતભ્રમણ પર નીકળેલા ઉત્તરપ્રદેશ અયોધ્યાના સંતોના વાહનને નડેલો અકસ્માત
અકસ્માતમાં ડ્રાઇવર, અને 2 સંતો સહિત 3 ના મોત
5 સંતો ઘાયલ
ઘાયલ સંતોને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે એમની સારવાર અપાઈ
રાજપીપલા, તા.29
ભારતભ્રમણ પર નીકળેલા ઉત્તરપ્રદેશ અયોધ્યાના સંતોની પીક અપનું ડેડીયાપાડાથી થોડે દુર નેત્રંગથી ઝંખવાવ હાઇવે નજીક અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં ડ્રાઇવર, અને 2 સંતો સહિત 3 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 5 સંતો ઘાયલ થતાં હાલ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે એમની સારવાર અપાઈ હતી .અકસ્માતની ઘટનાને પગલે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, તથા જિલ્લા ભાજપાના પ્રમુખ ઘનશ્યામ પટેલ સહીત ભાજપાના આગેવાનો દોડી આવ્યા હતા.
મળતી વિગતો મુજબ ઉત્તરપ્રદેશ અયોધ્યાના સંતો ભારત ભ્રમણ પર નીકળ્યા હતા.તેઓ ગત 27/12/2022 ના રોજ નાંદોદ તાલુકાના ગુવારના રામાનંદ આશ્રમ ખાતે રામાર્ચન યજ્ઞમાં હાજરી આપવા આવ્યા હતા.યજ્ઞ પૂર્ણ થયા મહંતશ્રી રામદાસજી મહારાજની જમાતના તમામ સંતો જીજે 12 બીએફ 3107 પિક અપ ટેમ્પોમાં ગાય પગલા જઈ રહ્યા હતા.દરમિયાન પિક અપ ટેમ્પોમાં ચાલકે પોતાના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ડેડીયાપાડાથી થોડેક દુર નેત્રંગ ઝંખવાવ રોડ નજીક ઝાડ સાથે પિક અપ ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઇવર રાકેશ અને સંત વેદાંતજીનું ઘટનાસ્થળે દુઃખદ અવસાન થયું હતું જ્યારે યુવા સંત કેશવદાસજીને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાઈ રહ્યા હતા એ દરમિયાન એમનું રસ્તામાં અવસાન થયું હતું.તો બીજી બાજુ અન્ય એક ગંભીર રીતે ઘાયલ સંતશ્રી રામ લખનદાસજીને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ પરથી વડોદરા એસ.એસ.જી ખાતે રિફર કરાયા છે.હાલ આ અક્સ્માતમાં ઘાયલ સંત શ્રી ગોપાલ દાસજી મહારાજ, શ્રી મનોહર બાબા, સંત શ્રી રઘુવીરદાસ, શ્રી દયાનિધી દાસ અને શ્રી ગણેશદાસજી મહારાજ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.
રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક સંતની પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે.નેત્રંગ ખાતે અવસાન પામેલા સંતના મૃતદેહની ત્યાંની હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ બાદ રાજપીપળા નજીકના રામપરા ખાતે અંતિમવિધિ કરાઈ હતી જ્યારે રાજપીપળા ખાતે અવસાન પામેલા સંતની પણ રામપરા ખાતે અંતિમ વિધિ થશે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા