પ્રતિક્ષા જ પરમાત્મા છે. અતિથિ પ્રિય,પૂજ્ય,પ્રાપ્ય,પવિત્ર અને પરમ કરૂણામયી હોવો જોઇએ. સાંઇઠ વરસની કથા યાત્રામાં પાયા-ખોયા કંઇ નહિ,પણ જે છે એને ઓળખ્યું છે:મોરારિબાપુ.

ધાર્મિક

 

અગરતલા(ત્રિપુરા)થી પ્રવાહિત રામકથાના બીજા દિવસે પ્રારંભમાં થોડીક જીજ્ઞાશાઓ હતી.બાપુએ કહ્યું કે એક પ્રશ્ન વારંવાર પુછાઇ રહ્યો છે કે:કથા પ્રારંભે જે સ્તુતિ થાય છે એક થોડી વધારે લાંબી છે! બાપુએ કહ્યું કે પહેલા ઘણી જ લાંબી હતી,એમાં થોડુંક કાપીને નાની કરેલી છે.વ્યાસપીઠ પરિવર્તનશીલ છે.અહીં નિરંતર નૂતનતા છે.તો પણ આપનો સમય ખૂબ જ કીમતી છે! એવું કરો કે જ્યાં સુધી સ્તુતિ ચાલતી હોય એટલા મોડા આવો!! અને જો વહેલા આવી જાવ છો તો આંખ બંધ કરી અને ઝાંખી કરો!,ધ્યાન કરો!,થઈ શકે તો સાથે સૂર મેળવીને ગાઓ! લોકાભીરામં શરૂ થાય ત્યારે રામના સ્વરૂપનું ધ્યાન કરો.આ પણ સંભવ ના હોય તો આપ ગાઈ શકો છો અથવા તો એટલો સમય સુઈ જાઓ!! બાપુએ કહ્યું કે કથામાં લોકો સૂઈ જાય છે, સતત ફોન ચાલુ રાખે છે હું સતત જોતો હોઉં છું. શક્ય બને તો કથાના નિયમનું પાલન કરીએ. એરોપ્લેનમાં પણ ફ્લાઈટ ઉડાન ભરે ત્યારે ફોન બંધ રખાવે છે.સ્તુતિ લાંબી છે તો એનો જવાબ એ પણ છે કે અમે સ્તુતિ કરીએ છીએ,નિંદા નહીં. અને સ્તુતિ પણ કોઈ એર ગેરની નહીં ઇષ્ટની કરીએ છીએ. એટલે નિયમ નિભાવતા રહીએ.

બાપુએ કહ્યું કે આ રામ કથાની બે બીજ પંક્તિ બતાવે છે કે આપણું પુણ્ય અને નસીબ છે કે બંને ભાઈઓ આપણા નેત્રોના અતિથિ બન્યા છે.આપણે પલક પાવડો પાથરીને પ્રતીક્ષા કરીએ છીએ કે કોઈ નયનના અતિથી આવે.અને જે નિગાહો-આંખોના અતિથી બની જાય છે એ પછી આપણને એમના બનાવી દે છે અને પછી મિટાવી દે છે! ક્યાંયના રહેવા દેતા નથી!!

બાપુએ કહ્યું કે આપણે ઇચ્છીએ એ થતું નથી,જે થાય છે એ ગમતું નથી,જે ગમે છે એ મળતું નથી, અને જે મળે છે એ ટકતું નથી.આ સૂત્રમાં થોડુંક ઉમેરીને કહું તો જે ટકે છે એ જૂનું થઈ જશે.નિત્ય નુતન હોવું જોઈએ.નેત્રના અતિથીના પાંચ લક્ષણ હોવા જોઈએ:

એક-અતિથિ એવો હોવો જોઈએ જે આવતા જ પ્રિય લાગે.બે-અતિથિ પૂજ્ય હોવો જોઈએ.ત્રણ- અતિથિ ક્યારેક ને ક્યારેક પ્રાપ્ય થવો જોઈએ. બાપુએ કહ્યું કે પ્રતીક્ષા જ પરમાત્મા છે. અતિથિઓના સ્વાગત કરવા માટે શાસ્ત્રમાં ૧૬ પ્રકારની વિધિ કહેલી છે:આસન,પાદ્ય,આચમની, સ્નાન,ગંધ,વસ્ત્રઅર્પણ,પુષ્પ,ધૂપ,દીપ,નૈવેદ, આચમની,તાંબુલ પાન,દક્ષિણા,પ્રદક્ષિણા અને આરતી.

ચાર-અતિથિ પવિત્ર હોવો જોઈએ કારણ કે પૂજ્યને,પ્રિયને અને પવિત્રને આપણે દેવ કહીએ છીએ.

અને પાંચ-અતિથિ પરમ કરુણામય હોવો જોઈએ. પહેલાના જમાનામાં અતિથિ સદા પગપાળા જ આવતા.આપણે ગઇકાલે કહ્યું કે ગંગા,ગાય,ગોવિંદ વગેરે અતિથિ છે.ગંગા કોઈ વાહનમાં બેસતી નથી. ગાય પણ પોતાના પગથી ચાલીને આવે છે.ગોવિંદ, ગુરુ આ બધા જ અતિથિઓ પગપાળા ચાલીને આવે છે.બાપુએ કહ્યું કે ૬૦ વર્ષની મારી કથા યાત્રામાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું? કંઈ નહીં.પણ જે છે એને ઓળખ્યું.મેળવ્યું તો બધાએ છે પણ ઓળખાણ થઈ નથી.એ પછી કથા ક્રમમાં હનુમંત વંદનાના ક્રમમાં નામ મહિમા પ્રકરણમાં રામનામની વંદના થઈ.રામનું નામ બધી જ કામનાઓ જેવી કે: દુઃખ.દારિદ્રય,ઈર્ષા,લોભ,સ્પર્ધા વગેરેને કાપે છે મિટાવે છે.કાશીમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે એ વખતે અંત સમયે શિવજી કાનમાં રામનામ મહામંત્ર બોલે છે તેથી જીવને મુક્તિ મળે.રામ નામ પણ છે અને મહામંત્ર પણ છે,આ શાસ્ત્ર સંમત વાત છે. પાર્વતીજી રોજ સહસ્ત્રનામનો જપ કરતી એમને વ્રત હતું અને શિવજીએ એક રામનામ સહસ્ત્રનામ તુલ્ય કહી અને એક વખત જપવાથી પણ એનું પુણ્ય મળે એવો મહિમા પાર્વતીને કહેલો.આપણે ધ્યાન પૂજા યજ્ઞ નથી કરી શકતા માત્ર હરિનામ આપનો સહારો છે.

કહો કહામ લગિ નામ બડાઈ;

રામહી ન શકહી નામ ગુણ ગાઇ.

 

TejGujarati