સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભૂકંપની અફવાથી પ્રવાસીઓમાં મચેલી ભાગદોડ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

૪૦ થી ૧૪૫ પ્રવાસીઓને રાહત-બચાવ ટુકડીઓ દ્વારા SOU ની બહાર કરાયુ સલામત સ્થાળંતર

એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભૂકંપની અફવાથી પ્રવાસીઓમાં મચેલી ભાગદોડ

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97224

બે પ્રવાસીઓને ગંભીર અને એ પ્રવાસીને સામાન્ય ઇજા

૧૪૦ થી ૧૪૫ પ્રવાસીઓને રાહત-બચાવ ટુકડીઓ દ્વારા SOU ની બહાર કરાયુ સલામત સ્થાળંતર

ધક્કા-મુક્કીથી સર્જાયેલી દુર્ઘટનાની યોજાઇ સફળ મોકડ્રીલ-(રિહર્સલ)

રાજપીપલા સિવિલ હોસ્પિટલ-બોરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ સારવાર માટે ખસેડાયા

રાજપીપલા,તા22

નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સોમવારના રોજ જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર (કેવડીયા) ખાતે વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત થયેલ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફેલાયેલી ભૂકંપની અફવાથી પ્રવાસી-દર્શનાર્થીઓ દ્વારા ભાગદોડ મચી જવા પામી હતી.સાથે પોતાના જીવ બચાવવા દુર્ઘટના સ્થળેથી સલામત રીતે હેમખેમ બહાર નિકળવામાં થયેલી ધક્કા-મુક્કીમાં ત્રણ પ્રવાસીઓને આંતરિક અને બાહ્ય ઇજાઓ સાથે દુર્ઘટનાથી ભયભીત થવાને લીધે આધાત પહોંચ્યો હતો.

જેના લીધે વ્યુઇંગ ગેલેરીમાં એક પ્રવાસી બેભાન થઇ જવા પામ્યો હતો. તેને L&T ની ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમે ખભે ઉચકીને ૧૩૫ મીટરની ઉંચાઇએથી ઇમરજન્સી સીડીના માર્ગ ઉપરથી નીચે પ્રાંગણના ટ્રાયેજ એરિયામાં ખૂબ જ ઝડપથી લઇ આવ્યા હતા તદઉપરાંત ૮૩ મીટરની ઉંચાઇએ પ્રતિમાના પગ પાસેના સ્થળેથી અન્ય એક પ્રવાસી ધક્કા મુક્કીમાં પડી જતા તેને પગમાં સામાન્ય ઇજા પહોંચી હતી આ પ્રવાસીને વ્હિલચેર મારફતે ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમે સર્વીસ લીફ્ટમાં નીચે લાવીને મ્યુઝીયમમાંથી બહાર ટ્રાયેજ એરિયામાં લઇ આવ્યા હતા. તેવી જ રીતે SOU ના ભોંયતળીયેના મ્યુઝિયમમાંથી પણ એક પ્રવાસી ધક્કા મુક્કીમાં ઢળી પડતા તેને પણ સ્ટ્રેચર મારફતે ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમે ઝડપથી મ્યુઝિયમની બહાર ટ્રાયેજ એરિયામાં લાવતાની સાથે જ SOU પરિસરના ગેટ નં-૧ પાસે કાયમી ધોરણે કાર્યરત L&T ની મેડીકલ ટીમ, ડોક્ટર્સ અને પેરામેડીકલ સ્ટાફ અને પ્રાથમિક સારવારની જરૂરી સાધન-સામગ્રી સાથે ટ્રાયેજ એરિયામાં દોડી આવી હતી અને તુરત જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે પ્રવાસીઓની તાત્કાલિક પ્રાથમિક સારવારની સાથોસાથ તેમના સીઆરપી અને બીપી માપ્યુ હતુ ત્યાર બાદ ઘટના સ્થળે આવી પહોંચેલી ૧૦૮ અમ્બ્યુલન્સ અને તેમજ અન્ય સિનીયર તબીબોએ આ ઇજાગ્રસ્તોને ચકાસીને તુરત જ રાજપીપલાની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા જ્યારે સામાન્ય ઇજાગ્રસ્ત અન્ય એક દરદીને ઘટના સ્થળથી નજીકના બોરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાત વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજેસ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જુદા-જુદા ભાગોની મુલાકાત લઇ આ પ્રતિમાની વિશેષતા અને પરિસરના મ્યુઝિયમ, પિક્ચર ગેલેરી વગેરે સ્થળોએ ઐતિહાસિક ઘટનાઓના પ્રદર્શિત કરાયેલા સચિત્ર પ્રદર્શનને રસપૂર્વક નિહાળી રહ્યા હતાં, ત્યારે જ પ્રવાસીઓમાં ભૂકંપ આવ્યો છે તેવી ખોટી માહિતી મળવાની સાથે તેનાથી ઉપસ્થિત પ્રવાસીઓમાં ભૂકંપની ખોટી અફવા ફેલાઇ હતી અને તેના કારણે લોકોની આ ભાગદોડ મચવાની સાથે ધક્કા-મુક્કીની દુર્ઘટના સર્જાઇ હતી. પ્રવાસીઓમાં ભૂકંપની અફવા ફેલાવાની સાથે જ ૪૫ માળ-૧૩૫ મીટરની ઉંચાઇએ સ્ટેચ્યુની વ્યુઇંગ ગેલેરીમાં હાજર અંદાજે ૮૦ થી ૮૫ જેટલાં પ્રવાસીઓ પોતાનો જીવ બચાવવા રસ્તો શોધી રહ્યા હતાં તેવામાં ધક્કા-મુક્કીમાં એક પ્રવાસી બેભાન થઇ જતા તેને આંતરિક ગંભીર ઇજાઓ પહોંચી હતી. વ્યુઇંગ ગેલેરીનાં અન્ય પ્રવાસીઓને પણ L&T ની ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમે મેઇન લિફ્ટ મારફત સહીસલામત રીતે નીચે લાવીને તેમને ખૂબ જ ઝડપી દોડથી SOU ના ગેટ નં-૨ થી ૩ ના પાર્કીગના સામેવાળા એસેમ્બલી વિસ્તારમાં સલામત રીતે સ્થળાંતર કરાવ્યૂ હતું અને ત્યાથી SOU ની બસો મારફત SOU ની બાજુમાં આવેલા બસ ડેપો ખાતે સેલ્ટર પોઇન્ટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાની ૮૩ મીટરની ઉંચાઇએ પ્રતિમાના પગ પાસેની ગેલેરીના પ્રવાસીઓ વિધ્યાંચલ અને સાતપુડાની ગિરિકંદારાઓ અને પ્રાકૃતિક સૌદર્યનો અદભૂત નજારો માણી રહ્યાં હતા, ત્યારે આ અફવાને પગલે અહી હાજર એક સામાન્ય ઇજાગ્રસ્ત પ્રવાસી સિવાય અન્ય તમામ અંદાજે ૩૦ થી ૩૫ જેટલા પ્રવાસીઓને પણ હેમખેમ SOU ની બહાર એસેમ્બલી પોઇન્ટ ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.

દુર્ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભયસિંગ, ફાયર સેફ્ટીના સલાહકારશ
પરેશ વ્યાસ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધી, SOU ના અધિક કલેકટર હિમાંશુ પરીખ વગેરેએ SOU ના ભોંયતળિયે કાર્યરત CISF ના કન્ટ્રોલરૂમમાં ધસી જઈ રાહત-બચાવની સમગ્ર કામગીરીની બાગડૌર સંભાળી લીધી હતી અને આ કન્ટ્રોલ રૂમમાંથી જ SOU પ્રતિમા સ્થળના વિવિધ લોકેશનના CCTV કેમેરાના જીવંત દ્રશ્યો નિહાળીને આ રાહત બચાવના ઓપરેશનમાં જોડાયેલ સંબંધકર્તાઓને સતત જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

SOU પરિસરમાં ફરજ પર તૈનાત CISF ના જવાનો મારફત SOU માં પ્રવેશ માટેના તમામ ગેટ તાત્કાલિક અસરથી બંધ કરાવી પ્રવાસીઓ કે અન્ય મુલાકાતીઓનો પ્રવેશ રોકવાની સૂચના અપાઇ હતી. તેની સાથોસાથ SOU ના સમગ્ર પરિસરમાં જુદા જુદા સ્થળોએ ફરજ પર તૈનાત L&T ના અધિકારીઓ/કર્મચારીઓ અને CISF ના જવાનોને પણ સયુંક્ત રીતે SOU પરિસરમાંથી સલામત રીતે બચાવીને શક્ય તેટલા ઝડપથી બહાર કાઢીને એસેમ્બલી સ્થળે ખસેડવાની સૂચના પગલે ગણતરીની મિનિટોમાં જ ઇજાગ્રસ્ત ત્રણ પ્રવાસીઓ સિવાયના તમામ અંદાજે ૧૪૦ થી ૧૪૫ જેટલાં પ્રવાસીઓને સલામત રીતે સ્થળાંતર કરવામાં સફળતા મળી હતી.

અંતે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાએ ઇન્સીડન્ટ કમાન્ડન્ટ તરીકે સમગ્ર ઓપરેશનનો હવાલો CISF પાસેથી સંભાળી લીધો હતો.

ડિ-બ્રિફીંગ બેઠક બાદ માહિતી વિભાગની ફરજ પરની ટુકડી સાથેના સંવાદમાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું હતુ કે, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે સૌ પ્રથમવાર યોજાયેલી ડિઝાસ્ટરની મોકડ્રીલમાં અમે ભૂકંપ, આકસ્મિક આગ અને ભાગદોડ જેવા વિષયોને કેન્દ્રમાં રાખ્યા હતાં. આ મોકડ્રીલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી, CISF, પ્રાઇવેટ પાર્ટનરશીપમાં L&T, આરોગ્ય વિભાગ, પોલીસ સહિત સંબંધિત વિભાગો સાથે રહીને મોકડ્રીલ કરી છે. રિયલ ટાઇમ એક્ટીવીટી સાથે આજની મોકડ્રીલ સફળ રહી હતી, જેમાં તમામ પ્રકારે પ્રવાસીઓની સુરક્ષા તેમજ ઓપરેશન, પ્લાનીંગ અને લોજીસ્ટીકને ધ્યાનમાં લઇને કોઇપણ સંજોગોમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને યોગ્ય રિસ્પોન્સ ટાઇમ જાળવીને રાહત-બચાવની કામગીરી સમયસર કરી શકાય તેની સફળ મોકડ્રીલ કરવામાં આવી હતી. ભવિષ્યમાં પણ સમયાંતરે આ પ્રકારની મોકડ્રીલનું આયોજન ગોઠવીને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર પણ વધુ સઘન અને પરિણામલક્ષી બની રહે તેવા સતત પ્રયાસો જારી રખાશે. તેમ પણ તેવતિયાએ ઉમેર્યું હતું.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati