એક બાર પ્રભુ સુખ આસિના,
લછિમન વચન કહે છલ હીના.
સુર નર મુનિ સચરાચર સાંઇ,
મૈં પૂછઉં નીજદાસ કી નાંઇ.
ધર્મધરા ગીતા પ્રાગટ્ય-અવતરણભૂમિ-કુરુક્ષેત્ર પરથી ગીતા જયંતિનાં પરમઉત્સવનાં પરિપેક્ષ્યમાં આયોજિત રામકથાનાં પૂર્ણાહૂતિ દિવસનાં પ્રારંભ પર રોજની જેમ મહામંડલેશ્વર-આચાર્યો,સંતો-મહંતોની ગરિમાપૂર્ણ આશીર્વાદક ઉપસ્થિતિમાં તેમજ ભાનુપુરા પીઠાધીશ શંકરાચાર્ય દિવ્યાનંદતીર્થજી ઉપરાંત જસદીપસિંહજી,રામસુખદાસજી મહારાજ અને જૂના પીઠાધીશ્વર મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિજી મહારાજ તેમજ વિશ્વહિન્દુ પરિષદના સમર્પિત દિનેશજીની વિશેષ ઉપસ્થિતિ હતી. આજના પૂર્ણાહુતિ પ્રસંગે શંકરાચાર્યજીએ કહ્યું કે: ભગવાન એટલે ભા-ભૂમિ,ગા-ગગન,વા-વાયુ આ- અગ્નિ અને ના એટલે નીર.આપણી આસપાસ જે આકાશ,પાણી એ તમામ ભગવાન છે.લાભ તો અનેક પ્રકારના છે.પણ શ્રેષ્ઠ લાભ આત્મલાભ છે. અને જે નથી મેળવ્યો એને મેળવવાનો પ્રયત્ન કરો. જગતમાં અભ્યાસ કરીશું તો જગદીશ દેખાશે. શબ્દોની પાછળ વિશ્વાસ પ્રેમ અને આંતરિક અનુભૂતિનો આનંદ હોય છે.ભગવત ગીતામાં બે પ્રકારના ઘાટ છે: ધર્મધરા કુરુક્ષેત્ર-જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ બોલે છે અને બીજો ઘાટ-હસ્તિનાપુર જ્યાં સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે.કૃષ્ણ આચાર્ય પણ છે એટલે અર્જુનને પૂછે છે કે મેં જે સંભળાવ્યું એ સાંભળ્યું?એકાગ્ર ચિત્તે શ્રવણ કર્યું?અને શું એનાથી પ્રભાવિત થયો?ત્યારે અર્જુન કહે છે કે મારો મોહ નષ્ટ થયો છે.જ્યારે આજે આ માનસગીતા કથા વિરામ લઈ રહી છે ત્યારે અહીં થયેલો સંવાદ યાદ રાખજો અને કથા ભલે પૂરી થાય પણ સ્મૃતિના પટ ઉપર આ સંવાદ વારંવાર યાદ રાખજો એવું આ કથાના આયોજક એવા ગીતામનિષી જ્ઞાનાનંદજી મહારાજ કે જેઓએ નવ દિવસ સુધી વક્તા અને શ્રોતાઓ-વ્યાસપીઠ અને વિવિધ સંતો-મહંતો વચ્ચે વાણીનો પરમસેતુ રચી અને દિવ્ય આયોજન ઊભું કર્યું તેઓના આ શબ્દ હતા.સાથે-સાથે જુનાપીઠાધિશ આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદગીરીજીએ કહ્યું કે:કથા માત્ર વાકધારા નથી,વૈખરી નથી,વાકપાત નથી,વાણીસલિલ નથી, માત્ર રસનો પ્રવાહ નથી,કથા અમૃત છે,શ્રવણ ખૂબ મોટું સાધન છે પણ એ શ્રવણ ગાથાય અને ગ્રંથો માટે છે માત્ર સાંભળો નહીં પણ કર્ણરંધ્રથી પીઓ,પાન કરો.કથા પીવાવી જોઈએ,કાનના આ પટલ દ્વારા બ્રહ્મરસ અને રામરસ જે અમૃતરસ છે એનું પાન કરો અને એમ કરવાથી એ કલ્યાણનું સાધન બની જાય છે.
કથામાં પ્રવેશ કરતા બાપુએ કહ્યું કે ભગવત ગીતામાં એક આધ્યાત્મિક ત્રિકોણ છે જે સમરેખ ત્રિકોણ કહી શકાય.કર્મનો મહિમા જ્ઞાનનો,મહિમા અને ભક્તિનો મહિમા છે.આથી ભગવત ગીતા જ્ઞાન,કર્મ અને ભક્તિના મહિમાનો સમભુજ ત્રિકોણ છે.અહીં ત્રણ ખૂણા છે:એક છે કૃષ્ણ,એક છે અર્જુન અને એક છે ભગવત ગીતા.વિભૂતિ ન હોત તો વિભૂના વિશ્વરૂપનું દર્શન કોણ કરાવત? અને વિભુ કૃષ્ણ છે, અને ત્રીજી ગીતા છે.અહીં ત્રણ વસ્તુ છે:સાધક,સિદ્ધ અને શુધ્ધ. માનસમાં ત્રણ પ્રકારના જીવની શ્રેણી બતાવી છે:
*વિષયી સાધક સિદ્ધ સયાને;*
*ત્રિવિધ જીવ જગ ભેદ બખાને.*
અહીં વિષયી સાધક અને સિદ્ધ જેમાં આપણા જેવા સંસારી એ વિષયી કક્ષામાં આવે.આપણાથી થોડોક ઉપર ઉઠેલા સાધનામાં ડૂબેલા સાધક અને કોઈ-કોઈ સિદ્ધ છે.અર્જુન સાધક છે.ભગવાનને માત્ર સિદ્ધ કહેવા એ બરાબર નથી,કારણ કે ભગવાન પૂર્ણ છે, બધું જ છે.તો પણ માનીએ કે તે સિદ્ધ છે અને એ ત્રણેથી ઉપર ભગવતગીતા શુદ્ધ છે.તૃપ્તિ ઘણા પ્રકારની હોય છે:આહારથી તૃપ્તિ.રુચિકર,સ્વાદયુક્ત,ખાવા યોગ્ય અને ઈજ્જત સાથે મળેલો આહાર તૃપ્તિ આપે છે.એ જ રીતે પાત્રને કારણે તૃપ્તિ-સારો દોસ્ત,પતિ માટે યોગ્ય પત્ની,પત્ની માટે યોગ્ય પતિ એ પાત્ર છે.એ જ રીતે આયુષ્યને કારણે તૃપ્તિ,સાધુના દર્શનથી તૃપ્તિ,બુદ્ધપુરુષની વાણીથી તૃપ્તિ અને આ રામકથા નવ દિવસની તૃપ્તિ છે,છતાં પણ હજી ઘણું જ નાચવાનું બાકી છે!મહાભારત અંતર્ગત એક ગીતા અને રામચરિત માનસની રામગીતા બંનેની સામ્યતા જોઈએ તો:બંને ગીતા રણમેદાનમાં આવી છે. ભગવત ગીતા કુરુક્ષેત્રની મધ્યમાં રથ સ્થાપિત કરે છે અને રામગીતા લંકાના રણમેદાનમાં ધર્મરથનું સ્થાપન કરે છે.આ ગીતાની અંદર કપિધ્વજ વિરાજમાન છે, લંકામાં થયેલી ગીતામાં સત્ય ધ્વજ છે.સત્ય શીલ દ્રઢ ધ્વજા પતાકા… મહાભારતની ગીતામાં શ્વેત અશ્વ છે લંકાની રામગીતામાં બલ વિબેક દમ પરહિત ઘોડે… ત્યાં પણ બળ વિવેક દમ અને બીજાનું હિત એ શ્વેત- શુભ્ર હોવા જોઈએ એવું બતાવી અને બાપુએ કહ્યું કે મહાભારતની ગીતામાં સારથી યોગેશ્વર છે લંકાના મેદાનમાં ઈશ્વર સારથી નથી પણ ઇશ ભજન સારથી છે.મહાભારતના રથનું રક્ષણ કૃષ્ણ કરે છે.અહીં:
કવચ અભેદ બિપ્ર ગુરુ પૂજા;
એહિ સમાન ઉપાય ન દુજા.
એવું રામચરિતમાનસમાં લખાયું છે.
એ પછી તુલસીદાસજી અને દરેક ઘાટ પર કથાને વિરામ અપાયો એમ કહેતા બાપુએ જણાવ્યું કે ત્રણ મહત્વના શબ્દો સત્ય,પ્રેમ અને કરુણા બતાવીને તુલસીજીએ કથાને વિરામ આપ્યો.આ કથા પણ વિરામ લઈ રહી છે ત્યારે કથાનું સુકૃત-સુફળ ૫૦૦૦ વર્ષ પહેલાં યુદ્ધ ભૂમિમાં વીરગતિને મેળવેલા તમામ લોકો માટે અર્પણ,તેઓના તર્પણ માટે આ કથાનું મંડાણ થયું અને એ રીતે આ કથાની દિવ્ય પૂર્ણાહુતિ દરેકના નેત્રને સજળ કરી ગઈ.
હવે પછીની-૯૦૮મી રામકથા આગામી તા-૩ ડીસેમ્બરથી ૧૧ ડીસેમ્બર દરમિયાન,ભાવનગર(ગુજરાત)ખાતે આરંભિત થશે,જેનું જીવંત પ્રસારણ નિયમિત સમયે આસ્થા ટીવી ચેનલ અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબનાં માધ્યમથી નિહાળી શકાશે.