*કુમકુમ મંદિર દ્વારા સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ૧૦૧ મી જયંતીની ઉજવણી કરવામાં આવશે.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*કુમકુમ મંદિર દ્વારા સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ૧૦૧ મી જયંતીની ઉજવણી કરવામાં આવશે.*

તા. ૯ – ૧૦ – ર૦રર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૦૧ વર્ષ શરદ્પૂર્ણિમાએ પૂર્ણ થતાં હોવાથી તેની ઉજવણી કરવામાં આવશે.

સવારે ૯ -૦૦ થી ૧ર – ૦૦ કુમકુમ મંદિર મણિનગર ખાતે વચનામૃત ગ્રંથની પારાયણ,યુવાનો દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાશે. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી “સદ્ગુરુ સ્વામી”ના જીવન ઉપર પ્રવચન આપશે.

સાંજે ૪ – ૦૦ થી ૭ – ૦૦ ધૂન, કીર્તનભક્તિ,કિશોરો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ, સંતવાણી,સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું ડીજીટલ માધ્યમથી જીવન દર્શન અને તેમના આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે.

રાત્રે ૮ – ૦૦ થી ૯ – ૦૦ કીર્તનભક્તિ, શરદપૂર્ણિમા પ્રસંગે રાસોત્સવ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમનું સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

*કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંગે જણાવ્યું હતું કે*, તેઓ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય છે.તેમણે આ પૃથ્વી ઉપર ૧૦૦ વર્ષ દર્શન આપ્યા અને ૮૦ વર્ષ સુધી સાધુ જીવન જીવ્યા છે.સંસ્કૃતિના પ્રચાર માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ઈ.સ.૧૯૪૮ માં આફ્રિકા ગયા હતા અને સદ્‌ સંસ્કારોનું સિંચન વિદેશમાં જઈને કરવાનો પ્રારંભ કર્યો હતો.

ભારતમાં ઠેર – ઠેર સંસ્કૃતિના આધાર સ્તંભો સમા મંદિરોના પાયા નાંખવા માટે કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને જમ્યા છે અને ઉઘાડા પગે ધોમધખતા તાપમાં માથે પોટલા ઉપાડીને ઘૂમ્યાં છે અને સત્સંગની અહેલક વગાડી છે,અનેક માણસોને વ્યસનમુક્ત કરીને સદાચારીમય જીવન જીવતાં કર્યા છે.

સદ્ગુરૂ સ્વામીને જોઈને તેમની સામે આવનાર વ્યક્તિના હૃદયમાં શાંતિ સ્થપાઈ જાય છે.ઘાટ – સંકલ્પો શમી જાય છે. મનમાં મુંઝવતા પ્રશ્નોના ઉકેલ મળી જાય છે. દિવ્યતાનો અનુભવ થાય છે.ભક્તિ ખીલે ઉઠે છે.

શાંતિ પમાડે તેને સંત કહીએ;
એના દાસાનુદાસ થઈને રહીએ રે.

એ પંક્તિઓ જાણે એમના દશને સાર્થક બની જાય છે.

સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીના મનુષ્ય સ્વરૂપના દર્શન કરેલા હોય તેવા તેઓ હાલ એક માત્ર સંત છે. જેમને દીક્ષા ગ્રહણ કરી ત્યારે વચનામૃતના આચાર્ય સદ્‌.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી હૃદય સરસા ચાંપીને બોલ્યા હતા કે, હવે મારી છાતી ઠરી.

એવા એ વિરલ સંત છે.

અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સેવા
અર્પી ત્યારે તેમની સાથે મંત્રી તરીકે રહીને સાધુ સમાજ દ્વારા સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવા પણ તેમણે કરી છે.

શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથમાં વર્ણવેલા સંતોના સર્વગુણો પોતાના જીવનમાં કેળવ્યા હતા.તેના કારણે તેમને ભગવાન સાથે સીધો સંબંધ હતો.તેઓ ભક્તોના દુઃખના નિવારણ માટે જે કાંઈ પ્રાર્થના કરતાં તે શ્રી સ્વામિનારાયણ ભગવાન સાંભળતા હતા અને દુઃખી લોકોના દુઃખનું નિવારણ થતું હતું.

સદ્ગુરૂ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એટલે સાધુતાની મૂર્તિ, ક્ષમાશીલ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અખંડ રહેનાર સંત.અનેક બાળ,યુવાન અને વડીલોની જીવન કેડીને કંડારનારા મહાપુરુષ.જેમણે પોતાનું સમગ્ર જીવન શ્રી મુક્તજીવન સ્વામીબાપાના વચનમાં રહીને તેમની સાથે સમર્પિત કર્યું છે. તેમણે ભારતમાં અને વિદેશમાં યુ.કે., યુ.એસ.એ.,કેનેડા,દુબઈ આદિ અનેક સ્થળોએ વિચરણ કર્યું છે અને અનેક મંદિરો પણ સ્થાપ્યા છે.જેઓએ પોતાના ૮૦ વર્ષ સાધુ જીવન જીવીને અનેકને સદાચારમય અને વ્યસન મુકત જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી છે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો.૯૮૯૮૭૬૫૬૪૮

TejGujarati