મારો સોળ શણગાર, મારા અંતરનો આતમ છે રાધા, કોઈ મને પૂછશો મા કોણ હતી રાધા?” સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આજે થોડુંક મારા હૈયાના હાર એવા મારા પરમ મિત્ર, માત, તાત, અને મારું સઘળું એવા માધવ(કૃષ્ણ )વિશે થોડીક જાણી-અજાણી વાતો અને રાધા કૃષ્ણના અમર પ્રેમની થોડીક પ્રેમભરી વાતો….

“દ્વારકામાં કોઈ તને પૂછશે, કાન!ગોકુળમાં કોણ હતી રાધા, તો શું રે જવાબ દઈશ માધા?
સઘળો સંસાર મારો સોળ શણગાર,મારા અંતરનો આતમ છે રાધા, મને કોઈ મા પૂછશો કે કોણ હતી રાધા…”

ઈસુદાન ગઢવીની ઉકત પંક્તિઓને ટાંકીને આજે મારે વાત કરવી છે બે એવા પાત્રોની કે, જેમની વચ્ચે અલૌકિક અને ઉત્કૃષ્ટ પ્રેમ હતો. એમને ના મળવાની ચાહના હતી કે ના એકબીજા પાસેથી કંઈક મેળવી લેવાની ચાહના. છતાં એ બન્ને પવિત્ર હૃદયો એકબીજા માટે જ જીવતાં હતાં. એ બે પાત્રો એટલે કૃષ્ણ અને રાધા.જ્યારે આપણે એક સાથે કૃષ્ણ અને રાધા બોલીએ ત્યારે આપણી આંખો સમક્ષ પ્રેમનું આખું ચિત્ર જ ખડું થઈ જાય છે. કૃષ્ણને રાધા અને વાંસળી બન્નેથી ખૂબ જ પ્રેમ હતો. કૃષ્ણએ સૌથી વધુ વાંસળી રાધાના કહેવાથી જ વગાડેલી. માટે જ વાંસળી પ્રેમનું પ્રતિક મનાય છે.
ઘણા રાજ્યોમાં રાધાને કાલ્પનિક પાત્ર માનવામાં આવે છે, તેનું કારણ ભાગવત જેણે પણ વાચ્યું છે, તેમાં “દશમસકંધ”માં મહારાસનું વર્ણન છે બાકી ક્યાંય રાધાજીનો ઉલ્લેખ નથી. ક્યાંક ગોપીઓને પણ કાલ્પનિક જ માનવામાં આવે છે. રાધા અને ગોપીઓ તો કૃષ્ણની શક્તિઓ હતી અને તેમણે નારીનું રૂપ લીધું હતું. “ગર્ગસંહિતા”ના રચયિતા યદુવંશીઓ (કંસ)ના કુલગુરુ ઋષિ ગર્ગમુનિ હતા તેમણે પોતાના ગ્રંથમાં રાધા અને કૃષ્ણના સમર્પણયુક્ત પ્રેમનો મહિમા આલેખ્યો છે.
ભગવાન કૃષ્ણએ રુકમિન નામના રાજાની વિરુદ્ધ જઈને રુક્મણી સાથે વિવાહ કરેલા.રુકમિનની ઈચ્છા પોતાની બહેનના લગ્ન બીજે કરવાની ઈચ્છા હતી પણ રૂક્ષ્મણીજી કૃષ્ણને ચાહતા હતા. રૂક્ષ્મણીએ કૃષ્ણને જો કૃષ્ણ તેની સાથે લગ્ન નહી કરે તો તે જ ઘડીએ પોતાનો દેહ ત્યાગી દેશે તેવું કહેલું. કંસના વધ પછી ક્રોધે ભરાયેલા કંસના બનેવી મગધના સમ્રાટ જરાસંઘે ગોકુળ પર ચડાઈ કરેલી આખરે ગોકુળને તેના ત્રાસમાંથી છુટકારો આપવા માધવ એ ગોકુળ છોડવાનો નિર્ણય કર્યો.
કહેવાય છે કે કૃષ્ણ જ્યારે ગોકુળથી વિદાય લેતા હતા ત્યારે દરેકની આંખમાં આસું હતા પણ એક રાધાજી ના આંખો અને હોઠ ઉપર હાસ્ય હતું તેથી જ કહેવાય છે કે રાધા કૃષ્ણના પ્રેમમાં બલિદાન વધુ હતું. કૃષ્ણ જ્યારે હળવે હળવે ચાલીને ગોકુળથી બહાર જતા હોય છે ત્યારે રાધાજી દોડીને તેમની પાસે પહોંચી જાય છે અને કૃષ્ણની કેડમાંથી વાંસળી ખેંચી લે છે. અને તેમની પાસે રાખે છે અને ત્યારથી કૃષ્ણએ રાધાજી એ દેહત્યાગ કર્યો તે સમય સિવાય ક્યારેય વાંસળી નથી વગાડી.
દ્વારકામાં જ્યારે લોકો પૂછે છે કે માધવ વાંસળીનો સુર સાંભળવો છે. ત્યારે કૃષ્ણ કહે છે કે,જેણે વાંસળી લઈ લીધી હતી તેણે સુર પણ લઈ લીધો હતો.
દ્વારિકામાં જઈને કૃષ્ણને રાધા, ગોપીઓ, ગોપો અને ગાયોની ખૂબ જ યાદ આવે છે. તેઓ ગોકુળ સામે મો કરીને રડતા હોય છે. ત્યારે અચાનક ત્યાં ઓધવજી આવી પહોચેં છે અને કહે છે માધવ તમારી આંખમાં આસું!કૃષ્ણ કહે છે ઓધવ મને ગોકુળ સાંભર્યું છે રાધા યાદ આવી છે તું મારો સંદેશો લઈને ત્યાં જઈશ? ઓધવજી કહે છે હા કાનજી હું અવશ્ય જઈશ અને તારા હૃદયની ઊર્મિઓને રાધા સુધી પહોંચતી કરીશ. અને ઓધવજી નીકળી પડે છે ગોકુળ જવા. ગોકુળ પહોંચતા જ ઓધવજીને ગામના ચોરે બેસેલા ગોવાળો મળે છે. અને તેઓ ઓધવજીને જોઈને તેમની નજીક જાય છે અને કહે છે. ‘માધવે શું સંદેશ આપ્યો છે?’ ત્યારે ઓધવજીને આશ્ચર્ય થાય છે અને તેઓ ગોવાળોને પૂછે છે કે, “તમને કઈ રીતે ખબર પડી કે મને કૃષ્ણએ જ મોકલ્યો છે.” ત્યારે ગોવાળો ખૂબ જ નમ્રતાથી કહે છે કે, ‘અમને તમારા દેહમાંથી અમારા કૃષ્ણની સુગંધ આવે છે.’ઓધવજી ગોપોને પૂછે છે, “મારે રાધાને મળવું છે. આપ મારી મદદ કરશો અને કહેશો કે તે અત્યારે ક્યાં છે?” ત્યારે ગોવાળો આંગળી ચીંધીને એક પાણીનો રેલો બતાવે છે અને કહે છે, ‘આ રેલાની સાથે સાથે ચાલ્યા જાવ આ રેલો જ્યાં અટકશે જ્યાં તેનો અંત હશે ને ત્યાં રાધાજીની આંખો હશે. ત્યાં તમને રાધાજીનો સાક્ષાત્કાર થશે.’
ઓધવજી આટલી વાત સાંભળી વિચારમગ્ન થઇ જાય છે અને પ્રેમના પ્રતિકસમા રાધા અને કૃષ્ણ વચ્ચેના પવિત્ર બંધનને બે હાથ જોડી પ્રણામ કરે છે.. કહેવાય છે કે ગોકુળમાં રાધાજીના આસુંઓના રેલા આંખથી માંડી આખા ગામમાં ફેલાયેલા હોય છે કે ગોકુળમાં વસંત આવતી જ નથી. ત્યાં બારમાસ ચોમાસુ હોય છે તેનું મૂડ કારણ રાધાજીનો કાનજી માટેનો પ્રેમ અને તેમની યાદમાં સારેલ આસું છે.
કહેવાય છે કૃષ્ણના ગયા પછી રાધાજી એ યાદવકુળમાં લગ્ન કરેલા અને તેમણે પોતાનો સંસાર ખૂબ જ સારી રીતે ચલાવેલો.દાંમ્પત્ય જીવનની સઘળી રસમો તેમને ખુબ જ ભાવથી નિભાવેલી. પણ મનમાં તો તેમના કૃષ્ણ જ રહેલા. તેમના પતિ આ વાત બહુ સારી રીતે જાણતા હતા. રાધાજીના પતિ રાધા કૃષ્ણ જ્યાં રાસલીલા કરતા હતા ત્યાં જવાનુ ક્યારેય પણ પસંદ નહોતા કરતા કારણકે તે સ્થળ પર હક ફક્ત રાધા અને કૃષ્ણ નો જ છે તેવું તેવો માનતા હતા. તેઓ રાધા અને કૃષ્ણના પ્રેમને આદર આપતા હતા. તેઓ રાધાજીને ખૂબ જ ચાહતા હતા પણ રાધાજીનું મન કૃષ્ણ તરફ વરેલું છે તે પણ જાણતા હતા. રાધાજીના પતિ વિશેની માહિતી “બ્રહ્માવૈવર્ત” પુરાણમાં મળી આવે છે. આ પુરાણ વેદવ્યાસરચિત અઢાર પુરાણોમાંથી એક છે. કહેવાય છે કે રાધાજીના લગ્ન થયાં ત્યારે તે પોતાના ઘરને છોડીને ચાલી ગયેલા પણ પોતાનો પડછાયો ઘરે રહેલી માતા કીર્તિના દેહમાં મૂકીને ગયેલા. આમ છાયા સ્વરૂપે કીર્તિના લગ્ન યશોદાના ભાઈ ગોપા સાથે થયા હતા. આથી સંબંધમાં રાધાજી કૃષ્ણના મામી થતાં હતાં.કહેવાય છે કે રાધાજીને અચાનક જ કૃષ્ણ સાંભરી આવે છે તેથી તે દ્વારિકા પહોચેં છે. રાધાને જોઈને કૃષ્ણના સાતેય કોઠે દિવા ઝગમગી ઉઠે છે અને તેઓ રાધાજીને દાસી તરીકે તેમની પાસે રાખે છે. તેઓ દાસી દેવિકા થઇને ખૂબ જ પવિત્ર ભાવથી કૃષ્ણની સંભાળ લે અને તેમને મનોમન ચાહ્યા કરે છે. સમય જતા રાધાજીને એવુ લાગે છે કે હવે મારી મૃત્યુની ઘડી નજીક આવી રહી છે એટલે મારે હવે અહીંયાથી ચાલ્યા જવું જોઈએ અને તેઓ ત્યાંથી નીકળી જાય છે.ત્યારે કૃષ્ણને પોતાની એક અંતિમ ઈચ્છા કહે છે કે કૃષ્ણ તેં ગોકુળ છોડ્યું ત્યારે વાંસળી પણ છોડી દીધેલી, પણ આજે મારે એ વાંસળીના સુર મરતા મરતા સાંભળવા છે. કૃષ્ણ ભારે હૈયે વાંસળી વગાડે છે અને રાધાજી દેહ ત્યાગ કરે છે.કૃષ્ણનું હૈયું એટલું ભારે થઇ જાય છે કે, જાણે હૃદયમાં કંઈક સમાઈ ગયું. ત્યાર પછી કૃષ્ણ તેમની અદ્ભૂત વાંસળી ફેંકી દે છે અને ત્યાર પછી તેઓએ ક્યારેય વાંસળી વગાડી નથી.
આમ પ્રેમની પૂજા કરવા માટે રાધા અને કૃષ્ણ ઉત્તમ ઉદાહરણ છે એટલે જ પ્રેમીઓ પોતાની પ્રેમિકાઓને રાધા શબ્દથી સંબોધે છે. દરેકના ઘરમા રાધા અને કૃષ્ણની સાથે મૂર્તિ હશે જ અને તે દરેકના જીવનમા રાધા અને માધવ જેવો પ્રેમ બની રહે તે માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
ઈસુદાન ગઢવીની રચનાનાની પંક્તિઓ આગળ વધારી કહેવું હોય તો કહીશ કે,
“કૃષ્ણ તને દ્વારિકામા જઈશ ત્યારે લોકો પૂછશે કે કોણ હતી રાધા તો માધા તું શું જવાબ દઈશ?
કૃષ્ણ કહે છે,
ગોકુળ, વનરાવન, મથુરાને દ્વારકા એ તો મારા અંગ ઉપર પહેરવાના વાઘા,
રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ નહી તો રાખીએ આઘા,
સઘળો સંસાર, મારો સોળ શણગાર, મારા અંતરનો આતમ છે રાધા,
કોઈ મને પૂછશો મા કોણ હતી રાધા?”
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

TejGujarati