પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે અનોખી ભેટ આપતાં પિંગડી ગામના સરપંચે 75,000 લોકોના અંગદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યાં

સમાચાર
અમદાવાદ, 17 સપ્ટેમ્બર, 2022: સમગ્ર ભારત અને વિશ્વભરમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે દાતા તરફથી અંગ મળવાની રાહ જોતા-જોતા મોતને ભેટે છે. આપણો દેશ તબીબી વિજ્ઞાન ક્ષેત્રે ખૂબજ ઝડપી પ્રગતિ કરી રહ્યો છે અને હવે અંગ પ્રોત્યારોપણ સહિત ઘણી જટિલ બિમારીઓની સારવાર આપણા દેશના દરેક મોટા શહેરોમાં હવે શક્ય છે. જોકે, કિડની, લીવર જેવાં મહત્વપૂર્ણ અંગો કામ કરતાં બંધ થઇ જવાની સ્થિતિમાં ડોનરની રાહ જોતાં દર્દીઓની યાદી સતત લાંબી થતી જાય છે અને તેની સામે ડોનરની સંખ્યા જાગૃતિના અભાવે ખૂબજ ઓછી છે. જેના પરિણામે દર્દીને બચાવી શકવાની સંભાવનાઓ હોવા છતાં તે મોતને ભેટે છે. આ પરિસ્થિતિમાં લોકોને અંગદાન વિશે જાગૃત કરવા સરકારની સાથે-સાથે ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિગત ધોરણે વિવિધ ઝુંબેશ શરૂ કરાઇ છે.
આ ઝુંબેશમાં નોંધપાત્ર યોગદાન આપવાના દ્રઢ નિશ્ચય સાથે પંચમહાલ જિલ્લાના પિંગડી ગામના સરપંચ અને માજી તાલુકા-જિલ્લા પંચાયત સદસ્ય વિજયસિંહ સોલંકીએ અંદાજે માત્ર નવ મહિનાના સમયગાળામાં 75,000 લોકોને અંગદાન માટે રાજી કર્યાં છે. આજે જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે અંગદાન-મહાદાન વિશે ગ્રામિણ વિસ્તારમાં લોકોને જાગૃત કરીને 75,000 લોકોને અંગદાન માટે રાજી કરવા એ વિજયસિંહ સોલંકી તરફથી પ્રધાનમંત્રીને એક અનોખી ભેટ બની રહેશે.
તેમની ઉત્કૃષ્ટ અને સમાજ માટે ઉપયોગી કામગીરીને બિરદાવતા ભારતીય જનતા પાર્ટીના ઉપ-પ્રમુખ અને માજી ગૃહમંત્રી શ્રી ગોરધનભાઇ ઝડફીયાએ તેમનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિતિ લોકોને સંબોધન કરતાં વિજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી લોકો રક્તદાન કરવાથી પણ ગભરાતા હતાં અને સરકારના અથાક પ્રયાસો બાદ હવે સામાન્ય વ્યક્તિ રક્તદાન કરવા તૈયાર થયાં છે. આ સ્થિતિને જોતાં અંગદાન તેમના માટે એકદમ નવો વિષય હતો અને વિશેષ કરીને ગ્રામિણ વિસ્તારના લોકોમાં અંગદાન સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ દૂર કરીને તેમને અંગદાન કરીને બીજા જરૂરિયાતમંદ વ્યક્તિનો જીવ બચાવવામાં સહભાગી બનાવવા એક મોટો પડકાર હતો. જોકે, મારી સાથે આ ઝુંબેશમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયાં અને આ મહાન કાર્યમાં તેમણે અભુતપૂર્વ યોગદાન આપ્યું તેની મને ખુશી છે.
તેમણે ઉમેર્યું હતું કે, આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમે 75,000 રજીસ્ટ્રેશન સાથે તેમને એક વિશેષ ભેટ આપી છે. લગભગ નવ મહિના પહેલાં મેં લોકોને અંગદાન માટે રજીસ્ટર કરાવવાની શરૂઆત કરી હતી અને આજે અમે એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મને વિશ્વાસ છે કે આગામી સમયમાં અમે વધુ લોકો સુધી પહોંચીને અંગદાન વિશે સામાન્ય જનતા વચ્ચે વધુ જાગૃતિ ફેલાવીશું.
આ કાર્યક્રમમાં અંગદાન મહાદાન સમિતિ, કાલોલ, પંચમહાલના દશરથસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ જાદવ, કુલદિપસિંહ સોલંકી, નટુભાઇ રબારી તથા ભરતસિંહ રાઉલજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે વિજયસિંહ સોલંકીના ઉમદા કાર્યોને વધુ આગળ ધપાવવાની કટીબદ્ધતાં વ્યક્ત કરી હતી.
TejGujarati