ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ ધ્વારા આજરોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતી ડૉ.અબ્દુલ કલામની પુણ્યતીથિ નિમિત્તે વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ અબ્દુલ કલામનો એક સામાન્ય કુટુંબમાં જન્મ થયો હતો. પરંતુ પોતાનું આત્મબળ, પુરુષાર્થ અને ખંતથી પોતાના સપના સાકાર કર્યા હતા. એરોસ્પેસ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવી ભારતની વિવિધ સંસ્થાઓમાં વૈજ્ઞાનીક તરીકે કાર્ય કરી દેશની સંરક્ષણ ક્ષેત્રે મજબુતાઈ ઉભી કરી છે. મીસાઈલ મેન ઓફ ઈન્ડીયા તરીકે જાણીતા અબ્દુલ કલામ પોતાનું સમગ્ર જીવન સાદગી, પ્રામાણિકતા, વફાદારી તથા ઉચ્ચ મૂલ્યો સાથે જીવ્યા હતા. પોતાના જીવનમાં તેઓએ મહત્વના ૫ પુસ્તકો લખી ભારતની આધ્યાત્મીક શક્તી તથા વૈજ્ઞાનીક અભીગમ સાથે દેશના યુવાનોને સંદેશ આપ્યો હતો કે ભારત વિશ્વગુરૂ બનવાની ક્ષમતા ધરાવે છે. કલામનું “ટેકનોલોજી વિઝન ૨૦૨૦” માં રજૂ કરેલા ડ્રાફ્ટમાં ખેતીવાડીનો વિકાસ, ઉત્પાદનમાં વધારો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશની આર્થીક સધ્ધરતા ઉભી થઇ શકે તથા આત્મનિર્ભર ભારત બની શકે તેવો રોડમેપ આપ્યો હતો. આ સૂચનોને દેશની નવી શિક્ષણ નીતિ ૨૦૨૦માં સમાવેશ કરવામાં આવ્યો છે જે આવકારદાયક છે. આ વ્યાખ્યાનમાં કોલેજના ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.