નર્મદા જિલ્લામાં એક જ દિવસમાં ૯૫ ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરતું જિલ્લા આરોગ્ય તંત્ર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પોલીયો રસીકરણ અભિયાનમાં નર્મદા જિલ્લામાં એક જ દિવસમાં ૯૫ ટકા
રસીકરણની સિદ્ધિ હાંસલ કરતું જિલ્લા આરોગ્ય તંત્ર

જિલ્લામાં ૦ થી ૫ વર્ષના ૪૮,૦૦૭ બાળકોના લક્ષ્યાંક સામે અંદાજે
૪૫,૪૩૮ બાળકોનું કરાયું પોલીયો રસીકરણ

રાજપીપલા,તા.19

રાજ્યભરમાં તા. ૧૮ મી સપ્ટેમ્બરથી પોલીયો રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં પણ રવિવારના દિવસે કુલ ૯૦૦ ની ટીમ તેમજ સમગ્ર જિલ્લામાં ૨૨૫ પોલીયો બુથો ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં આરોગ્ય તંત્ર સક્રિય રીતે પોલીયો રસીકરણની કામગીરીમાં જોતરાયા હતા.

નર્મદા જિલ્લામાં બુથ પર કરાયેલી પોલીયો રસીકરણની કામગીરીમાં લોકોએ પણ તેમના ૦ થી ૫ વર્ષના બાળકોને વહેલી સવારથી જ નજીકના બુથ પર લઇ જઇને પોલીયોના ટીપા પીવડાવી પોતાની ફરજ અદા કરી હતી. નર્મદા જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા નાના ભુલકાંઓને રસી પીવડાવી સરકારના પોલીયો મુક્ત ભારત અભિયાનમાં સહભાગી બન્યા હતા. આ અભિયાનમાં સરકારશ્રીની કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનને ધ્યાનમાં લઈને પોલીયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ રસીકરણ અભિયાનમાં તા.૧૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ કુલ ૪૮,૦૦૭ બાળકોના રસીકરણના લક્ષ્યાંક સામે અંદાજે કુલ ૪૫,૪૩૮ બાળકોને એટલે કે ૯૫ ટકા પોલીયો રસીકરણ એક જ દિવસમાં કરવામાં આવ્યું હતું. જ્યારે આ અભિયાનમાં બાકી રહેલા બાળકોને તા.૧૯ અને ૨૦ મી સપ્ટેમ્બરના રોજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ડોર-ટુ-ડોર કામગીરી કરવામાં આવી રહી છે. જે બાળકો પોલીયો રસીકરણમાં બાકી રહી ગયા છે, તેમને આ કામગીરી થકી સમાવેશ કરી સંપૂર્ણ રસીકરણ કરવા માટે જિલ્લાકક્ષાએથી સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા પોલીયો રસીકરણ અભિયાનમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનોએ બુથ પર ઉપસ્થિત રહીને ભુલકાંઓને પોલીયોના બે ટીપાં પીવડાવ્યા હતા. જે બાળકો રસીકરણથી બાકી રહી ગયા છે તેમના માટે ડોર-ટુ-ડોર કામગીરી પણ હાલ કરવામાં આવી રહી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

TejGujarati