ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા નિર્દિષ્ટ અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેનાં અધિકારો એનાયત કરાયાં

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા નિર્દિષ્ટ અધિકારીઓને
ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેનાં અધિકારો એનાયત કરાયાં

રાજપીપલા,તા.4

ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન તથા તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ મતગણતરી હાથ ધરાનાર છે, જે અન્વયે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા નિર્દિષ્ટ સંબંધિત અધિકારીઓને વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધીનાં સમયગાળા માટે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ નાં અધિકારો એનાયત કરવાનો હુકમ કર્યો છે.

તદ્અનુસાર, ભારતના ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ નાં કામે નિયુક્ત કરેલ ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ કામગીરી માટે નિયુક્ત નોડલ ઓફિસરઓ, ઝોનલ અધિકારીઓ, ખાસ ઝોનલ અધિકારીઓ તથા રીઝર્વ ઝોનલ અધિકારીઓ, ફ્લાઇંગ સ્કવોર્ડના વડા, સ્ટેટીક સર્વેલન્સ ટીમના વડાને જે વિસ્તાર અને નિશ્વિત સમયગાળા માટે નિમણૂંક કરવામાં આવેલ હોય તે વિસ્તાર અને સમયગાળા માટે વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધીનાં સમયગાળા માટે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૨૧ મુજબ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા સદરહું અધિનિયમ તળે કલમ-૪૪ હેઠળ મેજીસ્ટ્રેટે પકડવા બાબત, કલમ-૧૦૩ હેઠળ પોતાની હાજરીમાં જડતી લેવાની મેજીસ્ટ્રેટની સત્તા, કલમ-૧૦૪ હેઠળ થયેલા દસ્તાવેજ વગેરે કબજે લેવાની સત્તા, કલમ-૧૨૯ હેઠળ મુલકી દળનો ઉપયોગ કરીને મંડળીઓ વિખેરવા બાબત અને કલમ-૧૪૪ હેઠળ ત્રાસદાયક બાબતો કે ભયનાં સંદેશાના તાકીદનાં સંજોગોમાં હુકમ કરવાની સત્તા જેવા અધિકારો જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી એનાયત કરાયાં છે.

વધુમાં, નોડલ ઓફિસરઓ, સેક્ટર અધિકારીઓ તથા અનામત સેક્ટર અધિકારીઓ ફ્લાઇંગ સ્ક્વોડના વડા, સ્ટેટીક સર્વેલન્સ ટીમના વડાની નિમણૂંકમાં ફેરફારના પ્રસંગે નવી નિમણૂંક પામેલ અધિકારી/કર્મચારીને પણ આ હુકમ લાગુ પડશે, તેમ પણ ઉક્ત જાહેરનામામાં વધુમાં જણાવાયું છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati