મોહર્મની ઉજવણી કૌમી એકતાના દર્શન સાથે તાજીયા ટાઢા થયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ

મોહર્મની ઉજવણી કૌમી એકતાના દર્શન સાથે તાજીયા ટાઢા થયા

અમદાવાદ શહેરમાં મોહરમના તહેવાર સાથે ભવ્ય તાજીયાનું સરઘસ હિન્દૂ મુસ્લિમ કૌમી એકતાના દર્શન સાથે સંપન્ન થયું. વ્યસસ્થા અને સંચાલનમાં શહેર પોલીસની ઉમદા અને સરાહનીય કામગીરી જોવા મળી.

ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહમદ (સ.અ.વ.) સાહેબના દોહિત્ર (નવાસા) હઝરત ઈમામ હુસૈન (અ.સ.) તથા તેમના ૭૨ સાથીઓએ સત્ય અને માનવતાના મુલ્યોના રક્ષણ માટે વોહરેલી ભવ્ય શહાદતની યાદમાં તા.૦૮/૦૮/૨૦૧૯ સોમવારે કતલની રાત અને યુદ્ધે આશુરાના ભવ્ય જુલુસ ખુબજ દબદબા સાથે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા.

કતલની રાત્રે અલગ અલગ વિસ્તારમાં તાજીયાના જુલુસ પોતાના નિયત માર્ગ પર નીકળ્યા હતા. તાજીયાના આ પાંચ સમુહમાં વહેંચાયેલા ભવ્ય જુલુસને જોવા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધીમાં તમામ તાજીયા પરત પોતાના સ્થાને ઇમામવાડામાં પાછા ફર્યા હતા.

બપોરની નમાઝ બાદ તમામ તાજીયા આગળ એકઠા થએલા શ્રધ્ધાળુઓએ અલ્લાહો અકબર” તથા “યા હુસૈન” નો બુલંદ નારાઓથી તથા ઢોલ-તાસા, છેયમના ગડગડાટ સાથે તાજીયાના જુલુસનો પ્રારંભ કર્યો હતો. તેના પસાર થવાના માર્ગ ઉપર કોમી એકતા અને સદભાવનાના પ્રતિક તરીકે ઠેર ઠેર મહોલ્લા સમિતિ, શાંતિ સમિતિ તથા સામાજિક સંગઠનોએ શ્રધ્ધાજલી આપી સ્વાગત કર્યું હતું. શહેરના નિયત માર્ગ ઉપરથી પસાર થઈ આ જુલુસ વીજળીઘર પાસે એક મહા જુલુસના સ્વરૂપે બદલાઈ દીનબાઈ ટાવર થઇ ખાનપુર દરવાજા પાસેથી સાબરમતી નદી કિનારે લઇ જવાયા હતા.

આ વર્ષે સાબરમતી રિવરફ્રન્ટમાં હોટલ લેમન ટ્રીની પાછળ નંબરના તાજીયાને ઠંડા કરવા માટે ત્રણ મોટા હોજ (કુંડ)ની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં નંબરના તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા. ઉપરાંત એલિસબ્રિજ અને નહેરૂ બ્રિજની વચ્ચે આવેલ ખુલ્લી જગ્યામાં મન્નતના તાજીયાને ઠંડ કરવા માટે અન્ય બે હોજ (કુંડ)ની વ્યવસ્થા કરવામાં આવી હતી. તાજીયા કમિટી તથા ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓની આ નવી પહેલને તાજીયાના જુલુસમાં શામેલ લોકોએ બિરદાવી હતી.

આ વખતે તાજીયાના જુલુસ પરવાનેદાર ૯૩ તાજીયા, ર૪ અખાડા, ૭૮ ઢોલ તાંસા તથા ધૈયમ પાર્ટીઓ, ૨૦ લાઉડ સ્પીકરો, ૧ અલમ નિશાન પાર્ટીઓ, ૧૦ માતમી દસ્તાઓ, ૨૪ ટ્રક તથા ૧૦ ઊંટગાડીઓ અને અન્ય વાહનો જોડાયા હતા.

સવારે ૯ વાગ્યાથી જ મન્નતનાં તાજીયાનો આરંભ થઇ ગયો હતો. આ તાજીયા જુદા જુદા વિસ્તારોમાંથી થઈ આસ્ટોડિયા રોડ ઉપર થઇ એલીસબ્રીજ અને નહેરૂબ્રિજની વચ્ચેની ખુલ્લી જગ્યામાં બનાવેલ હોજ (કુંડ)માં મન્નતના તાજીયાને ઠંડા કરવામાં આવ્યા હતા જેમાં મન્નતના તાજીયામાં પણ હજારો લોકોએ ભાગ લીધો હતો.

રસ્તામાં ઠેર ઠેર શણગારેલી પાણીની પરબો પરથી ન્યાઝમાં દુધ તથા શરબત વહેચવામાં આવ્યું હતું. તાજીયાના પસાર થવાના માર્ગો ઉપર ભારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

આ વખતે પણ દેશના અલગ અલગ રાજ્યોના કારીગરો દ્વારા સુંદર કોતરણી અને વિવિધ વસ્તુઓમાંથી બનાવેલ તાજીયા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભારતીય સંસ્કૃતિ તેમજ ઇસ્લામિક કલ્ચરનું વિવિધ રંગીન ડીઝાઈનો, લાઈટ તેમજ કોમ્પ્યુટર અને અન્ય યંત્રોનો ઉપયોગ કરી બનાવેલા તાજીયા લોકોને ખુબજ આકર્ષતા હતા, અને આ તાજીયાને જોવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો, બાપુનગર, રખિયાલ વિસ્તારના ભવ્ય તાજીયાઓની અદભૂત કલાકૃતિઓ શહેરના લોકોને જોવા મળી હતી. વિશાળ માતમી દસ્તાઓ, નિશાન તથા અલમ પાર્ટીઓએ જુલુસમાં જોડાઈ જુલુસને ભવ્યતા અર્પણ કરી હતી.

આ વર્ષે તાજીયાના જુલુસમાં ૨૪ અખાડા જોડાયા હતા. જેમાં પરંપરાગત સાધનો લાઠી, બનેઠી, તલવાર વેઇટલીફટીંગ તેમજ જીમ્નેશિયમના પ્રયોગો દ્વારા અખાડા રમતવીરોએ લોકોને અકર્ષ્યા હતા લોકોએ પણ આ રમતવીરોને બિરદાવ્યા હતા અને તેમને પ્રોત્સાહન મળે તે માટે ઇનામો પણ આપવામાં આવ્યા હતા. તાજીયાના આ જુલુસની સમગ્ર વ્યવસ્થા કમિટીના અગ્રણીઓ ચેરમેન શ્રી પરવેઝ જે વી મોમીન, શેરઅલીભાઈ ટીનવાલા, નુરભાઈ શેખ સલીમભાઈ છીપાએ સાંભળી હતી અને સુંદર આયોજન કર્યું હતું.

TejGujarati