આરોગ્યમંત્રી રુષિકેશ પટેલે સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરની બીજી બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું

સમાચાર

 

છેલ્લાં નવ વર્ષમાં સેતુએ 7,000થી વધુ દિવ્યાંગ બાળકોની સફળ સારવાર કરી

આ સેન્ટર દિવ્યાંગ બાળકોને વિવિધ સારવાર અને તાલીમ પ્રદાન કરશે

અમદાવાદઃ દિવ્યાંગ બાળકોને વિવિધ પ્રકારની સારવાર અને તાલીમ પ્રદાન કરતાં સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરે શહેરમાં તેની બીજી બ્રાન્ચ શરૂ કરી છે. આ સાથે સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર તેની બે બ્રાન્ચ સાથે સમગ્ર રાજ્યમાં સૌથી મોટું મલ્ટીડિસિપ્લિનિરી ક્લિનિક બન્યું છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી રુષિકેશ પટેલ, રાજ્યસભા એમપી નરહરિ અમીન અને અમદાવાદના મેયર કિરિટ પરમારે આજે શહેરના મોટેરા ખાતે સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરની બીજી શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનું એક સેન્ટર પહેલેથી જ નરોડામાં કાર્યરત છે.

વર્ષ 2013માં ડો. અર્થ પટેલ અને ડો. પ્રકૃતિ પટેલ દ્વારા સ્થપાયેલ સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર દિવ્યાંગ બાળકોને વિવિધ કૌશલ્યો વિકસાવવામાં મદદરૂપ બનતા વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરે છે. અસરકારક કાર્યપદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વિકૃત સારવારના માધ્યમથી સેન્ટર બાળકોના મહત્વપૂર્ણ વર્ષોમાં તેમના માનસિક વિકાસને પોષે છે. વૈશ્વિક સ્તરે પણ સ્વિકારવામાં આવ્યું છે કે દિવ્યાંગ બાળકોને શરૂઆતી દિવસોથી જ યોગ્ય મનોવૈજ્ઞાનિક કેરની જરૂર હોય છે.

આ કાર્યક્રમમાં ડો. અર્થ પટેલે જણાવ્યું હતું કે, “સેતુ ખાતે અમારું મીશન શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે અશક્ત બાળકોને પ્રોત્સાહિત કરીને આગળ લાવવાનો છે કે જેઓ બીજા સાથે કમ્યુનિકેટ કરવામાં મૂશ્કેલી અનુભવે છે. અમને ગર્વ છે કે અમે છેલ્લાં નવ વર્ષમાં 7,000થી વધુ દિવ્યાંગ બાળકોની સફળતાપૂર્વક સારવાર કરી છે. હવે અમે અમદાવાદમાં બીજા સેન્ટરની શરૂઆત કરી છે, જેથી અમારી કુશળતા અને અનુભવ વધુ બાળકો માટે ઉપલબ્ધ બની શકે.”

વિવિધ અભ્યાસો મૂજબ વિશ્વભરમાં પ્રત્યેક દસમાંથી એક બાળક એક અથવા બીજા પ્રકારની વિકલાંગતાથી પીડિત છે. તેમાં ઓટિઝમ પ્રત્યેક 100માંથી એક બાળકને, અટેન્શન-ડેફિસિટ/હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર દર 100માંથી છ બાળકોને અસર કરે છે તેમજ સેરેબ્રલ પાલ્સી દર 1,000માંથી આશરે ચાર બાળકોને અસર કરે છે.

ભારતમાં પ્રત્યેક એક લાખમાંથી 230 બાળકો ઓટિઝમ, જ્યારે કે અટેન્શન-ડેફિસિટ/હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર આશરે 11 ટકાને અસર કરે છે. સેરેબ્રલ પાલ્સીથી આશરે 25 લાખ બાળકો પીડિત હોવાનો અંદાજ છે.

ડો. પ્રકૃતિ પટેલે જણાવ્યું હતું કે, “અમે અમદાવાદ, ગુજરાત, બીજા રાજ્યો અને અન્ય દેશના દિવ્યાંગ બાળકોને વિશિષ્ટ તાલીમ અને થેરાપી આપીએ છીએ. અમે તેમની યોગ્ય તાલીમ અને ઇન્ટરેક્ટિવ ક્ષમતાઓ વિકસાવીને કમ્યુનિકેશન સંબંધિત સમસ્યાઓમાંથી બહાર આવવામાં મદદરૂપ બનવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. અમને સંતોષ છે કે હજારો બાળકોએ અમારા સપોર્ટ અને તાલીમ દ્વારા જન્મજાત ક્ષમતા હાંસલ કરી છે.”

સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર બાળકોને શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ અને સ્રોતોથી તેમને પોતાની જાતની ઓળખ કરવામાં મદદ કરે છે. સેન્ટર ખાતે ક્લિનિકલ ચાઇલ્ડ સાઇકોલોજી, ડેવલપમેન્ટલ અસેસમેન્ટ, પેરેન્ટ્સ ટ્રેનિંગ, કાઉન્સિલિંગ, સ્પેશિયલ એજ્યુકેશન, ટેપિંગ (ઇમોશનલ ફ્રીડમ ટેકનીક તરીકે પણ ઓળખાય છે), કમ્યુનિકેશન થેરાપી, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી, પ્લે થેરાપી, સ્પીચ થેરાપી, અક્યુપેશનલ થેરાપી, ન્યુરો ડેવલપમેન્ટ થેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી, ફિઝિયોથેરાપી વગેરે સહિતની સેવાઓ ઉપલબ્ધ છે. સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણાં પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પણ મેળવ્યાં છે.

 

 

 

TejGujarati