ગુજરાત માર્કેટિંગ સર્કલની વિશિષ્ટ પહેલઃ નવરાત્રી પહેલા સ્પોન્સર્સ ઇચ્છતા આયોજકો અને અગ્રણી કંપનીઓને એક મંચ ઉપર ભેગા કર્યાં

બિઝનેસ સમાચાર

 

 

અમદાવાદ, સપ્ટેમ્બર, 2022: નવરાત્રીમાં બ્રાન્ડ્સનો સંપર્ક કરવામાં ખૂબજ મૂશ્કેલી થતી હોય છે ત્યારે કર્મ ગ્રૂપ હેરિટેજ ગરબા 2022 દ્વારા ગુજરાત માર્કેટિંગ સર્કલ એસોસિયેશનના સહયોગથી એક અનોખો પ્રયાસ કરાયો હતો. આ અંતર્ગત ગુજરાત માર્કેટિંગ સર્કલ સાથે જોડાયેલી અગ્રણી કંપનીઓના 30 માર્કેટિંગ અને બ્રાન્ડિંગના વડા તથા પ્રોફેશ્નલ્સને નોવોટેલ હોટલમાં આમંત્રિત કરાયા હતાં. તેમની સમક્ષ નવરાત્રી મહોત્સવની સ્પોન્સરશીપ માટે પીચ પ્રેઝન્ટેશન કરાયું હતું તથા એક જ સ્થળેથી રૂ. 20 લાખની સ્પોન્સરશીપ મેળવી હતી.

 

કોરોના મહામારીને કારણે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવના આયોજનમાં વિક્ષેપ સર્જાયા બાદ પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારાને જોતાં આ વર્ષે સમગ્ર રાજ્યમાં ગરબા મહોત્સવના આયોજકો મોટાપાયે નવરાત્રી યોજવા તૈયારી કરી રહ્યાં છે. આ તમામ આયોજકોની સ્પોન્સરશીપ સંબંધિત સમસ્યાઓ અને પડકારોનો ઉકેલ લાવવા તથા તેમને રાજ્યની મોટી કંપનીઓ સમક્ષ નવરાત્રી આયોજનનું પ્રેઝન્ટેશન કરવા એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આજે ગુજરાત માર્કેટિંગ સર્કલ (જીએમસી) દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ દિશામાં પ્રથમ કદમ ભરતા ગુજરાત માર્કેટિંગ સર્કલે પ્રતિષ્ઠિત ગરબા આયોજક કર્મ ગ્રૂપને આમંત્રિત કરીને જીએમસીના મેમ્બર્સ સમક્ષ તેમની પ્રીમિયમ ગરબા ઇવેન્ટ હેરિટેજ ગરબા 2022 પીચ કરવા જરૂરી પ્લેટફોર્મ ઓફર કર્યું હતું. આ પહેલની સફળતાથી પ્રેરાઇને આગામી સમયમાં આજ પ્રકારના વધુ કાર્યક્રમો યોજવાનો જીએમસીનો ઉદ્દેશ્ય છે. આજના કાર્યક્રમમાં સામેલ 30 બ્રાન્ડ્સે ઓર્ગેનાઇઝર્સને 20 લાખની સ્પોન્સરશીપની કમીટમેન્ટ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અનંગ મિસ્ત્રી અને હેતલ શાહ જીએમસીના સ્થાપક સદસ્યો છે. તેમણે વર્ષ 2019માં 10 સદસ્યોથી આ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો અને આજે સદસ્યોની સંખ્યા વધીને 30 થઇ છે. આ એક પ્રકારનું સ્વૈચ્છિક સંગઠન છે, જેમાં સદસ્યે કોઇપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી.

આ અનોખી પહેલ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત માર્કેટિંગ સર્કલના સ્થાપક સદસ્ય અનંગ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પોતાના ક્ષેત્રોમાં બહોળો અનુભવ અને સમાન વિચારસરણી ધરાવતા આંત્રપ્રિન્યોર્સ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ, માર્કોમ પ્રોફાઇલ ધરાવતા પ્રોફેશ્નલ્સને ભેગા કરીને તેમના અનુભવો, વિચારો અને નવીન અભિગમો બીજા મેમ્બર્સ સાથે શેર કરવા એક મજબૂત પ્લેટફોર્મની રચના કરવા જીએમસીની શરૂઆત કરવામાં આવી છે. આજના ઝડપથી બદલાતા વિશ્વમાં ગુજરાતની બહાર દેશ અને વિદેશમાં કયાં ટ્રેન્ડ્સ ચાલી રહ્યાં છે, ઇનોવેશન વગેરે અંગે મેમ્બર્સને જાણકારી મળી રહે તેના માટે નિયમિત ધોરણે અમે વેબીનાર, ટોક શો, કોન્કલેવ, કોન્ફરન્સ, એવોર્ડ્સ વગેરેનું આયોજન કરતાં રહીએ છીએ.

 

તેમણે ઉમેર્યું હતું કે, હાલ જીએમસી સાથે 30 જેટલી પ્રતિષ્ઠિત કંપનીઓના માર્કેટિંગ અને બ્રાન્ડિંગના પ્રોફેશ્નલ્સ જોડાયેલા છે અને આ મહિનાના અંત સુધીમાં મેમ્બર્સની સંખ્યા વધીને 100 થવાનો અમારો અંદાજ છે. બહોળો અનુભવ ધરાવતા માર્કેટર્સ અને બ્રાન્ડ મેનેજરની ઉપસ્થિતિથી બીજા પ્રોફેશ્નલ્સને તેમના બિઝનેસ સામે સર્જાયેલા પડકારો અને સમસ્યાઓના ઉકેલ માટે જરૂરી માર્ગદર્શન પણ મળી રહે છે. આગામી 12 મહિનાના સમયગાળામાં આ પ્લેટફોર્મના માધ્યમથી અંદાજે રૂ. 100 કરોડની સ્પોન્સરશીપ આયોજકોને મળી રહે તેવું અમારું લક્ષ્ય છે.

 

મહત્વપૂર્ણ છે કે માત્ર અનુભવી પ્રોફેશ્નલ્સ જ નહીં, પરંતુ આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક મેનેજમેન્ટનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ કોલેજમાં મૂલ્યવાન જાણકારી મળી રહે તે હેતુથી જીએમસીના મેમ્બર્સ વિવિધ અગ્રણી કોલેજોમાં ટોક-શો પણ યોજે છે. તેનાથી આંત્રપ્રિન્યોર્સ અને પ્રોફેશ્નલ્સની નવી પેઢીને જરૂરી સજ્જતા કેળવવામાં મદદ મળી રહે છે.

 

જીએમસીના સ્થાપક સદસ્ય હેતલ શાહે કહ્યું હતું કે, સમાજના ઉત્કર્ષના ઉદ્દેશ્યથી તમામ બ્રાન્ડ્સે ભેગા મળીને વર્ષ દરમિયાન એક નહીં, પણ સમયાંતરે વિવિધ સીએસઆર પ્રવૃત્તિઓ યોજવાનું પણ નક્કી કર્યું છે. આ અંતર્ગત દરેક બ્રાન્ડ પોતાની રીતે આવશ્યક યોગદાન આપીને સમાજ પ્રત્યે તેમની જવાબદારી નિભાવવાની કટીબદ્ધતાને પરિપૂર્ણ કરશે.

TejGujarati