વ્યક્તિત્વ વિકાસ માટે બ્રહ્મચર્ય પાલનની અનિવાર્યતા કેટલી? – શિલ્પા શાહ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ગયા સપ્તાહે કોલેજમાં મે વ્યક્તિત્વ વિકાસ અંગેના એક સેમિનારનું આયોજન કરેલું જેમાં વ્યક્તિત્વ કોને કહેવાય, વ્યક્તિત્વ કેટલા પ્રકારના હોય, વ્યક્તિત્વ વિકાસ કરવાની જરૂરિયાત શું, એના માટે શું કરવું જોઈએ વગેરે ચર્ચા અંતર્ગત એક વકતા તરીકે મે કહ્યું કે વ્યક્તિત્વ વિકાસમા ચારિત્ર અને કૌમાર્યનું પણ ખૂબ મહત્વ છે કેમ કે તે વગર આંતરિક કે બાહ્ય કોઈ પ્રકારનું વ્યક્તિત્વ પ્રાપ્ત કરવું શક્ય નથી. જેના કારણે એક વિદ્યાર્થિનીએ કહ્યું મેમ કૌમાર્યને વ્યક્તિત્વ સાથે શું લેવાદેવા? જેથી મને થયું આવા પ્રશ્નો અનેક વિદ્યાર્થીઓના મનમાં હશે, તેમના મનમાં ચાલતી મૂંજવણને દૂર કરવી જોઈએ જેના પરિણામ સ્વરૂપ આજનો આ આર્ટીકલ અસ્તિત્વમાં આવ્યો. કૌમાર્ય એક પવિત્ર અવસ્થા છે, virginity is a state of purity. Virgin એટલે very intensely regulated guy in normal. હવે તમે જ વિચારો જો વ્યક્તિ સંપૂર્ણપણે નિયંત્રિત, સંયમિત અને પવિત્ર હોય તો એનાથી વિશેષ વ્યક્તિત્વ વિકાસ બીજો કયો હોય શકે?

વ્યક્તિના ચરિત્ર, આહાર-વિહાર, દૈનિક સંસ્કારી આચરણ, વિચારશક્તિ, બાહ્યદેખાવ, આંતરિક સુંદરતા એટલે કે સદગુણો, શિસ્ત, નીતિમત્તા વગેરે દ્વારા કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ થઈ શકે. વ્યક્તિ પોતાના કર્તવ્યો કઈ રીતે અદા કરે છે, જવાબદારી કેટલી નિષ્ઠાથી વહન કરે છે, તેનું મન સતત કેવા વિચારો અને કાર્યોમાં વ્યસ્ત રહે છે, તેના વાણી-વિચાર-વર્તન કેટલા ભદ્ર કે સંસ્કારી છે વગેરે અનેક બાબતો દ્વારા કોઈપણ મનુષ્યનું વ્યક્તિત્વ જાણી શકાય. તેના વ્યક્તિત્વનો કેટલો વિકાસ થયો છે અને કેટલા વધુ વિકાસની આવશ્યકતા છે તેનો તાળો મેળવી શકાય. વર્તમાન સમયે વ્યક્તિની માત્ર વાચાળતા અને બાહ્ય દેખાવને આધારે તેની પર્સનાલિટીનો અંદાજ લગાવવામાં આવે છે પરંતુ વાસ્તવિક મહત્વ તો આંતરિક સુંદરતાનું છે એ આપણે કદાચ ભૂલી ગયા છીએ. વળી મનુષ્યની આંતરિક કે બાહ્ય સુંદરતા કે વ્યક્તિત્વ પાછળ બ્રહ્મચર્ય કેટલું અગત્યનું પરિબળ છે એ તો જાણે આપણી કલ્પના બહાર છે એવું મને લાગે છે કેમ કે વિશ્વસ્તરે વ્યક્તિત્વ વિકાસ પર અઢળક સાહિત્ય લખાય વંચાય અને વેચાય છે પરતું કમનશીબે લોકો ચારિત્ર વગરના જ રહી જાય છે કેમ કે ચારિત્રની પૂર્વશરતરૂપ બ્રહ્મચર્યની ચર્ચા ક્યાય જોવા મળતી જ નથી.

બ્રહ્મચર્યનું પાલન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની પૂર્વશરત છે અર્થાત ચારિત્રઘડતર અને વ્યક્તિત્વ વિકાસની પૂર્વશરત છે. એક સંશોધન અનુસાર ૧૦ કીલોગ્રામ પોષક આહારમાંથી ૨૫૦ મિલીગ્રામ લોહી બને છે અને ૨૫૦ મિલી લોહીમાંથી ૨૦ મિલી વીર્ય બને છે. આમ ૨૦ મીલીગ્રામ વીર્ય બનાવવા શરીરને ૧૦ કિલોગ્રામ પોષક આહારની જરૂર પડે છે. વીર્યસંગ્રહ વિના પૂર્ણ આરોગ્ય જાળવવું લગભગ અશક્ય છે. એક જીવનનું સર્જન કરવાની શક્તિ ધરાવતા વીર્યની અધોગતિ કોઈ રીતે યોગ્ય નથી. માત્ર પ્રજોત્પતિના ઉમદા આશય સિવાય વીર્યનો ઉપયોગ (બગાડ) કરવો અજ્ઞાન છે જે જાણે અજાણે નર્ક જેવી જિંદગી જીવવા મનુષ્યને મજબુર કરી દે છે કેમ કે વારંવારના વીર્યસ્ખલન બાદ જો યોગ્ય માત્રામાં પોષકઆહાર લેવાય નહિ તો ધીરેધીરે શરીર નબળું પડતું જાય છે, ઘડપણ વહેલું આવે છે. આમ વ્યક્તિ જ જો નબળો પડી જાય વ્યક્તિત્વ કેવી રીતે ખીલે?

બ્રહ્મચર્યના અનેક અર્થો છે. એક સામાન્ય અર્થ છે મૈથુનનો ત્યાગ કરવો. પરંતુ વાસ્તવમાં તેનો મૂળ અર્થ છે ‘બ્રહ્મ જેવી ચર્યા” જેના વડે બ્રહ્મપ્રાપ્તિ થાય તેવી ક્રિયા એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મમા રહેવાની ચર્યા એટલે બ્રહ્મચર્ય. આમ બ્રહ્મચર્યની તાકાત કલ્પના બહારની છે. તેના વિવેકપૂર્ણ ઉપયોગથી તેમજ વીર્યસંગ્રહથી વ્યક્તિ તેની શક્તિ, ઉર્જા, તાકાતમાં અનેક્ગણો વધારો કરી શકે છે. જેના માટે તપશ્ચર્યા જેવા સંયમની જરૂર છે. વાસ્તવમાં બ્રહ્મચર્ય આત્મા અથવા પરમાત્મા તરફની ગતિ છે. વીર્યના એક ટીપાનું પતન એટલે મૃત્યુ અને તેનું રક્ષણ એટલે જીવન. શરીરમાં સૌથી અમૂલ્ય ધાતુ વીર્ય છે જે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થી અને મજ્જા આ તમામની ઉત્પત્તિ બાદ શરીરમાં અલ્પમાત્રામાં ઉત્પન્ન થાય છે. આ વીર્યને ઉર્ધ્વ રાખવાથી શરીરમાં એક પ્રકારનું ઓજ (ઉર્જા) ઉત્પન્ન થાય છે. આહારમાંથી વીર્ય ઉત્પન્ન થતા એક મહિનો લાગે છે. ૮૦ ટીપા લોહીમાંથી ૧ ટીપું વીર્ય બને છે. વાસ્તવિક વીર્યમાં માત્ર બે થી પાંચ ટકા શુક્રકોષ હોય છે બાકીના પોષક તત્વો પ્રોટીન, વિટામીન, DNA વગેરે હોય છે. વીર્યની ઉર્ધ્વગતિ દ્વારા વ્યક્તિ અશક્ય અને આશ્ચર્યકારી પરાક્રમો સર્જી શકે છે. ભગવાનનો અનુભવ કરવા ઈચ્છતા (એટલે કે દિવ્ય ઉર્જા કે પરમ શક્તિ પ્રાપ્ત કરવા) કે વ્યક્તિત્વ વિકાસ કરવા ઇચ્છતા દરેક વ્યક્તિ માટે બ્રહ્મચર્ય અતિ આવશ્યક છે.

બ્રહ્મચર્ય પાલનના અનેક ફાયદાઓ છે એટલે કે વીર્ય સંગ્રહ કે વીર્ય ઉર્ધ્વગતિના અનેક ફાયદાઓ છે. બ્રહ્મચર્ય દ્વારા રોગો સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. પાછલી ઉમરમાં રોગો ઓછા થાય છે. વૃદ્ધત્વ આવતા વાર લાગે છે એટલે કે aging process ધીમી પડે છે. વીર્યમાં spemidine નામનું તત્વ હોય છે જે વૃદ્ધત્વને જલ્દી આવતા અટકાવે છે. પાચનશક્તિ સચેત કરે છે. યાદશક્તિ વધારે છે. તીવ્ર એકાગ્રતા પ્રાપ્ત કરવામાં અતિ સહાયક છે. એક સંશોધન અનુસાર બ્રહ્મચર્યનું પાલન કરનાર વ્યક્તિ અન્ય સામાન્ય માણસ કરતા ૪૫% એકાગ્રતા વધારે ધરાવે છે. એના દ્વારા પ્રબળ આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય છે. વિજ્ઞાન માને છે કે વીર્ય ઉર્ધ્વગતિથી વ્યક્તિ ખુબ હકારત્મક વિચારધારાવાળો બને છે. જીવન તનાવ અને ચિંતારહિત આનંદમય બને છે. એક સંશોધન પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન કરનાર ૯૦% અત્યંત આનંદમય રહે છે. આમ સાચી શૂરવીરતા તો પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ કરી બ્રહ્મચર્યનું પાલન કરવામાં જ છે. કેમ કે એકવારનો વીર્યપાત (૩.૪ મિલી) થવાથી નાશ પામતા પોષક તત્વો આ પ્રમાણે છે. પ્રોટીન ૦.૧૭ ગ્રામ, ગ્લુકોઝ ૩.૫૧ ગ્રામ, કેલ્સીયમ ૧.૨૧ ગ્રામ, લેક્તિક એસીડ ૨.૧૫ ગ્રામ, મેગ્નેસિયમ ૦.૩૭ ગ્રામ, પોટેસિયમ ૩.૭૧ ગ્રામ, ઝીંક ૦.૫૬ ગ્રામ જે શારીરિક, માનસિક બળ ઘટાડે છે, શરીરને નિર્બળ કરે છે, સ્વભાવ ક્રોધી બનાવે છે, ચિંતા તનાવમાં વધારો કરી જીવનને ઉદાસીનતા પૂર્ણ બનાવે છે. નિર્બળ, ક્રોધી તનવગ્રસ્ત, રોગી કે ઉર્જાહીન માણસનું વ્યક્તિત્વ કદાપિ પ્રભાવશાળી ન હોય શકે એ તો સમજી શકાય એવી વાત છે. આજના યુવાનોને મારી નમ્ર અપીલ છે કે જો તેવો જીવનના દરેક ક્ષેત્રે સફળતા હાંસલ કરવા માંગતા હોય, આકર્ષક વ્યક્તિત્વના માલિક બનવા માંગતા હોય, યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માંગતા હોય તો બીજા કોઈ ક્ષણિક ઉપાયો તરફ ધ્યાન આપવાને બદલે બ્રહ્મચર્ય પાલનના નિયમોનું ધ્યાન રાખે તો મને લાગે છે ભારતને એક શક્તિશાળી સામ્રાજ્ય બનતા કોઈ રોકી નહિ શકે કેમ કે યુવાનો દેશનું ભવિષ્ય છે જો તેવો પાવરફૂલ હશે તો દેશ આપોઆપ પાવરફૂલ બની જશે.

ઉમદા વ્યક્તિત્વ વિકાસ અર્થે જ પ્રાચીન સમયમાં હિન્દુધર્મસંસ્કૃતિ અંતર્ગત મનુષ્યજીવન શ્રેષ્ઠ રીતે જીવવા માટે ચાર આશ્રમોની વ્યવસ્થા હતી જે ખૂબ વૈજ્ઞાનિક હતી જેમાં પ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ હતો. બ્રહ્મચર્યાશ્રમ જીવનનો પ્રથમ તબક્કો છે અને જીવનનો શરૂઆતનો તબક્કો હંમેશા જીવનઘડતરમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે એ આપણે સૌ જાણીએ છીએ. જીવનના પ્રથમ ૨૩ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાની આ આશ્રમમાં આજ્ઞા છે. જો સમજણ વગર વીર્યપાત થાય કે મૈથુન પર નિયંત્રણ જીવનના પ્રથમ તબક્કામાં ન રહે તો આવનાર જીવન ખૂબ અશક્ત અને રોગીષ્ટ બને છે જેથી બ્રહ્મચર્યાશ્રમમાં સંયમનું ખૂબ મહત્વ છે. પરંતુ આજના ખૂબ નાની ઉમરના સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં પણ કમનશીબે વિશેષ કામુકતા જોવા મળે છે અને લગ્ન સુધી કેટલા યુવાનો વર્જિન (virgin) રહેતા હશે તે અંગે મને શંકા છે. વળી આજની યુવા પેઢીને તેમાં કશું જ અયોગ્ય લાગતું નથી એ વધુ દુખની વાત છે. કદાચ કુટુંબ, શિક્ષણસંસ્થા કે સમાજવ્યવસ્થા યુવાનોને બ્રહ્મચર્યની અનિવાર્યતા સમજાવવાનું ચૂકી ગયા હોય એવું લાગે છે. જો બ્રહ્મચર્યનું મહત્વ તેવોને વૈજ્ઞાનિક સંદર્ભમાં સમજાવવામા આવે અર્થાત બ્રહ્મચર્ય વ્યક્તિના પોતાના વ્યક્તિત્વ વિકાસ અને સફળતા માટે કેટલુ આવશ્યક છે તે જણાવવામાં આવે તો મને વિશ્વાસ છે કે યુવાનો અવશ્ય સમજશે. બ્રહ્મચર્યાશ્રમ બાદ આવતા દ્વિતીય આશ્રમ ગૃહસ્થાશ્રમમાં મનુષ્યને ખૂબ શક્તિની આવશ્યકતા રહે છે કેમકે તેણે પ્રજોત્પતિનું ઉમદા કાર્ય કરવાનું હોય છે. ઉપરાંત અન્ય સામાજિક જવાબદારીનું પાલન કરવાનું હોય છે જેથી બ્રહ્મચર્યાશ્રમમાં શક્તિનો સંગ્રહ સંયમ દ્વારા અનિવાર્ય બની રહે છે. જો એવું ન થાય તો ગૃહસ્થાશ્રમ અતિ પીડાદાયક બની શકે છે. કદાચ એ જ કારણ છે કે આધુનિક યુગમાં ગૃહસ્થાશ્રમ ઉત્તમ જોવા નથી મળતો. બ્રહ્મચર્યાશ્રમમાં સાત્વિક ખોરાકની અનિવાર્યતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કેમ કે શારીરિક, માનસિક તેમ જ આધ્યાત્મિક વિકાસની પ્રથમ શરત સ્વસ્થતા કે તંદુરસ્તી છે. ટૂંકમાં બ્રહ્મચર્યાશ્રમમાં વિદ્યાભ્યાસ, સાત્વિક ખોરાક, ઇન્દ્રિયો પર સંયમ, અને બ્રહ્મચર્યના પાલનને અનિવાર્ય માનવમાં આવ્યું છે કારણકે મનુષ્યજીવનના ચાર મુખ્ય પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ આ તમામના અમલ વગર શક્ય જ નથી. કેવળ જનેન્દ્રિયનો નહીં પરંતુ તમામ ઇન્દ્રિયો પરનો સંયમ એટલે બ્રહ્મચર્ય. વિચાર, વર્તન અને વાણીમાં શુધ્ધિ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય બે પ્રકારના છે શારીરિક અને માનસિક. ખરાબ વિચારોનું નિયંત્રણ એ માનસિક બ્રહ્મચર્ય છે. જાગૃત કે સ્વપ્નઅવસ્થામાં પણ કામુક વિચારોથી સંપૂર્ણ મુક્તિ એ પૂર્ણ બ્રહ્મચર્ય છે. જીવનને ધારણ કરનાર વીર્ય આપણું મહાન ધન છે. લોહીનું સારતત્વ છે. બ્રહ્મચર્ય ખરેખર એક અમૂલ્ય મોતી છે, જે રોગ ક્ષય અને મૃત્યુનો નાશ કરનાર સૌથી પ્રભાવશાળી મહાઔષધિ છે. આત્માનું સ્વરૂપ જ બ્રહ્મચર્ય છે, બ્રહ્મચર્યમાં જ આત્માનો નિવાસ છે. વીર્ય તો જીવન, વિચાર, બુદ્ધિ તથા ચૈતન્યનો સાર છે. વીર્યનો એકવાર નાશ થયા પછી દૂધ માખણ બદામ કે ટોનિક આજીવન ગ્રહણ કરવાથી પણ તેની ત્વરિત પૂર્તિ થઈ શકતી નથી. બ્રહ્મચર્ય એ નિષ્કલંક પવિત્રતા છે જે એક સર્વોત્તમ તપ છે. ઇન્દ્રિયપરાયણતા વાસ્તવમાં જીવન, સૌંદર્ય, બળ, વીર્ય, યાદશક્તિ, ધન, યશ, પવિત્રતા તથા ઈશ્વરભક્તિનો વિનાશ કરે છે. શરીરમાંથી વીર્યનું સ્ખલન મૃત્યુને નજીક લાવનાર છે, તેના સંરક્ષણથી આયુષ્ય વધે છે. જે લોકોએ વીર્યનો વધુ ક્ષય કર્યો હોય તે ખૂબ જલ્દી અશાંત અને આળસુ બની જાય છે, તેઓ જલ્દીથી રોગના ભોગ બને છે અને અકાળે મૃત્યુ પામે છે. બ્રહ્મચર્યના અભાવથી અને વીર્યશક્તિના ક્ષયથી મનુષ્ય શારીરિક માનસિક અને બૌદ્ધિક દુર્બળતા પ્રાપ્ત કરે છે અને દરેક નાની નાની બાબતમાં ચિડાઈ જાય છે. બ્રહ્મચર્ય અંગે પશ્ચિમનું મનોવિજ્ઞાન ખોટી માહિતી આપે છે, કદાચ તેઓને આ બાબતનું અનુભવાત્મક જ્ઞાન ઓછું હશે. આપણાં ઋષિમુનિઑએ બ્રહ્મચર્ય દ્વારા મૃત્યુ પર વિજય મેળવ્યો હતો. આમ બ્રહ્મચર્યની તાકાત કલ્પના બહારની છે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની ચાવી બ્રહ્મચર્ય જ છે. આશા રાખું કે આજના યુવાનો અને વિદ્યાર્થીઑ આ આર્ટીકલ વાંચી સમજી શાસ્ત્રોની સલાહને સ્વીકારશે અને જીવનને વધુ બહેતર બનાવશે. વ્યક્તિત્વ વિકાસના નામે થતાં ખોખલા કાર્યો તરફ ન આકર્ષાતા નક્કર બાબત તરફ પ્રયાણ કરશે.

TejGujarati