પૂર્વોત્તરનાં મનોરમ રાજ્ય ત્રિપુરાથી ૯૦૧મી કથાનો પ્રારંભ. નદી પ્રવાહમાન પરમાત્મા છે.

ધાર્મિક

ગંગા,ગાય,ગોવિંદ,ગુરૂ,ગ્રંથ,ગૌરી,ગરીબ અને ગોતિત સદૈવ અતિથિ છે.
કઇ પાંચ તિથિઓ બાપુનું પંચાંગ છે?

બડે ભાગ બિધિ બાત બનાઇ;
નયન અતિથિ હોઇહહિ દોઉ ભાઇ.
કો જાન કેહિ સુકૃત સયાની;
નયન અતિથિ કિન્હે બિધિ આનિ.
પૂર્વોત્તરનાં મનોરમ રાજ્ય ત્રિપુરાની હરીભરી ઘાટીથી સુશોભિત ઈન્દ્રનગર અગરતલાથી કથા પ્રારંભના પ્રથમ દિવસે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય થયું. અને આ બીજ પંક્તિઓ સાથે કથા પ્રારંભે બાપુએ ભારત વર્ષની ભૂમિ અને આ માટી,ધર્માચાર્યો, મહાનુભાવો તેમજ ત્રિપુરા સરકાર અને પ્રશાસનને પ્રણામ અને સાધુવાદ આપ્યા.બાપુએ જણાવ્યું કે કાનન જાલન પરિવારનો આ મનોરથ હતો કે ‘સેવન સિસ્ટર્સ’-સાત બહેન રાજ્યો-જેમાંથી ત્રણ-ચાર રાજ્યમાં કથાનું અનુષ્ઠાન થઈ ચૂક્યું છે-એમાંનું આ એક રાજ્ય.સાથે-સાથે એ પણ જણાવ્યું કે નાગાલેન્ડ,મિઝોરમ,મણીપુર આ ત્રણ ભૂભાગ પર કથા બાકી છે.મણીપુરની કથા અનુકૂળતા પર ફરીથી આ જ પરિવાર દ્વારા થશે.
બાપુએ કહ્યું કે ઉપનિષદના નાના-નાના સૂત્રો: માતૃદેવો ભવ:,પિતૃદેવો ભવ:, આચાર્ય દેવો ભવ: પર કથાઓ થઈ.આ જ ક્રમમાં અતિથિ દેવો ભવ વિષય પર સંવાદ કરીશું.રામચરિત માનસમાં આઠથી નવ વખત અતિથિ શબ્દનો પ્રયોગ થયેલો છે અને બાલકાંડની આ પંક્તિઓમાં વિશેષ ચેતનાઓ નેત્રોની અતિથિ બનીને આવેલી છે.બાપુએ જણાવ્યું કે પ્રથમ વખત અતિથિ શબ્દ માનસમાં પૂજ્ય પ્રિયતમ પુરારી… શબ્દ સાથે આવ્યો છે.શબ્દના રૂપમાં કહીએ તો એક હોય છે તિથિ.એક ક્ષય-લોપતિથિ હોય છે,એક અધિક તિથિ હોય છે,એક અર્ધતિથિ હોય છે-સવાર સુધી પંચમી અને બપોર બાદ ષષ્ઠમી હોય અને એક છે અતિથિ.જેને આવવાની કોઈ નિશ્ચિત તિથિ નથી એને આપણે અતિથિ કહીએ છીએ.એક પ્રાચીન દુહો છે જેમાં આઠ તત્વોને,આઠ ચેતનાઓને અતિથિ કહેવાયા છે:
*ગંગ ગાય ગોવિંદ ગુરુ ગ્રંથ ગૌરી-સુકુમારી*
*ગરીબ ગોતિત અતિથિ ભવ કહત મુનિવર વિચારી.*
આ આઠ નિત્ય અતિથિ છે અને એટલે જ દેવ છે અને પૂજ્ય છે.ગંગા નિત્ય અતિથિ છે.આપણે દેવપ્રયાગ હરિદ્વાર વગેરે આવવાની તેમની તિથિઓ બનાવી લીધી છે પણ પરમદેવી છે, પ્રવાહમાન ચેતના છે.નદી પ્રવાહમાન પરમાત્મા છે.ગાય અતિથિ છે.કૃષ્ણની સ્મૃતિ આવે કૃષ્ણનું નામ આવે તો સમજવું કે એ અતિથિ તરીકે આવ્યો છે.ગુરુ અતિથિ છે.બાપુએ જણાવ્યું કે મારા ખુદના જીવનમાં પાંચ તિથિ અત્યંત મહત્વની છે:શિવરાત્રી- જ્યારે મારો જન્મ થયો.રામનવમી-એક રામનવમી એ રામ પ્રાગટ્ય પછી દાદાજીએ બોલાવી અને માનસ ગ્રંથ સાથે કહ્યું કે આજથી રામકથા ભણાવવાનું શરૂ કરું છું અને લંકા કાંડ સુધી ભણાવી અને કહ્યું કે હવે ગ્રંથ બંધ કરીએ,હવે જીવનને ખોલ! હનુમાન જયંતિ એ પણ વિશિષ્ટ તિથી છે.ચોથી અધ્યાત્મનું નવું વર્ષ કહું છું એ ગુરુપૂર્ણિમા અને પાંચમી તુલસી જયંતિ-શ્રાવણ સપ્તમી.આ પાંચે તિથિઓ ક્રમમાં આવે છે એટલે મારા માટે યોગ, લગન,ગ્રહ,બાર,તિથિ-એ પંચાંગના રૂપમાં કહું તો મારા માટે શિવરાત્રીએ યોગ છે,રામ નવમી એ લગન છે-લગની લાગી.હનુમાનજયંતિ એ અનુગ્રહ છે, ગુરુપૂર્ણિમા એતબાર મારા માટે વાર છે અને તુલસી જયંતિ મારા માટે તિથિ છે.બાપુએ કહ્યું કે ગ્રંથ પણ અતિથિ છે.જ્યારે પણ ખોલીએ નવો દેખાય છે,નવું દર્શન મળે છે.કોઈપણ ગરીબ આપણે આંગણે આવે ત્યારે એ અતિથિ છે એમ સમજવું.ગોતિત- બધા જ ગુણોથી પર-ગુણાતિત મહાપુરુષ એ અતિથિ છે. બાપુએ એ પણ જણાવ્યું કે અત્યારે ચાતુર્માસમાં મૌનનું વધારે મહત્વ છે.પાંચ ધ્યાન રાખીએ:વાણીનું મૌન,કાનનું પણ મૌન,આંખનું મૌન,મનની ગતિનું પણ મૌન એ પછી કથા ક્રમમાં ગ્રંથ મહાત્મ્ય અને પંચ દેવોની વંદના પ્રકરણની કથા કહી હનુમંત વંદના સાથે આજની કથાને વિરામ અપાયો.

TejGujarati