અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના એ.એસ.આઇ પરેશ ચાવડા નું નિધન

ગુજરાત ભારત સમાચાર

2016ની બેચના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર પરેશ ચાવડા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે પોતાના પરિવાર સાથે જન્માષ્ટમી ઉજવવા જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે આવેલા ખોરસાઆહીર ગામે ગયા હતા. જ્યાં તેમણે શનિવારના રોજ પોતાના મિત્રો સાથે ખોરાસા ડેમમાં નાહવા ગયા હતા. આ ડેમમાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમના મિત્રોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમને જ્યારે બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમનો જીવ બચાવવામાં નિષ્ફળતા મળી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASI પરેશ ચાવડાના કામથી સિનિયર અધિકારીઓ પણ પ્રભાવિત હતા. પોતાના જીવની ચિંતા કર્યા વગર ખુખાર આરોપીઓ સામે બાથ ભીડીલેનાર ASI પરેશ ચાવડાની એક બહાદુર અધિકારી તરીકેની છાપ હતી. હાલમાં તેઓ દાણીલીમડા પોલીસ લાઇન ખાતે પત્ની અને ચાર વર્ષના પુત્ર પૃથ્વી સાથે રહેતા હતા.
ક્રાઇમ બ્રાન્ચની નોકરીની સતત વ્યસ્થતા વચ્ચે પણ પરેશ ચાવડા સતત કસરત અને રનિંગ કરતાં હતા. પોતાની જેમ તેમનો દીકરો પણ શસક્ત રહે તે માટે નાનકડા દીકરા પૃથ્વીને પણ બગીચામાં પોતાની સાથે કસરત કરવા લઈ જતાં હતા. બે દિવસની રજા લઈ પોતાના ગામ ગયેલા પરેશ ચાવડા પાછા આવે તે પહેલા તેમના મૃત્યુના સમાચાર આવતા ક્રાઇમ બ્રાન્ચમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલમાં પરેશ ચાવડા ઇન્સ્પેક્ટર સંજય દેસાઇના સ્કવોડમાં ફરજ બજાવતા હતા. 27 વર્ષીય પરેશ ચાવડા વિવિધ ઓપરેશનોમાં કરેલી નોંધપાત્ર કામગીરીને લઈ હજી હાલમાં જ 15મી ઓગસ્ટના રોજ અમદાવાદ પોલીસ કમિશનરે તેમને પ્રશસ્તિ પત્ર આપી સન્માનીત કર્યા હતા.

TejGujarati