પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્વિત કરવામાટે આગોતરા આયોજનના ભાગરૂપે ટીમ નર્મદાને માર્ગદર્શન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્વિત કરવામાટે આગોતરા આયોજનના ભાગરૂપે
ટીમ નર્મદાને માર્ગદર્શન

નર્મદા જિલ્લામાં આવેલ વિવિધ પ્રવાસન સ્થળો-ધાર્મિક સ્થળો અને યાત્રાધામો ખાતે મુલાકાતી પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્વિત કરવા આગોતરા આયોજનના ભાગરૂપે વિસ્તૃત સમીક્ષાબેઠક

જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા આપત્તી વ્યવસ્થાપન તંત્રની બેઠક

રાજપીપલા,તા.3

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા આપત્તી વ્યવસ્થાપન તંત્રની સમયાંતરે યોજાતી સમીક્ષા બેઠકના ભાગરૂપે આયોજિત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની આજે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં તાજેતરમાં મોરબીની દુર્ધટનાને લક્ષમાં લઇને નર્મદા જિલ્લામાં આવેલ વિવિધ પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો અને યાત્રાધામો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય તેવા સ્થળોએ મુલાકાતી પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્વિત કરવા માટે વિશેષ ચર્ચા-વિચારણા કરાઇ હતી. અને સંભવત: જો કોઇ દુર્ધટના સર્જાય ત્યારે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ તંત્ર દ્વારા તેને ત્વરિત રિસ્પોન્સ મળવાની સાથે તાત્કાલિક અને ઝડપથી રાહત-બચાવના પગલાં સાથે જાન-માલને શક્ય તેટલું ઓછું નુકશાન થાય તેના આગોતરા આયોજન અને પૂર્વ તૈયારી સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને સંબંધિત વિભાગોને તે અંગે ઉપયોગી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધી, SOUADTGA ના અધિક કલેકટરરી હિમાંશુ પરીખ, નાયબ કલેકટર શિવમ બારીયા, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભયસીંગ સહિત સંબંધિત વિભાગોના અલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ જિલ્લાના એકતાનગર ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન-આકર્ષણ કેન્દ્રો, ધાર્મિક સ્થળો, યાત્રાધામો કે જ્યાં લોકમેળા ભરાતા હોય તેવા સ્થળોએ પ્રવાસીઓ-શ્રધ્ધાળુ યાત્રીઓની પૂરતી સલામતી વ્યવસ્થા સહિત જરૂરિયાત મુજબનો પોલીસ બંદોદબસ્ત, આરોગ્ય વિષયક સેવાઓની ઉપલબ્ધિ, અગ્નિ શમન સેવાઓ ઉપરાંત રાહત-બચાવની કામગીરી માટેની જરૂરી પૂરતી સાધન-સામગ્રીની ઉપલબ્ધિ સહિતની આનુસંગિક તમામ બાબતો અંગે પૂરતી કાળજી અને તકેદારી રાખવાની સાથે તે ઝડપથી ઉપલબ્ધ બની રહે તેવી બાબતોની ખૂબ જ ઝીણવટભરી ચકાસણી સાથે તેને સુનિશ્વિત કરી લેવા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને ખાસ સૂચના અપાઇ હતી.

જિલ્લા કલેકટર
શ્વેતા તેવતિયાએ નર્મદા જિલ્લામાં હવે પછી ભવિષ્યમાં યોજાનાર કે આયોજિત થનારા મોટા કાર્યક્રમો કે જ્યાં હજારો-લાખોની સંખ્યામાં લોકો ઉમટવાના હોય કે જે તે કાર્યક્રમમાં ભાગ લેવાના હોય તેવા કાર્યક્રમોની વિગતોથી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને આગોતરી જાણકારી સાથે સમયસર અવગત કરવા અને આ બાબતથી જિલ્લા ડિઝાસ્ટર તંત્ર સાથે સંકળાયેલા સંબંધિત તમામ વિભાગોના અમલીકરણ અધિકારીઓ એકબીજાના સુસંકલનમાં રહે તેવી કાર્ય પધ્ધતિ વિકસાવવા માટેની વિશેષ જરૂરિયાત પર ભાર મૂકી આ દિશામાં જિલ્લા પોલીસ તંત્રને નેતૃત્વ સંભાળવા ખાસ સૂચના તેમણે આપી હતી.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ ડિસ્ટ્રીક કન્ટીજન્સી પ્લાન સમયાંતરે જરૂરિયાત મુજબ અદ્યતન રહે તે જોવાની પણ ડિઝાસ્ટર કંટ્રોલના અમલીકરણ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી અને જિલ્લામાં સમયાંતરે જે તે વિસ્તારના સ્થળોએ સંભવત: દુર્ધટનાની મોકડ્રીલ યોજાતી રહે અને આવી મોકડ્રીલ બાદ સામે આવતા તારણોની દિશામાં પણ નક્કર-સચોટ અને અસરકારક કાર્ય યોજના ઘડી કાઢવા તેમણે સૂચના આપી હતી.

આ બેઠકમાં આગામી દિવસો અને સમયગાળામાં સંભવત: જે તે દુર્ધટના સંદર્ભે વિવિધ પ્રકારની મોકડ્રીલના આયોજન અંગે પણ સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને આ પ્રકારની જિલ્લામાં મોકડ્રીલ યોજાય ત્યારે ડિઝાસ્ટર કંટ્રોલ સાથે સંકળાયેલા સંબંધિત તમામ વિભાગોના અમલીકરણ અધિકારીઓને દુર્ધટના બન્યાની જાણ થયેથી તુરંત જ અને ત્વરિત રિસ્પોન્સ આપવા અને જે તે વિભાગોએ કરવાની થતી રાહત-બચાવની કામગીરી પણ વિના વિલંબે હાથ ધરાય તેની ખાસ કાળજી રાખવાની પણ સૂચના અપાઇ હતી. જે તે વિભાગો તરફથી આવી દુર્ધટના સમયે અપાનાર રિસ્પોન્સના સમયની પણ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ દ્વારા ખાસ નોંધ લેવામાં આવશે, જેની જે તે વિભાગોને ગંભીરતાથી નોંધ લેવા આ બેઠકમાં તાકીદ કરાઇ હતી.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati