ભિક્ષુક ભિક્ષા લેવા આવે એ અતિથિ છે. ભોજન ભોગ છે,ભિક્ષા યોગ છે.ભોજન ભેદ કરે છે,ભિક્ષા ભેદ મટાડે છે. ભિક્ષાટન અધ્યાત્મિક માર્ગનું એક સાધન છે.

ધાર્મિક

 

રામરૂપી શાશ્વત ફૂલની મહેક હનુમાન છે.

સેવા સિંહાસન નહીં પણ દર્ભનું આસન છે,આથી

સેવા સમતાથી,મમતાથી,ક્ષમતાથી અને નમ્રતાથી કરો.

આઝાદી અમૃતપર્વ પર હર ઘર તિરંગો લહેરાય:બાપુની અપીલ.

 

આઠમા દિવસની કથામાં બાપુએ જણાવ્યું કે સ્મિતને આપણે અતિથિ કહીએ છીએ.સ્મિત થાકેલા માટે વિશ્રામ,ઉદાસ માટે પ્રકાશ અને કષ્ટદાયીઓને પ્રકૃતિનો સર્વોત્તમ ઉપહાર છે.એક કળી ખીલે છે તો એનું ખીલવું અને ખૂલવું અતિથિ છે,કારણ કે નિશ્ચિત સમય પર એ ખીલતી નથી.પુષ્પવાટીકાના પ્રસંગમાં તુલસીજી લખે છે:દેખન મિસ મૃગ બિહગ તરુ… એટલે કે સીતાજી જ્યારે પુષ્પવાટિકામાં રામને જુએ છે ત્યારે મૃગલાઓ પક્ષીઓ અને તરુવરને જોવાના બહાને રામને જોઈ જોઈ લે છે.શા માટે?કારણ કે આગળની લીલામાં મૃગ બનીને મારીચ આવશે, પક્ષીને એટલે જુએ છે કે હવે પછીની લીલામાં જટાયુ પણ રામને જોશે અને રામ સુતિક્ષણ અને સુગ્રીવને એક વૃક્ષની લતાની પાછળથી જુએ છે,આ બધી જ સ્મૃતિઓની જાણે સીતાજી યાદ અપાવે છે.

આજની કથામાં વ્યાસપીઠની વંદના કરવા માટે અહીંના મુખ્યમંત્રી અને તેમના ધર્મપત્ની ઉપસ્થિત હતા.

પ્રકૃતિના પ્રત્યેક અંગથી હરિને જોવાનું બહાનું છે. પહાડમાંથી નીકળતું ઝરણું અને સરિતા પણ અતિથિ છે.કોઈ ભિક્ષુક ભિક્ષા લેવા આવે એ અતિથિ છે. તિથિની સાથે ભોજન અને અતિથિ સાથે ભિક્ષા જોડાયેલી છે.ભોજન ભોગ છે,ભિક્ષા યોગ છે.બુદ્ધ જ્યારે ભિક્ષાટન કરવા માટે પોતાના જ ગામમાં જાય છે અને બધા જ પરિવારજનો મળે છે એ વખતે એ કહે છે કે ભિક્ષાટન અધ્યાત્મિક માર્ગનું એક સાધન છે.કોઈપણ વસ્તુ વિકસિત થાય એ સાર્થક છે,એક જ જગ્યાએ રોકાઈ જાય એ નિરર્થક છે.કથા પણ જો અહીં રોકાઈ જાય તો નિરર્થક છે પણ વિસ્તરિત થાય તો સાર્થક છે.રામરૂપી શાશ્વત ફૂલની મહેક હનુમાન છે.ભારતનું અધ્યાત્મ કહે છે કે નિરર્થકતામાં પણ સાર્થકતા શોધો પણ ઘણા દર્શનો એવા છે જે સાર્થકતામાંથી પણ નિરર્થકતા શોધતા હોય છે.પરંતુ પરમાત્માની સૃષ્ટિમાં કંઈ પણ નિરર્થક નથી.બાપુએ કહ્યું કે શિવરાત્રી પછી આવતા ફેબ્રુઆરીમાં લુંબિની નેપાળ ખાતે પણ એક કથા કરવાની છે.સાધુ જેના ઘરની રોટી લે છે એને એનો પૂરો ભંડાર ભરી દેતા હોય છે અને પોતાના ભાગ્યની અન્નપૂર્ણા પણ આપી દેતા હોય છે.બાપુએ ખાસ જણાવ્યું કે સંકલ્પ કરો કે સાધન-સંપન્ન લોકો પોતાનું ભોજન બનાવે ત્યારે પોતાના નોકર-ચાકર માટે પણ એ જ ભોજન બનાવે.એ બધાનું ભોજન અલગ કેમ?જ્યાં સુધી સમાનતા નહીં આવે રામકથા ઉતરશે નહીં,અને આવું કરશો તો આપને ત્યાં ક્યારેય ખૂટશે નહીં. તમારા ફેક્ટરી અને કારખાનામાં કામ કરતાં કર્મચારીઓને પણ ભોજન કરાવો અને હવેથી આ બધું થઈ રહ્યું છે એનો આનંદ પણ છે.બાપુએ કહ્યું કે ભિક્ષા સમાનતા લાવે છે અને અહંકારને ઓછો કરે છે.ભોજન ભેદ કરે છે,ભિક્ષા ભેદ મટાડે છે. ભોજનમાં સંકેત કરાતો હોય છે પરંતુ ભિક્ષામાં સંકેત હોતો નથી.ભોજનમાં તૃપ્તિ નથી હોતી અને ભિક્ષા તૃપ્ત કરે છે.જ્યારે ભગવાન બુદ્ધ ભિક્ષાટન માટે આવે છે અને માતા એને પ્રશ્ન પૂછે છે ત્યારે ભગવાન બુદ્ધ પાંચ પ્રકારની વિરતી-વૈરાગ્ય વિશે કહે છે:સૈયા અને મહાશૈયાથી વિરતિ-એટલે કે વિહારનો ત્યાગ. ગંધ અને માળાથી વિરતિ-ભોગ વગેરે સાધનોનો ત્યાગ.અસમય ભોજનથી વિરતિ.સુવર્ણ આદિનો ત્યાગ અને ભિક્ષાવૃત્તિથી જ ભોજન લેવું.ભિક્ષાહારો નિરાહારો.ભિક્ષાનો આહાર એ નિરંતર ઉપવાસ છે.બાપુએ જણાવ્યું કે સેવા સિંહાસન નહીં પણ દર્ભનું આસન છે અને આથી જ ગર્ભના ચાર ખૂણાઓની જેમ સેવા સમતાથી કરો, સેવા મમતાથી કરો,સેવા ક્ષમતાથી કરો અને સેવા નમ્રતાથી કરો.

આઝાદીને ૭૫ વર્ષ થયા અને અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે બાપુએ જણાવ્યું કે આવતીકાલે કથાનો વિરામદિન છે આ કથા આઝાદીના અમૃત મહોત્સવને અર્પણ કરીશું અને સાથે-સાથે એ પણ જણાવ્યું કે દરેક ઘર પર તિરંગો લહેરાવો જોઈએ.બધાને નમ્રતા ભરી અપીલ કરી કે હર ઘર ઉપર તિરંગો લહેરાય એ આપણા આદરણીય પ્રધાનમંત્રીની પણ અપીલ છે,ગુજરાત સરકારની પણ અપીલ છે આવનારા દિવસોમાં નિયમ મુજબ દરેક ઘર પર ઝંડો લહેરાય એવી પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી

TejGujarati